ખબર

શું છે મ્યુકોર માઈકોસિસ ? જેનાથી દર્દીઓની આંખો છીનવાઇ જાય છે અને નાક તેમજ જડબાને પણ કરે છે અસર…

કાળી ફંગસથી બચવું હોય તો વાંચી ટિપ્સ

દેશમાં એક તરફ કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે, ત્યારે કોરોનાથી સાજા થયેલા લોકોમાં એક જીવલેણ સંક્રમણ સામે આવ્યું છે. આ સંક્રમણને બ્લેક ફંગસ અથવા તો મ્યુકોર માઈકોસિસ કહે છે. અત્યાર સુધીમાં દેશમાં બ્લેક ફંગસના ઘણા કેસ સામે આવ્યા છે. જેનાથી લોકોના જીવ જાય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સરકાર તરફથી આ ઘાતક સંક્રમણને લઈ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે મ્યુકોર માઈકોસિસનું સ્ક્રીનિંગ, તપાસ અને સારવાર કઈ રીતે થઈ શકે છે.

તમને જણાવી દઇએ કે, બ્લેક ફંગસના સામાન્ય રીતે એ લોકો શિકાર બની રહ્યા છે જેમની રોગ પ્રતિકારક શક્તિ દવાઓના કારણે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જો યોગ્ય સમય પર તેની સારવાર ન થાય તો તેનાથી જીવ પણ જઈ શકે છે.

શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.

આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોઇએ તો, આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે….

કોરોનાથી સાજા થયેલા લોકોએ નીચે પ્રમાણેની ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ ડાયાબિટીસના દર્દીનું લોહી અને ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું

સ્ટીરોઈડન લેતા સમયે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયનું ધ્યાન રાખો

એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલના ઉપયોગ વખતે સાવધાની રાખો

હાઈપરગ્લાઈસિમિયા પર નિયંત્રણ કરવું જરુરી છે.

ઓક્સીજન થેરાપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ સરળતાથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ તેનો શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા,

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

6. થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે.

7. ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.

5 કોવિડ સંક્રમિત હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો

6. કોવિડની સારવાર સમયે છઠ્ઠા દિવસ પછી સ્ટિરોઈડનો ઉપયોગ કરવો અને તે પણ જરૂર જણાય તો તથા ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો

7. કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય રીતે સાફ સફાઈ એ ખાસ ધ્યાન રાખવું

8. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.