મુકેશ સોજીત્રા લેખકની કલમે

“બાલુ આતાની બુદ્ધિ” – બાલુ આતા જેવો ઠરેલ બુદ્ધિનો માણસ!! આવી ભૂલ કરી જાય એ માન્યામાં જ નથી આવતું, વાંચો મુકેશ સોજીત્રાની કલમે

“અલ્યા સગરામ કાઈ સાંભળ્યું કે નહિ” ?? ધનજી મુખીએ સગરામને કીધું.
“બાલુ આતાની વાત કરો છોને??” સગરામે ધનજી મુખીને જવાબ આપ્યો.

“ હા એ જ વાત છે.. મનેય સાળી નવાઈ લાગે છે કે બાલુ આતા જેવો ઠરેલ બુદ્ધિનો માણસ!! આવી ભૂલ કરી જાય એ માન્યામાં જ નથી આવતું. નકર આવા કામમાં ઈ એક્સપર્ટ ગણાય એક્સપર્ટ!!” ધનજી મુખીએ બળાપો વ્યકત કર્યો. જોકે મુખીના ચહેરા પર એક છૂપો આનંદ હતો એ ભગલો જોઈ ગયો. એટલે ભગલા એ વાતને વધુ હવા આપી.

“ બહુ ડાહ્યો બહુ ખરડાય!! ગામ આખાના સગપણ ગોત્યા હોય ઈ પોતાના દીકરાના દીકરીઓના સગપણમાં થાપ ખાઈ જાય ઈ આનું નામ!! ભગવાન પણ મારો બેટો કારીગરનો અઠઠો છે એ નક્કી. ક્યારે કોને કેવી કમત સુજાડે એ નક્કી નહિ” ભગલાએ પોતાની પાસે હતા એટલા પંપ મુખીને માર્યા અને ખુશ થઈને મુખીએ તાજ છાપ સિગારેટ ભગલાને આપી દીધી.

“ આ તો કુદરતી નિયમ છે. વરસો પહેલા તમને યાદ હોય તો આપણા ગામમાં ભીમા ભારાડી કરીને હતા. તરવૈયો એટલે કેવો પડે!! ગમે એવો કૂવો હોય ઈ સીધો જ ઠેકડો જ મારે!! એને પાણીથી કોઈ બીક જ નહિ!! આવો ખેપાન તરવૈયો મારા બાપા કહેતા હતા કે એક વખત વેણકીમાં પુર આવ્યું હતું ને ભીમો ભારાડો એમાં સાયકલ લઈને નીકળવા ગયો. ભીમા હારે બીજા ચાર જણા પણ બીતા બીતા પાણીમાં પડ્યા. હવે ભગવાનું કરવું એવું કે ઓલ્યા ચાર બીકણ હતા ઈ સામે કાંઠે પહોંચ્યા પણ ભીમો તો વેણકીની અધવચાળ પોગ્યો ને તણાયો!! સાયક્લેય ગઈ અને ભીમોય ગયો.. આવો તરવૈયો આટલા સામાન્ય પાણીમાં ડૂબી જાય એ વાત માન્યામાં આજે પણ નથી આવતી!! આ બધાય ભગવાનના ખેલ છે. એ ખરે ટાણે કમત સુજાડે!! નહિતર ભગવાનને માને પણ કોણ??” ખીમાભાભા બોલ્યા અને મુખીને વળી રૂંવાડે રૂંવાડે દીવડા થયા!! વળી મુખીએ ખિસ્સામાંથી તાજ કાઢી અને ખીમાભાભા સામું ધરી એટલે ખીમાભાભાએ એકીહારે બે તાજ લઇ લીધી એક અટાણ હારું અને એક વાળું કરીને રાતે ટટકાવવા માટે!!

આમેય પહેલાના જમાનાના ગામના મુખીઓને આવા જીહજૂરી કરવા વાળા માણસો જ ગમતાને!!
બાલુ આતા ગામમાં વેવારિક માણસ ગણાતા!! પહેલેથી જ ખાતું પીતું ખોરડું અને ઉપરીયામણ વંશ પરંપરાગત રખાવટ અને રોટલો મોટો!! ગામમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય બાલુ આતાને સહુ બોલાવે!! રાજકારણની કોઈ ખટપટ નહિ એટલે અઢારેય આલમમાં બાલુ આતાનો પડતો બોલ જીલાતો!! ગામ માટે લગભગ બાલુ આતા ઘસારો લઇ લેતા પણ કોઈ દિવસેય કોઈને ઘસારો દેતા નહિ!! મુખીને આ બધું જોઇને ખુબજ મુળિયા લગણ બળી જાય પણ કરે શું!! એક પણ પ્રસંગ એવો નહોતો કે જેમાં બાલુ આતાની નિંદા કરી શકાય!! પણ રહી રહીને છેલ્લે છેલ્લે પણ એક ઘટના એવી બની કે ધનજી મુખી માટે જાણે કે ગોળના ગાડાં પ્રગટ થયા!!

Image Source

બાલુ આતાના મોટા દીકરા કાનજીની ચોથા નંબરની દીકરીનું વેવિશાળ બાલુ આતાએ એક એવી જગ્યાએ કરી દીધું કે જેથી ધનજી મુખી જેવાને ભાવતું હતુને વૈદે કીધું એવું થયું!!
પહેલાના જમાનામાં જયારે જાન આવતી હતી ત્યારે એને નીચે બેસારીને જમાડવામાં આવતી. જમાડવા માટે સારથીયાની પસંદગીથી માંડીને જાન ની તમામ સરભરા બાલુ આતાને માથે રહેતી. આજુ બાજુના ગામમાં સપ્તાહ બેઠી હોય ને તોય ત્યાં જમણવારની ગોઠવણ કેમ કરવી એ માટે લોકો બાલુ આતાને લઇ જતા!! ખરખરે જાવું હોય તો બાલુ આતા પહેલા જ હોય!! કોઈનો સંબંધ જોવા જાવો હોય કે ગામમાં કોઈને ત્યાં સંબંધ જોવા આવ્યા હોય!! કેડિયું અને ચોરણી અને માથે આંટીવાળી પાઘડી પહેરેલ બાલુ આતા તમને જોવા મળે જ!! બાલુ આતા જ્યાં બેઠા હોય ત્યાં વાતાવરણમાં પણ એક જાતની વ્યવહારિકતા ફેલાઈ જતી હતી!!

પોણા ગામના સગપણ લગભગ બાલુ આતાની દેખરેખ નીચે થયા હશે. લગ્ન પછી લગભગ તો એ વખતે આજના જેવો વાંધો ન પડતો!! પણ કદાચ પડે તો પણ બાલુ આતા એનો ઉકેલ લાવી દેતા હતા!! એ વખતે વડીલોનો “બાંધો” અને સ્નેહનો “સાંધો” જ એવો હતો કે લગ્ન પછી લગભગ “વાંધો” પડતો જ નહિ!!
પોતાના ત્રણેય દીકરાના સંબંધ એણે સુખી સંપન્ન અને ભર્યા ભાદર્યાં ઘરમાં કરેલા!! દીકરાના સંતાનોના સંબંધ પણ એણે જ ગોઠવેલા!! વળી પોતે ગાયકવાડી યુગમાં ભણેલા એટલે કુટુંબમાં કોઈ અંગુઠાછાપ ન જોવા મળે પણ તોય કાનજીની ચોથા નંબરની દીકરી સીમાનું વેવિશાળ એણે સામાન્ય ગણાતા કુટુંબમાં કર્યું એની સહુને નવાઈ લાગી. બાકી સીમાના વેવિશાળ માટે બાલુ આતા સુરત ગયા છે એની પણ ખબર હતી. ત્યાં લગભગ પાકું જ મનાતું હતું. સામેવાળી પાર્ટી પણ સીમા જેવી દીકરી હાથથી જાવા દે એમ નહોતી પણ છેલ્લે બાલુ આતાએ સીમાનું વેવિશાળ એવી જગ્યાએ કર્યું કે લોકો ચકરી જ ખાઈ ગયા!! ગામમાં થોડી થોડી છાની છાની ચણભણ શરુ થઇ અને એ પણ પહેલી વહેલી શરુ થઇ!! કારણ કે જે કુટુંબમાં એ દીકરો જોવા ગયા હતા એ કુટુંબમાં કે દીકરામાં કે સંપતિમાં કોઈ જ કમી નહોતી!! તેમ છતાં બાલુ આતાએ સીમાનું વેવિશાળ ત્યાં શા માટે ન કર્યું!! એ ગામ માટે લાખ રૂપિયાનો કોયડો થઇ પડ્યો!!

જોકે નોરતામાં જ સુરતથી બાલુ આતાના નાતાદાર કહી શકાય એવા દેવશી રૂખડ આવ્યા હતા. દેવશી રૂખડ અને બાલુ આતા બે ય સારથના!! દેવશી રૂખડના છોકરાના છોકરાઓ સુરતમાં બરાબરના સેટલ થઇ ગયેલા!! પણ નોરતા આવે એટલે દેવશી રૂખડ ગામની મુલાકાતે હોય જ!! આમ તો દેવશી રૂખડ સોળ વરહના હતા ત્યારે નોરતામાં એ ભવાયાનો વેશ પણ કાઢે!! માતાજી આગળ દસ વરસ નોરતામાં રમવાનું એણે યુવાવસ્થામાં નીમ લીધેલું!! એ નીમ એણે પાળી બતાવેલું!! પછી તો એને સરખાઈ પર સરખાઈ આવવા માંડી!! હાથ નાંખે ત્યાંથી પૈસો નીકળવા લાગ્યો!! ખુબ ખુબ કમાયા પણ નોરતાના ગામમાં આવવાનું એ ભૂલ્યા નહોતા!! ગયા નોરતે દેવશી રુખડે બાલુ આતાને કીધું!!
“કાનજીની સીમા માટે સુરતમાં એક મુરતિયો છે. પૈસાદાર પાર્ટી છે. કોઈ જ જાતના લખણ નથી. પુરેપુરી ધાર્મિક છે. વરહમાં બે વાર કથા કરાવે છે. એક વાર હરિદ્વારમાં અને કે વાર સુરતમાં!! હીરામાં છે અને કાપડમાં પણ મોટું નામ છે અને હવે શિક્ષણમાં ડંકો વાગવાની તૈયારીમાં છે. છોકરો ભણેલો છે. એમ બી એ થયેલો છે!! લસણ અને ડુંગળી પણ નથી ખાતો. સુરતમાં સમૃદ્ધ પરિવારોના છાછવારે છમકલા બહાર આવે છે. પણ તમારે ગમે એને પૂછી લેવાની છૂટ એક શબ્દ પણ તમને એની વિરુદ્ધમાં નહિ સાંભળવા મળે!! જગુ જાદવ જસાણી એનું નામ!! લોકો એને ત્રિપલ જે ના નામથી ઓળખે છે!! એક કામ કરો નોરતા પુરા થાય એટલે મારી સાથે આવો સુરત!! તમે પહેલા એ કુટુંબને જોઈ લો!! પછી તમારી ઈચ્છા હોય તો વાત આગળ ચલાવીએ!!

બાલુ આતાએ આ નામ સાંભળેલ હતું. અને દેવશી રૂખડની વાત એને ખોટી લાગી નહિ. દેવશી રૂખડ સાથે એ નોરતા પુરા થયા પછી સુરત ગયા. જગુ જાદવ ઉર્ફે ટ્રીપલ જે વિષે એણે માહિતી મેળવી લીધી.કુટુંબમાં કોઈ જ તકલીફ નહોતી. દેવશી રૂખડ એને એક વખત ટ્રીપલ જે ના ઘરની મુલાકાતે લઇ ગયો. ખાલી મારા મહેમાન છે એવું કહીને દેવશીએ પરિચય આપ્યો હતો. સંબંધની વાત એણે હજુ મનમાં જ રાખી હતી!! બાલુ આતાએ જોયું કે સરસ મજાનો બંગલો હતો. બધાજ વિવેકી હતા. આદર સત્કાર કરનાર હતા. ઘર ખોરડામાં કોઈ જ ખરાબી નહોતી. કલાકેક બેઠાં એમાં બાલુ આતાનું મન પ્રસન્ન થઇ ગયું અને એમાં જગુ જાદવ નો ભાઈ બચુ જાદવ આવ્યો. એ અલગ રહેતો હતો અને બાલુ આતાને લાઈટ થઇ મગજમાં!!

વરસો પહેલા બાલુ આતા કપાસ, મગફળી , જીરું અને આવી બધી વસ્તુ ગામડામાં રાખવા જતા. ત્યારે એ આ બને ભાઈઓના બાપા જાદવ ભાઈને ત્યાં રોકાતા. જાદવ ભાઈ એ વખતે દલાલું કરતા. બચુ એકલો ઘરે હોય જગુ તો નાનપણથી સુરત જતો રહેલો એટલે બાલુ આતા નો ઓળખી શક્યા પણ બચુને ઓળખી ગયા!! બાલુ આતા એ ઓળખાણ કાઢી એટલે બચું ઉભો થઈને ભેટી પડ્યો. જાદવ ભાઈના અવસાન પછી ઘરનો બધોજ વહીવટ બચું જ સંભાળતો!! ત્યારે બાલુ આતાને એટલી ખબર ખરી કે બચુથી મોટો જગુ કરીને એક મોટો ભાઈ સુરતમાં છે!! જુના સંસ્મરણો તાજા થયા. બને એ ખુબ જ વાતો કરીને બીજે દિવસે બચું બાલુ આતાને પોતાને ત્યાં લઇ ગયો!! દેવશી રૂખડને ગળા સુધી ખાતરી હતી કે હવે તો આ સંબંધ તો પાકો!! અને સંબંધ પણ પાકો થઇ જ ગયો!! પણ ટ્રીપલ જે ના છોકરા સાથે નહિ પણ બચુ જાદવના સહુથી નાના છોકરા નીલેશ સાથે સીમાનું સગપણ ગોઠવવાનું નક્કી થયું!! અને વાત સાંભળીને દેવશી રૂખડને આંચકો લાગ્યો!!

Image Source

બચુના બે છોકરા સુરતમાં ખાસ પૈસાવાળા ન કહી શકાય!! બધાય કાપડમાં હતા. બધાયના પોતાના મકાન ખરા. બધાયની ઘરે કારની સાથે સંસ્કાર પણ ખરા!! પણ તોય મોટાભાઈ ટ્રીપલ જે ની હારે થોડા આવે??? જે થયું એ થયું!! દેવશી રૂખડને મનમાં એટલી શાંતિ તો થઇ જ ગઈ કે ભલું થયું કે મેં જગુ જાદવને અગાઉથી વાત નો કરી!! નહિતર કા બે ભાઈઓ સંબંધ બગડત!! અથવા એની રેવડી દાણ દાણ થાત!! અને આ વાત ઉડતી ઉડતી ગામડામાં આવી!! અને ગામના લોકોને પણ નવાઈ લાગી કે આવું સરસ અને ખાનદાન ખોરડું અને એમાં મોટા ભાઈને ત્યાં માંડી વાળીને નાના ભાઈના દીકરા સાથે સીમાનું સગપણ ગોઠવવાનું કારણ શું હશે!!?? અને એટલે જ ગામમાં ચણભણાટ વધી ગયો હતો!! બાલુ આતાની બુદ્ધિ રહી રહીને બગડી કે શું????

બીજાને તો ઠીક પણ દેવશી રૂખડના મગજમાં ગાંઠ પડી ગઈ. મનોમન એને અફસોસ પણ થયો કે મેં જે ઠેકાણું ચીંધ્યું એમાં એ ન પડ્યો અને એનાથી ઓછી આવક ધરાવતા એના જ સગા ભાઈના છોકરા સાથે સંબંધ કરાવી લીધો. અને મને પાછુ પૂછ્યુંય નહીં કે એ નાનો ભાઈ કેમ છે?? મને કળાવા પણ નો દીધું અને મારો મોરાગ પણ ના લીધો!! આટલી બધી હવા તે બાલુડામાં શેની ભરાઈ ગઈ છે તે જાતિ જિંદગીએ વળ ખાવા લાગ્યો!! પછી તો એવું થયું કે દેવશી રૂખડ બાલુ આતાનું નામ સાંભળેને તો પણ એનું મોઢું ફૂંગરાઈ જતું!! દેવશી રૂખડને બાલુ આતા હારે બરાબરની બાટી ગઈ!
બાલુ આતાને પણ ખબર જ હતી કે દેવશી રૂખડને બરાબરનું ખોટું લાગી ગયું છે. પણ હતો એનો જુનો ભાઈબંધ ને!! એ પણ તાશેરો જોતા જ હતા કે દેવશી રૂખડ કેટલા દી લગણ એનાથી કંહટાઈ રેશે.. ફોન પર એક બે વખત બાલુ આતાએ વાત કરી જોઈ પણ દેવશી રુખડે ખુલીને કોઈ જ બળાપો કાઢ્યો નહિ. વાતચીતમાં પણ જાણે એકબીજાને ઓળખતા ન હોય એવો વર્તાવ કર્યો અને બાલુ આતાને લાગ્યું કે હવે વાતને લાંબી ખેંચવામાં મજા નથી. નહિતર એનો ભાઈ બંધ મનમાં ને મનમાં મૂંઝાઈ રહેશે.

ભીમ અગિયારશે બાલુ આતા પોગી ગયા સુરત. એકાદ દિવસ છોકરા હારે રહીને એ પોગી ગયા નાના દેવશી રૂખડની ઘરે!! દેવશી રુખડે આવકારો તો આપ્યો પણ મોઢું તો ફૂંગરાઈ ગયેલું જ રાખ્યું.
“ હાલોને ચોપાટી બાજુ જરા આંટો મારતા આવીએ!! આમેય તને મળવા માટે તો સુરત આવ્યો છું..” બાલુ આતા બોલ્યા.

“ અમારા જેવા નાના માણસોને મળવા કોઈ ન આવે.. હવે તમે બધા મોટા થઇ ગયા કેવાવ.. તમારા બધાયમાં હવા આવી ગઈ છે અને મોટપનો વા ઘરી ગયો છે!!” દેવશી રૂખડ કટુતાથી કહ્યું. બને નાતાદાર હાલીને ચોપાટીએ પોગ્યા. ચોપાટીએ એક બાંકડા પર બેઠાં અને બાલુ આતાએ બીસ્ટોલ સળગાવી અને દેવશી રૂખડને આપી.
“ મારે નથી પીવી!! મેં બંધ કરી દીધી છે” દેવશી રૂખડ મો કટાણું કરીને બોલ્યાં.

Image Source

“ નો પીવે એને ગવુના સોગંદ છે” બાલુ આતા આટલું બોલ્યા કે તરત જ દેવશી રૂખડે બીસટોલ લઇ લીધી. બને ભાઈબંધો ચોથા ધોરણમાં ભણતા ત્યારે ગામના સરપંચ દુલાભાભાની ભાણકી ગૌરી ગામમાં ભણવા આવેલી અને આખી નિશાળમાં એ એકજ બે ચોટલા વાળી હતી. દેવશી રૂખડ ભણવાને બદલે ગૌરીની સામું જ જોઈ રહે. એમાં એને કેટલી વાર માર પણ પડતો. પણ ગમે તેટલો માર પડે. દેવશી રુખડે ગૌરી સામું જોવાનું ચાલુ જ રાખેલું!! બાલુ આતાને આ બધી ખબર. પછી તો ગૌરી એટલે કે ગવુ એને ગામ જતી રહી. બધાય પરણી ગયા. ગવુ કયારેક એના મામાને ઘરે આવતી ત્યારે એને દુરથી જોઇને દેવશી રૂખડ કોળ્યમાં આવી જતો!! જીવનમાં એ ગવુ સાથે ક્યારેય બોલેલો નહિ પણ લાગણી એમને એમ રહી ગઈ!! પછી દેવશી રૂખડ ક્યારેક રિસાય ત્યારે બાલુ આતા એને ગવુના સોગંદ આપે અને તરત જ દેવશી રૂખડ માની પણ જાય!! બીસ્ટોલની સટ મારતા મારતા દેવશી રૂખડ બોલ્યાં!!“હવે મોઢામાંથી ફાટીશ કે બચું જાદવના છોકરા વેરે સીમાનું સગપણ ગોઠવવાનું કારણ શું??”
અને તરત જ બાલુ આતા બોલ્યા!!

“ વરસો પહેલા હું બહુ આઘેરા ગામોમાં કપાસ , જીરું અને મગફળી રાખવા જાતો ઈ તો તને ખબર્ય જ છે. જાદવ બાપાના ગામમાં પણ જાતો ત્યારે એનો નાનો દીકરો બચું પણ મગફળી કે જીરું તોળવાનું હોય ત્યાં ભેગો આવતો. એ એના ગામમાં દલાલી કરતા. જાદવ ભાઈની સ્થિતિ એ વખતે પણ સારી અને લાખનો માણસ. જમીન પણ ૧૨૦ વીઘા જેટલી. મોટો એ વખતે સુરત હતો. મારું રાત રોકાવાનું પણ એના ઘરે થતું. બચુને હું ત્યારનો ઓળખું. થોડા સમય પછી જાદવ ભાઈનું અકાળે અવસાન થયું અને બધી જવાબદારી બચું માથે આવી. હું એના કારજમાં પણ ગયેલો. મોટા જગુએ જમીનના ભાગ પાડી નાંખ્યા. બચુને વાત મંજુર નહોતી. પણ રહ્યો નાનો એટલે એનું કોણ માને?? એ વખતે બચુએ મને કીધેલ કે બાલુભાઈ આ જમીનના ભાગ મને ગળે નો ઉતર્યા. જમીનના ભાગ પાડીને મોટાએ પોતાની જમીન ગામમાં જ એક ખેડુંને વેચી દીધી. એના જે પૈસા આવ્યા એમાંથી સુરતમાં જમાવટ કરી. પછી બચું મને એકાદ બે વાર મળ્યો.પણ બચુના મનમાં એક જ વાત હતી કે બાપાની જમીન જે મોટા એ વેચી છે એ કોઈ પણ કીમતે હું ખરીદી લઈશ. બચું જેવા એના છોકરા મહેનતુ. બસ પછી તો જવા આવવાનું બંધ થઇ ગયું, કાળ ક્રમે આખી ઘટના હું તો ભૂલી ગયો હતો. પણ આપણે જગુ ના ઘરે ભેગા થયા અને બચું મળ્યો. બીજા દિવસે હું બચુના ઘરે ગયો. બચુએ મને બધી વાત કરી. મોટાએ વેચેલી ૬૦ વીઘા જમીન તો એણે પાછી પોતાના ખાતે કરી જ લીધી અને ઉપરીયામણ બીજી ૩૦ વીઘા જમીન પણ એને લીધી છે. માથે એક ફદીયાનું પણ કરજ નથી. હા આધુનિક સાહ્યબી નથી!! પણ જીવે છે સુખેથી!! બસ બે ભાઈઓ વચ્ચે આ ફર્ક છે.. એકે બાપાની જમીન વેચીને પોતાની જાહોજલાલી વધારી!! બીજાએ વેચેલી જમીન પાછી મેળવીને બાપાનો વારસો જાળવ્યો!! આ યુગમાં જમીન વધારે એ ભાયડો કહેવાય!! ત્યાં આપેલી દીકરી કોઈ દિવસ દુખી ના થાય!! હા પરિસ્થિતિ એવી હોય તો જમીન વેચવી પડે પણ મોજ શોખ કરવા માટે ભપકામાં રહેવા માટે જમીન વેચે એ ભાયડો નહિ બાયલો કહેવાય બાયલો!! એ અસલ ખેડુ તો નો જ ગણાય!! મારી બુદ્ધિએ મને કહ્યું કે બાલુ દીકરી તો બચુના દીકરા વેરે જ દેવાય!! હું સુરત થી દેશમાં આવ્યો અને વરસો પછી બચુના ગામમાં ગયો. જમીનમાં એણે જમાવટ કરી હતી. છોકરા પણ મને ડાહ્યા લાગ્યા. એના મોટાબાપા પાસે અઢળક સંપતિ પણ તો ય આ લોકો એની રીતે રહે છે. બાકી એ દોઢસો વીઘા જો બચું અત્યારે વેચે ને તો ટ્રીપલ જે કરતાં એની સમૃદ્ધિ ક્યાય વધી જાય એમ છે!! બસ સાચો સમૃદ્ધ કોને કહેવાય એ મને કહે હવે તું??”

“ જો કે મને ખ્યાલ હતો કે બધા ગમે એમ કહે પણ બાલુ વગર વિચારે આવું પગલું ભરે નહિ એનો મને ખ્યાલ હતો જ… પણ એ વખતે તે મને કેમ ન કીધું?? અત્યાર સુધી ટટળાવવાનું કોઈ કારણ ખરું””?? દેવશી રૂખડ બોલ્યાં.
“ બસ એમ જ ઘણા સમયથી તું રિસાણો નહોતો ને એટલે મને થયું કે આ માંડ લાગ આવ્યો છે તે દેવશીને થોડી રીસ ચડાવું. પણ એક વાત કહું કે હવે બહુ ઓછા માણસો તારી જેમ રીહાય છે. હવે આ મોબાઈલ આવી ગયાને એટલે કોઈને કોઈની જરૂર જ નથી. બાકી પેલા કેવી રીસાવાની ને મનાવાની મજા આવતી. મોબાઈલ આવી ગયા પછી રીસાવાનું અને મનાવવાનું સાવ બંધ જ થઇ ગયું છે નહિ?? ચાલ હવે આજ તો વરાછાના પુલના કુંભણીયા ખાઈ લઈએ!! ઘણા દિવસ થયા તારી હારે કઈ ખાધું જ નથી”!! બાલુ આતાએ મોજથી કહ્યું.

“ ના હો ડોકટરે મને ના પાડી છે.. મારે બેડ કોલરેસ્ટોન છે એમ ડોકટરે કીધું છે. તળેલું સાવ બંધ જ કરવાનું છે.. તારે ખાવા હોય તો ખા પણ હું નહિ ખાવ” દેવશી રૂખડે ડોકું ધુણાવ્યું.
“ અરે નો ખાય એને ગવુના સોગંદ છે” દેવશીનો હાથ પકડીને બાલુ આતા બોલ્યાં!!
અને થોડી જ વારમાં બને જમાનાના ખાધેલ ભાઈબંધો કિલો કુંભણીયા ખાઈ ગયા!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks