કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

અખાત્રીજ : આજે પિતૃને કરેલું તર્પણ અને ભૂખ્યાને આપેલ રોટલાનું પુણ્ય આજીવન કાયમ રહે છે!

અખાત્રીજનું મહત્ત્વ દર્શાવતા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, કે હે પાર્થ! આજના દિવસે આપેલ દાન કે કરેલ હવનનાં પુણ્યનો નાશ કદી થતો નથી, એ ‘અક્ષય’ રહે છે.

આથી, વૈશાખ સુદ ત્રીજને ‘અક્ષર-તૃતીયા’ કહેવામાં આવે છે. અક્ષય અર્થાત્ જેનો નાશ નથી થતો એવું. અખાત્રીજને દિવસે જે પુણ્ય કમાઓ તે જિંદગીભર કાયમ રહે છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજ અથવા અક્ષયતૃતીયાનું અનેરું મહત્ત્વ છે.

મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી!:

આમ તો દરેક શુભકાર્ય કરવા માટે દિવસનું કોઈ સારું મુહૂર્ત પસંદ કરવામાં આવે છે. ગમે તે સમયે શુભકાર્ય કરવામાં આવતું નથી. પણ અખાત્રીજનો દિવસ ‘વણજોયાં મુહૂર્ત’નો દિવસ છે. અર્થાત્ આ દિવસે મુહૂર્ત જોવાનું ન હોય, ગમે તે કામનો દિવસના ગમે તે સમયે શુભારંભ કરી શકાય એવો આ પવિત્ર દિવસ છે. આથી જ વૈશાખ મહિનામાં થતાં લગભગ લગ્નો અખાત્રીજના દિવસે જ યોજવામાં આવે છે.

આ દિવસે ગરીબોને અન્નદાન, કોઈ ધાર્મિક વિધિઓ અને ભૂમિપૂજનનું ખાસ મહત્ત્વ છે. ખેડૂતો કંકુચોખા અને અબીલ-ગુલાલ લઈ વહેલી સવારે ખેતરે પહોંચી જાય છે અને ધરતીમાતાનું પૂજન કરે છે. અખાત્રીજના દિવસે જ પરશુરામનું ભૂમિ પર અવતરણ થયેલું.

આજે આટલું જરૂર કરો:

આમ તો અખાત્રીજને દિવસે સોનાની બજારોમાં લોકોની ભીડ ઉમટે છે અને લગ્નપ્રસંગોમાં લોકો આનંદ માણતા જોવા મળે છે. પણ વિધિએ આ વર્ષે થોડી જૂદી લીલા રચી છે જેથી આપણે સૌ ઘરમાં બંધ છીએ. પણ એથી શું થઈ ગયું! ખરેખર તો આ સમયે જ દુનિયાદારીથી અલિપ્ત રહીને ઈશ્વરમાં ખરેખર મન પરોવી શકાય એમ છે. ના ક્યાંય જવાની ઉતાવળ છે, ના રિસેપ્શનમાં ફેશનેબલ દેખાઈને કોઈને પ્રભાવિત કરવાની હોશ છે!

સવારના પહોરમાં સ્નાનકર્મથી પરવારીને ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો જાપ કરો. માટીનાં કોડિયામાં દિવો પ્રગટાવો. એ પછી ભગવાન વિષ્ણુ સહિત ભગવાન ઈન્દ્ર અને ભગવાન પરશુરામ સહિત આદ્યશક્તિનું સ્મરણ કરો.

આપની આજુબાજુ કોઈ ભૂખ્યું કે જરૂરિયાતમંદ હોય તો પાકેલું અન્ન કે અન્નસામગ્રી આપો. ઉપર કહ્યું તેમ આજે આપેલું દાન ‘સદાઅમર’ રહે છે. કદી નાશ પામતું નથી!

તલ-ચોખા અપર્ણ કરવાનું મહત્ત્વ:

અખાત્રીજના દિવસે એક થાળીમાં તલ અને એક થાળીમાં ચોખા લઈ ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરતા અર્પણ કરવાથી પણ પ્રથા છે. આજના દિવસે પિતૃને યાદ કરવાનું પણ ખાસ કહેવામાં આવે છે. તલ અને અક્ષતનું તર્પણ તેમને યાદ કરીને પણ જરૂરથી કરવું જોઈએ. કહેવાય છે, કે ભગવાન કૃષ્ણએ આજે જ સુદામાનાં તાંદુલ પણ ખાધાં હતાં!

આજે માતા ધરતીને પણ યાદ કરી લેવા. પેટમાં જે અન્ન જાય છે તે ખેડૂત પાસેથી ભલે આવે પણ ખેડૂતને પણ ભૂમિ જ અન્ન ઉગાડવા દે છે! આપણો ભાર પણ એક તે જ વેઠી શકવા સક્ષમ છે. માતાનાં ગર્ભમાં નવ મહિના રહ્યા બાદ જિંદગીભર આ ધરતીમાતા જ આપણને આશ્રય આપે છે, એ કદી ના ભૂલવું! માતાને પ્રાર્થના કરવી કે, અમને ભૂખ્યાં ઉઠાડજે પણ ભૂખ્યાં સૂવડાવતી નહી!

જૈનધર્મમાં પણ વર્ષી તપનાં આજે પારણાં કરવામાં આવે છે. ભગવાન આદિનાથને લીધે આ તહેવારનું મહત્ત્વ જૈનભાઈઓ પણ બહુ મંગલમય રીતે ઉજવે છે.

પ્રભુ હાલ પ્રવર્તી રહેલી મહામારીમાંથી જગતને વહેલીતકે ઉગારે એ પ્રાર્થના સાથે અક્ષયતૃતીયાની શુભેચ્છાઓ!

Author: Kaushal Barad GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.