આપણા દેશમાં ઘણા લોકો બેઘર છે, અને તેમને ભૂખ્યા જ ઊંઘવું પડે છે, પણ એ જ સમયે આપણા દેશમાં ઘણા લોકો એવા પણ છે કે જેમને ભોજનની કિંમત ખબર છે અને તેઓ આ ગરીબોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે. આવા જ એક વ્યક્તિ છે કે જે છેલ્લા 7 વર્ષથી ભુખ્યાને ભોજન પીરસે છે.
રોજ હૈદરાબાદના દબીરપુરા ફલાયઓવર નીચે બેઘર લોકો, ભિખારીઓ, કચરો ઉઠાવનાર લોકો અને મજૂરો થાળીઓ લઈને શેતરંજી પર બેસીને સૈયદ ઉસ્માન અઝહર મકસૂસીનાં આવવાની રાહ જોતા હોય છે. જેવા 12.30 વાગે કે દુબળા-પાતળા અઝહર બધાની થાળીમાં ગરમગરમ ભાત અને દાળ પીરસવાનું શરુ કરી દે છે. વર્ષ 2012થી લઈને આજ સુધી આ દ્રશ્ય અહીં રોજ જોવા મળે છે. એકપણ દિવસ એવો નથી વીતતો કે જયારે અહીં આવેલા આ ભૂખ્યા લોકોને બપોરનું ભોજન ન મળ્યું હોય, અને અઝહર તેમને ભોજન ન પીરસતા હોય.

સૈયદ ઉસ્માન અઝહર મકસૂસીએ છેલ્લા 7 વર્ષોથી ભૂખ્યા અને જરૂરતમંદોની ભૂખ સંતોષવાના કામને પોતાના જીવનનો હેતુ બનાવી લીધો છે. તેમનું ફક્ત એટલું જ કહેવું છે કે ભૂખ્યાનો કોઈ ધર્મ નથી હોતો.
અઝહરના પિતા ઓટો ચલાવતા હતા, એ જયારે 4 વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. ચાર ભાઈ-બહેનોમાં તેઓ ત્રીજા નંબરે છે. તેમને પાંચમા ધોરણ પછી અભ્યાસ ચૂડી દીધો અને મજૂરીકામ કરવા લાગ્યા હતા. તેઓએ કહ્યું હતું કે ‘પરિવાર મોટો હતો એટલે જવાબદારીઓ પણ મોટી હતી. પિતા અવસાન પામ્યા હતા. અમને દિવસમાં એક જ વાર ભોજન મળતું હતું. પરંતુ આજે જે પણ પરિસ્થિતિઓ હોય, આપણે અલ્લાહના આભારી બની રહેવું જોઈએ.’

આ બધી જ પરિસ્થિતિઓના કારણે અઝહર ભુખ્યાઓની પીડા સમજે છે અને એટલે જ તેમના દુઃખ દૂર કરવા માટે દરેક સંભવ કોશિશ કરે છે. વર્ષ 2012માં તેમને એક ભૂખી મહિલા મળી હતી. એ ભૂખથી તડપી રહી હતી. ખાવા માટે વલખાં મારી રહી હતી, રડી રહી હતી. અઝહરે તેને પોતાના રૂપિયાથી ખાવાનું લાવીને ખવડાવ્યું અને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેમની પાસે જેટલું છે તેમાંથી તેઓ દરેક સંભવ ભૂખ્યા લોકોની ભૂખ સંતોષવાનું કામ કરશે.
તેઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેમની પત્ની ઘરે જ ખાવાનું બનાવતી હતી. અને તેઓ ફલાયઓવર પાસે ભોજન લઇ જઈને ભૂખ્યાઓને પીરસતા હતા. પછી તેઓએ અહીં જ ખાવાનું બનાવવાનું શરુ કરી દીધું હતું. શરૂઆતમાં ફક્ત 30-35 લોકો જ અહીં હોતા હતા પણ આજે 150થી વધુ લોકોને અઝહર અહીં ખાવાનું ખવડાવે છે.

અઝહરની એક સંસ્થા હવે આ કામનું સંચાલન કરે છે, જેનું નામ ‘સની વેલફેર ફાઉન્ડેશન’ છે. હવે સંસ્થાએ ભોજન તૈયાર કરવા માટે બે રસોઈયા પણ રાખ્યા છે. ત્રણ વર્ષ પહેલા તેઓએ આ સિવાય સિકંદરાબાદના ગાંધી હોસ્પિટલમાં પણ ભૂખ્યાઓને ભોજન પીરસવાનું કામ શરુ કર્યું છે. તેમની સંસ્થા કેટલાક એનજીઓ સાથે મળીને બેંગલુરુ, ગુવાહાટી, રાયચુર અને તાંદુર શહેરમાં પણ રોજ લોકોને ભોજન પીરસવાનું કાર્ય કરે છે.
અઝહરના આ કામમાં તેમનો પરિવાર પણ સાથ આપે છે. તેઓ કહે છે કે તેમને ખુશી છે કે જે કામ તેમણે એકલાએ શરુ કર્યું હતું, આજે એ કામમાં આખો કાફલો જોડાઈ ચુક્યો છે. અને અનેક લોકો તેમના અને તેમની સંસ્થાના કામથી પ્રેરિત થયા છે. માહિતી અનુસાર તેમની ટિમ રોજના લગભગ 1000-1200 ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે. તેઓ કહે છે કે આ કામ કરવાથી તેમને સંતોષ અને ખુશી મળે છે.
ગયા વર્ષે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પણ તેમના કામથી પ્રભાવિત થઈને અઝહરને પોતાના કાર્યક્રમ બીઇંગ હ્યુમનમાં ભાગ લેવા માટે મુંબઈ બોલાવ્યા હતા. તેમની પસંદગી દેશભરના એ 6 લોકોમાં થઇ હતી જે વાસ્તવિક જીવનમાં પણ નાયક છે.

આ પહેલા અઝહર એક બીજા પણ કાર્યક્રમ ‘આજ કી રાત હૈ જિંદગી’ માં સામેલ થયા હતા જેનું સંચાલન અમિતાભ બચ્ચન કરી રહયા હતા. તેમને ઘણા બધા સંગઠનો તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાના આ સમાજસેવાના કામ માટે કોઈની પાસેથી પૈસાની મદદ નથી માંગતા. જે લોકો દાળ અને ચોખા દાનમાં આપે છે એ સ્વીકારી લે છે, પણ જો કોઈ દાનમાં દાળ કે ચોખા આપવાની સ્થિતિમાં ન હોય તો જ પૈસા સ્વીકારે છે.
અઝહરને સૌથી મોટી પ્રેરણા તેમની માતા તરફથી મળી. તેઓ માને છે કે અલ્લાહ જ ગરીબોની ભૂખ સંતોષવા માટે તેમને નિમિત્ત બનાવે છે, તેઓ નથી જોતા કે ખાવા કોણ આવે છે. તેમને તો ફક્ત એ જ દેખાય છે કે બધા ભૂખ્યા છે, અને આ જ તેમનું ઠેકાણું છે. દાણા-દાણા પર લખ્યું છે કે ખાવાવાળાનું નામ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks