લેખકની કલમે

“ભવોભવ તું જ મારો દીકરો બને…!” – આજના આધુનિક જમાનામા પણ જો આવા શ્રાવણ જેવા દિકરા હોય તો ધન્ય છે આવા દિકરા ને !!!

“ભવોભવ તું જ મારો દીકરો બને…!!!”

“શ્રાવણ બનીને સાચવું, હું માવલડીને મારી.
પ્રભુભક્તિ છે એજ મારી, સાચી અને પ્યારી.
એમ કરીને પુણ્યની મૂડી, ભેગી કરવી મારે,
રાખજે મા મારી ઉપર, સદા અમી નજર તારી…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

“મા, હું જ્યારે નાનો હતો ત્યારે તમે કહેતા હતા ને કે એક વાર મારે ભગવાન દ્વારકાધીશના દર્શને જવું છે તો હવે એ સંજોગ આવી ગયો છે મા. હું તમને દ્વારકાધીશના દર્શને લઈ જઈશ…”
ખાટલામાં પડેલી જે જાતે ઉભી પણ નથી થઈ શકતી એવી વૃદ્ધ અને અપંગ બની ગયેલી મા એ પોતાના દિકરા ના મોઢે આવી વાત સાંભળી અને ઊંડી ઉતરી ગયેલી એની નિસ્તેજ આંખોમાં એક ગજબ પ્રકારની ચમક આવી ગઈ. જો એ વૃદ્ધ માં પોતાની જાતે ઉભી થઇ શકતી હોત કે પોતાના હાથોનું સામાન્યરીતે હલન ચલન કરી શકતી હોત તો જરૂર પોતાના દીકરાની આ વાત પર એને પોતાની બાથમાં સ્નેહથી ભીડી લેત… પણ એ એવું ન કરી શકી પરંતુ પોતાના અંતરના આશિષ શબ્દો થકી દીકરા પર વરસાવવા લાગી. બે ઘડી માટે એ પોતાનું અપંગપણું ભૂલી ગઈ પણ ત્રીજીજ ક્ષણે પોતાની અવસ્થાનું ભાન થતા તરત એને દીકરાને કહ્યું કે…

“બેટા, મારી જાત્રા પુરી કરાવાની તારી આ તૈયારી પર તને હું લાખ લાખ આશિષ આપું છું પણ મારી સ્થિતિ આજે એવી છે કે હું ખાટલમાંથી ઉભી પણ થઈ શકતી નથી તો દ્વારકાધીશની જાત્રા કઈ રીતે કરી શકીશ કે તું મને કંઈ રીતે જાત્રા કરાવીશ… તું જ્યારે નાનો હતો ત્યારે મારી જાત્રાની ઈચ્છા હતી ત્યારે હું મારી રીતે હાલી ચાલી શકતી હતી પણ હવે એવું નથી થઈ શકતું…”
વૃદ્ધ અને અપંગ થઈ ગયેલી મા ની જાત્રા કરવાની શિથિલ થઈ રહેલી ઈચ્છાને પુનજીવીત કરતા એના દીકરાએ તરત જવાબ આપ્યો… “મા, નાહક ને તું એ બધી ચિંતા કરે છે. હું છું ને હું તને જાત્રા કરાવીશ. તું બસ ભગવાન દ્વારકાધીસનું નામ લે. હવે દસેક દિવસ પછી હું મારી નોકરીમાંથી થોડા દિવસોની રજા લઈ લઇશ અને પછી હું તને જાત્રાએ લઈ જઈશ…”

દીકરાની માતૃભક્તિ જોઈ મનોમન રાજી થતી મા એ ફરી એકવાર દીકરા પર કોટી કોટી આશીર્વાદ વરસાવ્યા…
આજે ખાટલામાં અપંગ બનીને પડેલી એ વૃધ્ધ મા જ્યારે ત્રીસ પાંત્રીસ વર્ષની એક યુવતી હતી ત્યારથી એની દ્વારકા ની યાત્રા કરવાની ઈચ્છા હતી. અને એટલા માટે રોજે રોજ એ એના પતિને કહેતી કે એક વાર તો મારે દ્વારકા ની જાત્રા કરવી છે. પણ કામ અને જવાબદારીઓ હંમેશા એની એ ઈચ્છા પર હાવી રહ્યા અને વર્ષો વીતવા છતાં દ્વારકા જવાનો કોઈ સંજોગ પેદા ન થયો. માંડ પેટનો ખાડો પૂરો થાય એટલી સાવ થોડી જમીનમાં કાળી મજૂરી કરતા એ પતિ પત્નિ મહેનત સાથે પોતાના નાનકડા દીકરાને પણ ઉછેરી રહ્યા હતા. મહેનત કરી માંડ બે પૈસા ભેગા કરી દ્વારકા જવાનું નક્કી કરે ત્યાં કાંઈક આકસ્મિક ખર્ચ આવી જાય ને જાત્રાનું આયોજન કકડભૂસ ભાંગી પડે…
એમાંય ચાલીશ વર્ષની ઉંમરમાં વિધવા થઈ જતા કુટુંબની જવાબદારી આવી પડતા બે પૈસા પણ બચાવવા મુશ્કેલ થઈ ગયા હતા અને એ સ્ત્રીએ પોતાની જાત્રાની ઈચ્છા જાણે પોતાના ભીતર જ ધરબી દીધી હતી. દીકરો મોટો થતો જતો હતો અને એના ભણવાનું ખર્ચ સાથે સાથે કુટુંબના ભરણપોષણ કરવાનું ખર્ચ આ બધા ખર્ચા સામે હવે તો ખૂબ તાણી તોસી ને બે છેડા ભેગા કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી. એ વિધવા થઈ હતી પણ છતાં હિંમત હાર્યા વિના તનતોડ મહેનત મજૂરી કરી દીકરાને એ ભણાવતી રહી. ન જાણે કેટલાય ટંક દિકરાને ખબર ન પડે એમ પોતે ભૂખી રહી દીકરાની આંતરડી ઠારતી રહી. પોતાના તમામ શોખ ને મારીને એ દીકરા ના શોખ પુરા કરતી રહી.પોતાની મા ના સંઘર્ષો ને પોતાની આંખે જોઈ સમજી યુવાન બની ગયેલો એનો દીકરો પણ પોતાની મા ને ખૂબ પ્રેમ કરતો હતો. એ સદા એ વાતની ખબર રાખતો કે એના કારણે એની મા ને કોઈ દુઃખ ન પહોંચે. એમ કહેવાય કે સાચા અર્થમાં એ શ્રવણ જેવો હતો. એને મન પોતાની મા નું વચન એ જાણે ભગવાનનો આદેશ હતો. દીકરાની પોતાના તરફ આટલી ઊંચી માતૃભક્તિ જોઈ એ વૃદ્ધા પણ ખૂબ હરખાતી અને ભગવાનના ફોટા સામે જોઈ ઘણી વખત કહેતી કે…
“ભગવાન, આવો આજ્ઞાંકિત દીકરો આપી, તેં મારી કરેલી તારી ભક્તિ અને મહેનત મજૂરીનું ફળ મને આપી દીધું છે…”
એ વૃદ્ધાના દિકરાનો કોલેજ નો અભ્યાસ પૂર્ણ થયો અને એક કંપનીમાં જુનિયર એકાઉન્ટર તરીકેની ઓછા પગારવાળી નોકરી મળી ગઈ. ઘરમાં મા અને દીકરો ખૂબ આનંદ થી રહેતા હતા. ત્યાં એ દીકરાએ મા ભયંકર તાવમાં સપડાઈ અને દવાના રિએક્શન ના કારણે પેરાલીસીસ બીમારીનો એ ભોગ બની. એનું આખું શરીર અપંગ બની ગયું. માત્ર મોંઢે થી બોલી શકવાની જ એની સ્થિતિ રહી. અને ત્યારથી બસ એ પોતાનું જીવન ખાટલામાં પસાર કરતી થઈ ગઈ. દીકરાને મા ની આ બીમારીનો આઘાત તો લાગ્યો પરંતુ આ ઘટનાએ જાણે એનો માતૃભક્તિનો સંકલ્પ ઓર દૃઢ બનાવી દીધો. ઘરના બીજા કામ અને નોકરી સાથે પોતાની મા ની સેવા એમ ત્રણ જવાબદારી એ સમજદાર યુવાન જાણે પ્રભુ ભક્તિ સમજી કરતો રહ્યો.
સ્ત્રી વિનાનું ઘર એ ઘર નથી રહેતું એ ન્યાયે અને પોતાની મા ની સલાહ થી એ દિકરાએ એક સામાન્ય કુટુંબમાં લગ્ન કરી લીધા. ઘરમાં પોતાના દીકરાની વહુ ને આવતા જોઈ એ અપંગ બનેલી મા રાજીના રેડ થઈ ગઈ હતી. નસીબજોગે દીકરાની વહુ પણ ખૂબ આજ્ઞાંકિત હતી અને પોતાનો પતિ નોકરી કરવા જાય તો આ તરફ ઘરમાં બધુજ ઘરકામ કરી એ વહુ સાસુની સેવા કરતી. પોતાના દીકરા અને વહુની પોતાના તરફની આ ભક્તિ જોઈ એ મા દરેક સ્વાસે દીકરા વહુને આશીર્વાદ આપ્યા જ કરતી.

સમય પસાર થતો રહ્યો ત્યાં એક રાત્રે એ વૃદ્ધાની વહુ એ એના પતિને કહ્યું…
“તમે એક વાત ભૂલી ગયા લાગો છો !!! તમે મને મા ની બધી વાત કરી હતી એમાં મા ની દ્વારકાની યાત્રા કરવાની ઇચ્છની વાત પણ કહી હતી. જુવો હવે તમે નોકરી પણ કરો છો. ભગવાનની દયા અને મા ના આશીર્વાદથી ઘરમાં બે પૈસા બચે પણ છે તો હવે આપણે મા ની જાત્રા કરવાની ઈચ્છા પૂરી કરવી જોઈએ…”
પત્નિ ની સમજદારી ભરી આ વાત સાંભળી એના પતિએ એને પ્રેમથી પોતાની બહોપાસમાં જકડી લીધી અને હવે થોડાજ દિવસોમાં પોતાની મા ને જાત્રાએ લઈ જવાનું નક્કી કર્યું.

જાત્રાએ જવાનો દિવસ આવી ગયો. દીકરો અને વહું અપંગ વૃદ્ધ મા ને લઈને દ્વારકા જવા ઉપડ્યા. આખું ગામ આ જોઈ રહ્યું હતું. એ દીકરો નાનો હતો ત્યારે એની મા જેમ એને તેડીને લઈ જતી એમ આજે એ દીકરો પોતાની મા ને તેડી ગાડીમાં બેસાડતો હતો. દ્વારકા પહોંચ્યા પછી પણ મંદિરમાં અને આજુબાજુના બીજા ધાર્મિક સ્થળો પર એજ રીતે એ દીકરો પોતાની મા ને તેડી ને લઈ જતો હતો અને મા ને ભગવાનના દર્શન કરાવતો હતો. આજુબાજુના લોકો આ દ્રશ્ય જોઈ જ રહેતા હતા. પોતાની વર્ષો જૂની જાત્રાની ઈચ્છા પૂરી થતા એ અપંગ મા ની ખુશીનો પાર ન હતો. જેટલી ખુશી એને પોતાની યાત્રા પુરી થવાની હતી એનાથી પણ અધિક આનંદ એને એ વાતનો હતો કે એની ઈચ્છા એના દિકરા અને વહુ એ પુરી કરાવી હતી.

મંદિરમાં આવેલા અન્ય દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા હતા પણ કદાચ, પોતાની અપંગ મા ને તેડીને મંદિરના ગર્ભગૃહમાં લઈ જતા એ માતૃભકત દીકરાના દર્શન સ્વયં એ દ્વારકાધીશ કરી રહ્યો હતો…

યાત્રા કરી ઘરે આવેલ એ પરિવાર ફરી એકવાર પોતાના રૂટિનમાં ગોઠવાઈ ગયો. રાત્રે મા ના ખાટલે બેસી હળવા મૂડમાં દીકરાએ પૂછ્યું…

“મા, સારી રીતે જાત્રા થઈ ગઈ ને ? મા તમે ભગવાન પાસે શું માગ્યું ???”

અને સદા દીકરા પર અમી નજર રાખતી એ મા એ જવાબ આપ્યો…

“તારા માટે સુખ ,શાંતિ અને સમૃદ્ધિ સાથે મેં ભગવાન પાસે માંગ્યું કે…’ભવોભવ તું જ મારો દીકરો બને…!!!’ ”

POINT : વાહ… આજના આધુનિકતાના યુગમાં, સંસ્કારો અને માણસાઈના દુષ્કાળમાં મોટા થઈ ગયેલા દીકરા માટે પોતાના મા બાપ બોજ લાગે છે ત્યારે પોતાની અપંગ મા ને તેડી ને યાત્રા કરાવનાર એ દીકરો દ્વાપર યુગના એ માતૃપિતૃ ભક્ત શ્રવણથી સહેજ પણ કમ ન કહી શકાય…!!!

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks