“બે” ઘર – માતા પિતાએ જે દીકરાને શિક્ષિત બનાવ્યો આજે એ જ દીકરો દીક્ષિત ના બની શક્યો !! વાંચો આજના જમાનાના વહુ દીકરાની વાત …!!!

0

“બે” ઘર..
“ધરતી પર મા બાપ છે, ઈશ્વર હોવાનું સબૂત.
બની રહો સંતાન સાચા, ન બનો કદી કપૂત…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

ખેતરમાં કામ કરવાના લીધે પરસેવાથી રેબઝેબ થયેલા અને થાકીને લોથ પોથ થયેલો એ બાવન વર્ષનો ખેડૂત બરોબર મધ્યાહને પોરો ખાવા પોતાના ખેતરના શેઢે આવેલ ઘટાદાર લીમડા નીચે પોતાના તૂટેલા ખાટલે આડી પાગથિએ થયો હતો. કપાળ પર ઉપસી આવેલ પ્રસ્વેદ બિન્દુઓને હાથના અંગુઠા વડે નીચે ટપકાવતા ટપકાવતા બાજુના ખેતરના બીજા એક ખેડૂતનું દ્રશ્ય એને જોયું.
એને જોયું કે એ ખેડૂત એની પત્ની એનો છોકરો અને છોકરાની વહુ ચારેજણ સાથે બેસી ખૂબ આનંદથી બપોરનું ભોજન ખેતરમાં આરોગી રહ્યા હતા. આ ચાર જણની વચ્ચે એ ખેડૂતનો ચારેક વર્ષનો પૌત્ર એની નટખટ અદાઓથી વાતાવરણને ઓર ખુબસુરત બનાવી રહ્યો હતો. ઘડીકમાં એ દાદા સાથે જમવા બેસી જાય તો ઘડીકમાં દાદી સાથે. વળી પાછો પોતાના પિતાજીની રોટલીમાંથી બટકું તોડી દૂર જઈ એ ખાવા લાગે. સસરાની મર્યાદા જાળવવા ઘૂંઘટો તાણી બેઠેલી એની મા નો સાડલો ખેંચી લે. એની આવી બાળ સહજ મસ્તીથી આખા પરિવારનો થાક જાણે હાસ્યની સાથે દૂર થઈ જતો હતો. કપાળે પરસેવો લૂંછતા લૂંછતા પોતાના ખેતરના શેઢે પોરો ખાતા એ ખેડૂતે એક ઊંડો નિસાસો નાખ્યો. અને આકાશ તરફ અનિમેષ દ્રષ્ટિ કરી મનોમન કાંઈક વિચાર મગ્ન બની ગયો.
બાવન વર્ષનો અને તન મન થી થાકેલ એ ખેડૂત એટલે કે બત્રીસ વર્ષના નોકરિયાત દીકરાનો પિતા પહોંચી વિચારોમાં ને વિચારોમાં પહોંચી ગયો પોતાના ભૂતકાળમાં કે જ્યારે એનો દીકરો પણ બાજુના ખેતરમાં રમતા એ નાના બાળક જેવડો હતો અને પોતે યુવાન હતો. એને જોયેલા આજના દૃશ્યની જેમજ એ પણ આમ પોતાના નાનકડા દીકરાને લઈને આમ ખેતરે આવતો. એનો દીકરો પણ આમ જ પોતાની મા અને પિતા સાથે મસ્તી કરતો અને ખેતરમાં પોતાની સાથે બાળસહજ જીદ પણ કરતો. જ્યારે ખેતરની ધૂળમાં ચાલી ચાલીને એનો દીકરો થાકી જતો ત્યારે પોતે એને પોતાના ખભે બેસાડી ખેતરમાં ફેરવતો. એ પિતાને એ પણ યાદ આવી ગયું કે દીકરાની બોરડી પરથી બોર ખાવાની ઈચ્છા પૂરી કરવા પોતે હાથમાં કેટલા કાંટા વગાડ્યા હતા અને કેટલાય લાડ કોડથી દીકરાને બોર ખવડાવ્યા હતા.
વર્ષો પહેલા નાનકડા દીકરાને બોર ખવડાવવા હાથમાં વાગેલા બોરડીના કાંટાના ઘા તો એ પિતાને સમય જતાં રૂઝાઈ ગયા હતા પણ એજ દીકરાએ મોટો થઈ એને અને એની મા ને જે એકાંત અને એકલતાના, શિક્ષિત થઈને શબ્દોના જે ઘા આપ્યા એતો હજીયે એ બાપ ને રૂઝાયા ન હતા. એ ઘા રૂઝાયાતો ન હતા પણ સમયની સાથે સાથે જેમ ગૂમડું પાકીને વધુ પીડાદાયક બનતું જાય એમ એ ઘા વધુ પીડાદાયક બનતા જતા હતા. હજી એ બાપ કે એ યુવાન દીકરાની મા એ બાબત સ્વીકારી કે સહન કરી શકતા ન હતા કે જે દીકરાને પોતે કષ્ટો વેઠી ભણાવી ગણાવી કાબેલ બનાવ્યો એજ દીકરાએ નોકરી મળતા પોતાની કાબેલિયત મા બાપ ને જુદાઈનો જખમ આપી પુરવાર કરી !!!
ઘરમાં આવેલ દિકરાની વહુની સાસુ સસરાની મર્યાદાની લક્ષમણરેખા ન ઓળંગવાની એ બાપની ટકોર દીકરા અને એની વહુને ન ગમતા એમના નાનકડા પરિવારમાં જે વિભાજન થયું એ જોઈ લાગે કે એનો યુવાન દીકરો પુસ્તકોના ભણતરમાં તો ખૂબ પારંગત થયો પણ જીવનના ભણતરમાં નાપાસ થઈ ગયો.
એ ખેડૂતે દીકરાને ભણાવ્યો અને કોલેજમાં પ્રોફેસર જેવી માન મોભા અને ઊંચા પગારવાળી નોકરી પણ લેવડાવી. દીકરાના સ્ટેટ્સ મુજબ એક સુખી ઘરની કન્યા સાથે એના લગ્ન કર્યા પણ ઘરમાં આવેલ નવી વહુએતો આવતા વેંત જ પોતાના લક્ષણો બતાવવા શરૂ કરી દીધા. ઘરમાં વહુ આવી તો હવે ઘરના કામકાજમાં સાસુને મદદ કરશે એવી એ ખેડૂતની પત્નીની આશા પર પાણી ફરી વળ્યું હતું. પુત્રવધુ જેને પોતાના સદાચરણ અને સાસુ સસરાની માન મર્યાદા જાળવી એમનું સન્માન કરી પુત્રથી પણ અધિક પુરવાર થવાનું હોય એ પુત્રવધુ અધિક પુરવાર તો થઈ પણ મર્યાદા ઓળંગવામાં. એને દરેક વાતમાં સાસુ સસરા સાથે વાંધો પડતો. સાસુ સસરા માટે રસોઈ બનાવવામાં કે એમનું કાઈ પણ કામ કરવામાં એ વહુ નાનપ અનુભવતી. બિચારા એ સાસુ સસરા પોતાના પૌત્રને રમાડે એ પણ દિકરાની વહુને ન ગમતું અને ઝટ દઈને પોતાના દિકરાને એ વહુ પાછો લઈ લેતી. એવા સમયે એ મા બાપ લાચાર બની જોઇજ રહેતા…
એક પણ દિવસ એવો ન જતો કે એ વહુ સાસુથી રિસાઈ ન હોય. એનો પતિ પણ જાણે પોતાની પત્નીથી અંજાઈ ગયો હોય એમ દરેક વાતમાં એને પોતાની મા અને બાપ નોજ વાંક દેખાતો. ન જાણે કેટલીયે વખત એ પત્ની ઘેલા દીકરાએ પોતાની વહુનો પક્ષ લઈ મા બાપ ને કડવા વેણ કહ્યા હતા. પણ એ મજબુર મા બાપ લોક લાજે અને પરિવાર તૂટવાના ભયના કારણે બધું દુઃખ ભીતર જ સમાવી મૂંગે મોઢે બધું સહન કર્યે જતા. પણ એક દિવસ તો એમની પણ સહન કરવાની મર્યાદા છૂટી ગઈ. પોતાના દિકરાના જીવનમાં કોઈ તકલીફ કે દુઃખ ઉભું ન થાય માત્ર એજ શુભ ભાવનાથી જીવનની સંધ્યા તરફ વળતા એ પતિ પત્નીએ પરિવાર વિભાજન નો વજ્રઘાત સગા હાથે સ્વીકારવો પડ્યો.
વાત એમ બની હતી કે સવારે સાસુ સાથે થયેલ જીભાજોડી થી રિસાઈને સુતેલી પત્નીને જ્યારે એના નોકરી પરથી ઘેર આવેલા પતિએ જોઈ અને કારણ પૂછ્યું અને જાણીને રોજની જેમ એ પત્નીઘેલા પતિને પોતાની મા નોજ વાંક દેખાયો. ઘરની બહાર બજારમાં ગયેલા પિતાને તરત ઘેર બોલાવી લીધા અને દિકરાએ પોતાના મા બાપ ને સંભળાવી દીધું કે…

“જુઓ પપ્પા, મને નથી લાગતું કે હવે આપણે ભેગા રહી શકીએ. મમ્મી દરેક વાતમાં મારી પત્નીને ટોકયા કરે છે. વાત ખૂબ વણસી જાય અને આગળ વધે એ પહેલાં આપણે અલગ થઈ જવું જોઈએ. તમે તમારી રીતે આપણા ખેતરમાં કામ કરી તમારું ગુજરાન ચલાવો અને અમને અમારી રીતે સુખી રહેવા દો…

મહેરબાની કરી અમારા સુખી જીવનમાં આગ ન લગાડશો…”

પુત્રના કડવા વેણ નો રડતી આંખે પ્રત્યુતર આપતા મા બોલી કે…
“પણ, દીકરા અમારો વાંક શુ એતો જણાવ… અમેતો ઇચ્છીએ છીએ અને સદા ભગવાનને એજ પ્રાર્થના કરીએ છીએ કે અમારા દિકરાનું જીવન ખૂબ સુખી બને. તારો વાળ પણ વાંકો ન થાય. પણ દીકરા આટલી મોટી ઉંમરે હવે અમને આમ તારાથી અને તારા આ નાનકડા દીકરા થી અલગ શુ કામ કરે છે ? હવેથી હું તારી વહુને એક શબ્દ પણ નહીં કહું બસ. ઘરનું કોઈ કામ એને નહિ દેખાડું પણ દીકરા અમારે ખાતર નહિ તો ભગવાનને ખાતર અમને તારાથી અલગ ન કર…”

વધારે પડતી પત્ની ઘેલસા અને પોતાની નોકરીના અભિમાનમાં મા બાપની આજીજી પણ સાંભળવા એ દીકરો તૈયાર ન હતો. અને ના છૂટકે ન ઇચ્છવા છતાં એ માં બાપને પાકટ વયે પોતાના સગા દિકરાથી અલગ રહેવા જવું પડ્યું. પચાસ બાવન વર્ષની વૃદ્ધાવસ્થાના ઉંબરે આવીને ઉભેલી જિંદગીએ આજે એ બાપને ખેતરમાં કામ કરવું પડતું. જે ઉંમરે સાસુ બનેલી એક મા ને પોતાના પૌત્ર પૌત્રીને ખોળામાં બેસાડી ખવડાવવાના અને રમાડવાના અરમાન હોય એજ મા ને આજે ઓછી દેખાતી આંખે ચૂલો ફૂંકવો પડતો. આખા પરિવારને સાથે બેસી આનંદથી વાતો કરવી જોઈએ સાથે બેસી ભેગું ભોજન કરવું જોઈએ એને બદલે પરિવાર વિભાજનથી બે ઘર અલગ અલગ થઈ ગયા હતા. મોટા થતા બે ભાઈઓ ના ઘર અલગ અલગ થાય એ વાત તો સમજાય પણ આમ પોતાના માતા પિતા નોજ વાંક જોતા દીકરાના અમાનવીય વલણના કારણે મા બાપ અને દીકરાનું ઘર અલગ અલગ થઈ જાય એ વાત હજી પણ એ મજબુર મા બાપ સહન કરી શકતા ન હતા.

ભલે દીકરાએ મા બાપ ને પોતાનાથી અલગ કરી રહેવા બીજું ઘર આપ્યું અને એક ઘર માંથી બેઘર થયા પણ હકીકતમાતો એ દિકરાએ પાકટ વયે પહોંચેલા અને સંતાન સુખના સ્વપ્નો સેવેલા એ માતા પિતાને ઘરડે ઘડપણ “બે”ઘર જ બનાવી દીધા હતા…

● POINT :-
ભારતની સંયુક્ત કુટુંબ પ્રથા જે વિશ્વ માટે કુતૂહલનો વિષય હતો એ આજે સમયના વહેણમાં, સંસ્કૃતિ અને સંસ્કારના ધોવાણમાં ધીમે ધીમે નષ્ટ થતી જાય છે એ એક ચિંતા અને ચિંતનનો વિષય છે. નાનકડા ઘરમાંજ નહીં પણ પિતાના દિલમાં પણ જે મા બાપ દીકરાને પ્રેમથી રાખી શકે છે એજ દીકરા શિક્ષિત બની મોટા થઈ પોતાના મા બાપ ને પોતાની સાથે રાખતા અડચણ અને સુગ અનુભવે છે. તો માત્ર એટલુંજ કહી શકાય કે આપણે શિક્ષિત તો બન્યા પણ દીક્ષિત ન બન્યા… જરા વિચારીએ…

લેખક: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here