લેખકની કલમે

ભજીયાવાળી છોકરી (ભાગ : 5) હિંચકે ઝૂલતા ઝૂલતા ઠંડી હવાની મજાએ મને વિદેશની યાદોને જાણે ભુલાવી જ દીધી, વાંચો લેખકની કલમે

ભજીયાવાળી છોકરી (ભાગ : 1 થી 4  વાંચવા અહીંયા ક્લિક કરો)

ગ્રીષ્માએ મારા પગ પર માલિશ કરી આપી અને પગના દુખાવામાં પણ થોડી રાહત થઈ.
ગ્રીષ્માએ મને હાથ આપ્યો અને ઉભો કર્યો અને હું ગ્રીષ્માના ખભા પર હાથ રાખીને રૂમમાં ગયો અને ત્યાં ગ્રીષ્માના મમ્મી હતાં અને એમને મને પૂછ્યું, “બેટા હવે પગનો દુખાવો કેવો છે ?”
“હવે સારું છે આંટી!” ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “બેટા ચાલ હવે જમી લે!”

“હા આંટી!” હું નીચે જમવા બેઠો અને ગ્રીષ્માના હાથનું બનેલું ગરમાગરમ જમવાનું મને હંમેશની જેમ મોહી લેતું ! ગ્રીષ્મા એ કહ્યું, “ગૌરવ જમવાનું કેવું છે?”
“ફર્સ્ટ કલાસ… ગ્રીષ્મા તું આટલું સારું જમવાનું કેવી રીતે બનાવી લે છે?”
ગ્રીષ્મા સ્માઈલ સાથે બોલી, “ઇઝી છે, બસ થોડુંક વધારે ધ્યાન આપવું જોઈએ.” ગ્રીષ્મા પણ જમવા બેઠી અને એ મારી સાથે વાતો કરવા લાગી અને એ ગ્રીષ્મા જેમ જેમ મારી સાથે વાતો કરતી હતી એટલે હું જાણી જોઈને ધીમે ધીમે જમતો!

Image Source

અમે બંનેએ જમી લીધું અને ગ્રીષ્મા બોલી, “ગૌરવ મુખવાસ ખાઈશ ને ?” “હા, કેમ નહીં !” એ મુખવાસ લાવી અને મને આપ્યો,

“ગૌરવ મુખવાસ કેવો છે ?” “તારા હાથની બધી જ વસ્તુઓ મસ્ત હોય છે !” એ શરમાતી હતી અને મેં કહ્યું, “હું હવે નીકળું, મારે ઘરે મોડું થશે !” એ થોડીક નિરાશ થઈ ગઈ અને બોલી, “ગૌરવ….!” હું પાછળ ફર્યો અને કહ્યું, “શું ?”
“ધાબા પર હવા સારી આવે છે.” મારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને હું ધાબા પર ગયો અને ત્યાં એક હિંચકો હતો, હું અને ગ્રીષ્મા એ હીંચકા પર બેઠા અને એ બોલી, “ગૌરવ એક સવાલ પૂછું ?” “હા..” “તું તારા મામાને કાકા કેમ કહે છે ?”

“આ સવાલનો જવાબ તો મારી પાસે પણ નથી !” ગ્રીષ્મા હસવા લાગી અને બોલી, “અને તારા મમ્મી પપ્પા હરિદ્વાર ગયા છે ને ?” “હા”

“તો એમને ખબર છે કે તું અહીં એટલે કે ઇન્ડિયામાં આવ્યો છે ?”

“ના, અને અત્યારે કહેવું પણ નથી, કારણ કે મારે એમને સરપ્રાઈઝ આપવું છે અને જો એમને ખબર પડી જાય કે હું અહીં છું તો એમને એમની યાત્રામાં મન ન લાગે અને એ લોકો ફટાફટ અહીં આવી જાય !”
“બરાબર”
વાતાવરણ એકદમ શાંત અને શીતળ હતું, હું અને ગ્રીષ્મા ઘણાં નજીક આવી ગયા હતાં. ગ્રીષ્માના સ્વભાવમાં જાણે મારા નામની મીઠાસ આવી ગઈ હોય એવું લાગતું હતું !
ગ્રીષ્મા મારી સામે જોતી હતી અને મારી આંખમાં જોઈને બોલી, “ગૌરવ કેવી મજા આવે ને, જ્યારે મામાનું ફેમિલી અને આપણું ફેમિલી એક જ છતના નીચે હોય !”

“હા, મજા તો ખૂબ જ આવે, અને તને ખબર છે ? મારા પપ્પા અને મારા મામા ખૂબ જ સારા મિત્રો હતાં અને છે, એટલે જ કદાચ હું એમને કાકા કહેતો હોઈશ.”

Image Source

હિંચકે ઝૂલતા ઝૂલતા ઠંડી હવાની મજાએ મને વિદેશની યાદોને જાણે ભુલાવી જ દીધી ! આપણી માટીની મજા એટલે મજા જ. જન્મથી જીવન જીવતા આ માટી એજ શીખવ્યું હતું. લંડનમાં કંઈક તો અસંતોષ હતો અને કદાચ એ આ માટીનો જ હશે ! ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ તો હવે સવારે મળીએ…!” “હા, હું તો ભૂલી જ ગયો કે આ તારું ઘર છે !”
“ના ના એવું નથી, તું અહીં રહી શકે છે.” એ એકીટશે મારી સામે જ જોતી હતી આ હું બોલ્યો, “ગુડ નાઈટ !”
એ બોલી, “શુભ રાત્રી….બાય !”

ગ્રીષ્મા મને દરવાજા સુધી મુકવા આવી અને મેં એની આંખોમાં જોયું તો લાગતું હતું કે એ અંદરથી કહેવા માંગતી હતી કે “ગૌરવ પ્લીઝ આ રાત મારી સાથે વિતાવ…!” પણ આ જવાબદારી, સમાજ અને સંસ્કારો ! હું મારા ઘરે જવા નીકળ્યો અને આમ આ દિવસ યાદગાર બની ગયો !

સવારે મામીએ મને ઘી-ગોળ અને ગરમ ગરમ રોટલી પીરસ્યા. મેં મામીને કહ્યું, “મામી મારે નાસ્તો કરવાનો છે, જમવાનું તો બપોરે છે !” મામી હસવા લાગ્યા અને બોલ્યા, “હા તો આ નાસ્તો તો છે, વિદેશના કોર્નફ્લેક્સ ને કૉફી કરતાં તો સારો જ છે. મેં કહ્યું, “હા એ તો છે જ…!”

અને હું ફટાફટ નાસ્તો કરીને નાહવા ગયો, કારણ કે ગામડામાં ઠંડી સવારે જે ભુખ લાગે ને…..અને એમાંય શુદ્ધ ઘી અને દેશી ગોળ અને મામીના હાથની ગરમાગરમ રોટલી ! મામી ઘી ગરમ કરે, ને જે ખુશ્બુ આવે….! એટલે ઝડપથી બ્રશ કરીને નાસ્તો કરવા બેસી જાઉં. તૈયાર થઈને જોયું તો મામાનું બાઇક પડ્યું હતું અને લાગ્યું કે આજે પણ મામા બહારગામ ગયા હશે, તો મેં મામીને બૂમ પાડીને કહ્યું, “મામી બાઇકની ચાવી આપજો ને !”
મામી ચાવી આપવા બહાર આવ્યા અને ચાવી આપતા બોલ્યા, “ગૌરવ જરાં વે’લો આવજે, કેમ કે આજે સાંજે તારા મમ્મી-પપ્પા આવવાના છે !”
“સાચે…!”
“હા”
“તો તો હું ફટાફટ આવી જઈશ…!”
મમ્મી-પપ્પા આવવાના સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને આ ખુશી ગ્રીષ્મા સાથે વહેંચવા આતુર હતો.

Image Source

હું ગ્રીષ્માની દુકાન પર પહોંચ્યો અને ત્યાં બાઇક ઉભું રાખ્યું અને ગ્રીષ્માને મળવા દુકાનમાં ગયો. મને જોઈને ગ્રીષ્મા બોલી, “ગુડ મોર્નિંગ ગૌરવ, આવી ગયો !”

“હા”
“ગૌરવ બાઇક લાવ્યો છે ને ?” “હા, કેમ કંઈ કામ હતું ?” “હા, બાજુના ગામ માંથી ભજીયાનો ઓર્ડર આવ્યો છે, તો આપણે આપવા જવું પડશે..”}

મેં કહ્યું, “સારું તો તું કામ પૂરું કર અને હું ભજીયા પેક કરું…!” ગ્રીષ્માએ સ્માઈલ કરી અને આજે તો બે વાતથી હું ખૂબ જ ખુશ હતો, એક તો આજે મમ્મી-પપ્પા આવવાના છે અને બીજું ગ્રીષ્મા સાથે બાજુના ગામમાં જવા મળશે. ગ્રીષ્મા ભજીયા બનાવવા લાગી અને હું બોક્સ લઈને એમાં ભજીયા પેક કરવા લાગ્યો. મને યાદ છે કે સ્કૂલમાં ગ્રીષ્મા નાસ્તામાં ભજીયા જ લઈ આવતી અને શિક્ષકો પણ ગ્રીષ્માના ડબ્બા માંથી એકાદ ભજીયુ લેવાનું ન ચુકતા ! બપોરે બાર વાગ્યે હું અને ગ્રીષ્મા બાજુના ગામમાં ભજીયાની ડિલિવરી કરવા નીકળ્યા. હું બાઇક ચલાવતો હતો અને ગ્રીષ્મા પાછળ બેઠી હતી. ગ્રીષ્મા બોલી, “ગૌરવ એક વાત પૂછું ?”

“હા પૂછ !” “તું જ્યારે લંડનમાં હતો અને જ્યારે ઇન્ડિયા આવવાનું વિચાર્યું ત્યારે તને આવો વિચાર આવ્યો હતો કે તું તારી બાળપણની મિત્ર સાથે ભજીયાની ડિલિવરી કરવા જઈશ !’ હું હસ્યો અને બોલ્યો, “જો એવો વિચાર આવ્યો હોત તો ક્યારનું લંડન છોડી દીધું હોત….!”
આટલું બોલતાની સાથે જ રોડ પણ ખાડો આવ્યો અને ગ્રીષ્માએ મને બાથ ભરી લીધી ! ખાડો જતો રહ્યો અને બાઇક પણ નોર્મલ સ્પીડ પર આવી ગયું, પણ ગ્રીષ્માએ મને પાછળથી પકડી જ રાખ્યો હતો. મેં કહ્યું, “ગ્રીષ્મા….!”

Image Source

થોડીવાર પછી ગ્રીષ્માએ સાંભળ્યું અને મને છોડીને બોલી, “સોરી ગૌરવ, આ રોડ પર ખાડા બહુ છે!”
“યાર ઇટ્સ ઓકે…! હવે બોલ આપણે કયા રસ્તે જવાનું છે ?” “ગૌરવ એક કામ કર, આગળથી ડાબી બાજુ લઈ લેજે એટલે બે કિલોમીટર પછી ગામ આવી જશે.”

“હા….” મારી અને ગ્રીષ્માની આ પહેલી દેશી લોન્ગ ડ્રાઈવ સફળ રહી એમ કહી શકાય…! ગામડામાં પ્રવેશ કરતાંની સાથે જ બાજુના મેદાનમાં એક મોટો મંડપ બાંધેલો હતો. ગ્રીષ્મા એ મંડપ જોઈને બોલી, “ગૌરવ મંડપની પાછળના ભાગમાં રસોડું હશે ત્યાં આપવાના છે.”

અમે બન્ને ત્યાં પહોંચ્યા અને ભજીયા ત્યાં ઉતાર્યા અને ત્યાંના યજમાને કહ્યું, “ભાઈ જમ્યા વગર ન જતાં !”
ગ્રીષ્મા બોલી, “પણ કાકા, અમારે ઘેર જમવાનું તૈયાર છે.” યજમાન બોલ્યા, “જે હોય તે પણ તમારે બંનેને જમીને જ જવાનું છે !”

અને આટલું કહીને એ યજમાન જતાં રહ્યા અને ગ્રીષ્મા બોલી, “ચાલ ગૌરવ જમીને જવાનું છે તો અંદર જ બેસીએ અને એ બહાને લગ્નની વિધિ પણ જોવા મળી જશે.”
હું અને ગ્રીષ્મા મંડપના એક ખૂણે રાખેલી ખુરશી પર બેઠા અને બીજી બાજુ ફેરા ચાલતાં હતાં. ગ્રીષ્મા નજર એ તરફ જ હતી. મને ખબર હતી કે ગ્રીષ્માને માંહ્યરાની બાજુમાં બેસવું છે અને ફેરા જોવા છે. મેં કહ્યું, “ગ્રીષ્મા, તને વાંધો ન હોય તો આપણે માંહ્યરાની બાજુમાં બેસીએ, ત્યાંથી ફેરા પણ દેખાશે અને મને લગ્નની વિધિ જોવાની ખૂબ ઈચ્છા છે.”
“અરે ગૌરવ તે તો મારા મનની વાત કહી દીધી ! ચાલ ત્યાં જ બેસીએ”

હું અને ગ્રીષ્મા માંહ્યરાની બાજુમાં બેઠા અને લગ્નની વિધિ જોવા લાગ્યા. થોડીવારમાં ફેરા પુરા થઈ ગયા અને જમણવાર શરું થયો. મેં કહ્યું, “ચાલ આપણે જમી લઈએ…!” “ગૌરવ લગ્નમાં સૌથી પહેલા જાન જમે અને બાદમાં જ ઘરના લોકો જમે ! ગામમાં આ જ પ્રકારનો રિવાજ હોય છે.”
“સારું..”
જાન જમવા બેઠી અને મેં જોયું તો કેટલીક બહેનો ગીત ગાતી હતી અને ગીતના શબ્દોમાં ટીકા ટિપ્પણી પણ હતી. મને નવાઈ લાગી અને મેં ગ્રીષ્માને પૂછ્યું, “આ લોકો આવા ગીત કેમ ગાય છે ?”
“ગૌરવ, આને ફટાણા કહેવાય અને આ પણ એક રિવાજ છે.”
“ઓકે…”
બધા મહેમાનોએ અને જાને જમી લીધુ અને ઘરના લોકો જમવા બેઠા અને સાથે સાથે હું અને ગ્રીષ્મા પણ જમવા બેઠા. જમવાનું એકદમ સ્વાદિષ્ટ અને સરળ હતું, મને તો ખૂબ જ મજા આવી. જમ્યા બાદ મેં અને ગ્રીષ્માએ સો સો રૂપિયાનો ચાંદલો લખાવ્યો. ધીમે ધીમે ગામની સંસ્કૃતિથી હું પરિચિત થતો હતો. હું અને ગ્રીષ્મા ભજીયાની ડીલીવરી કરીને અને બીજાના લગ્નમાં જમીને પાછા અમારા ગામ તરફ જવા નીકળ્યા.

Image Source

રસ્તા પર મહાદેવના મંદિરે અમે થાક ખાવા બેઠા અને ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ, મારે આ જન્મમાં આખી દુનિયા ફરવી છે, લંડન, અમેરિકા બધા જ દેશ જોવા છે.” “તો ચાલ મારી સાથે લંડન, એમ પણ હું આવતા મહિને જવાનો છું, અને હા તને એક વાત કહેતા તો ભૂલી જ ગયો, આજે સાંજે મારા મમ્મી-પપ્પા આવે છે.’

“વાહ…!”
ગ્રીષ્મા ધીમા અવાજે બોલી, “તું પાછો લંડન જતો રહીશ?”
“હા, કેમ !”
“કાંઈ નહીં, ચાલ હવે જલ્દી ઘરે જઈએ, મમ્મી દુકાન પર એકલા હશે.”
હું અને ગ્રીષ્મા મહાદેવના દર્શન કરીને નીકળ્યા.

(ક્રમશઃ)

લેખક: પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks