લેખકની કલમે

હું તને પ્રેમ કરું એટલા માટે નહીં કે મારે મારે જૂનો પ્રેમ ભૂલવો છે પણ એટલા માટે કે… વાંચો વાર્તા અધુરો પ્રેમ

“ના, મારે તેની સાથે કોઈ વાત નથી કરવી અને એની કોઈ વાત સાંભળવી પણ નથી. એને અહીંયાંથી જવા માટે કહી દો. બે વર્ષ બાદ શું લેવા આવી છે એ, શા માટે આવી છે મારે કશું નથી જાણવું. ઘર છોડી આગળ ભણવાના નામ પર બીજા સિટીમાં આવી, કોલેજ બાદ કરીઅરના નામ પર કાંઈ કારણ કે વાયદા વિના મને છોડી ચાલી ગઈ. તો અહીંયાંથી પણ મને મળ્યા વિના જવામાં એને વધુ તકલીફ નહીં પડે. એને આદત જ છે બધું છોડીને જવાની.” પાર્થના આવજમાં ગુસ્સો હતો, તેના હાવભાવ પરથી લાગતું હતું તે નારાઝ છે પણ જાણે તેની આંખો એક વખત નિશિતાને જોવા માંગતી હોય, તેના કાન એક વખત તેનો અવાજ સાંભળવા માંગતા હોય, તેના હાથ એક વખત બસ તેનો સ્પર્શ કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું.

Image Source

“પણ એક વખત મળી તો લે, આટલી દૂર એ તને મળવા આવી છે.” હોલના દરવાજા પાસે ઉભેલ સિયા બોલી.

“સિયા પ્લીઝ તું આ મેટરમાં ના બોલીશ તો વધુ સારું રહેશે. મારે એને નથી મળવું એ ડિસીઝન ફાઇનલ છે. હું તેનો ચહેરો પણ જોવા નથી માંગતો.” પાર્થ ઊંચા અવાજમાં બોલ્યો.

“પણ હું તેને મળવા માંગુ છું પાર્થ. હું જાણવા માંગુ છું કે એ શું કહેવા અહીંયા આવી છે.” સિયા આગળ આવતા બોલી.

“સિયા કોઈ જરૂર નથી તેને મળવાની, બે વર્ષ પહેલાં કાંઈ કહ્યા વિના જતી રહી હતી તો આજે પણ તેને કોઈ વાત કહ્યા વિના જવાનું કહી દઈએ.” પાર્થનો અવાજ લગભગ લથડાઈ ગયો. આંખોમાં પણ આછા પાણી આવી ગયા.

“પણ પાર્થ હું મળવા માંગુ છું તેને.” સિયા તેના ડિસીઝન પર અડગ રહી.

“તારી ઈચ્છા, પણ એક વાત ફાઇનલ છે હું તેને મળવા નથી માંગતો.” કહેતા પાર્થ તેના રૂમ તરફ આગળ વધ્યો.

આ તરફ સિયા બહાર ઉભેલ નિશિતા પાસે પહોંચી.
“પાર્થ તમને મળવા નથી માંગતો, એને એમ પણ કહ્યું કે એ તમારો ચહેરો પણ નથી જોવા માંગતો.”

“મને ખબર હતી એ આવું જ કંઈક બોલશે. પણ એક વખત મને જોઈ લેશે અને મને એક્સ્પ્લેનેશન આપવાનો મોકો આપશે તો હું તેને મનાવી લઈશ. હું જાણું છું મેં બૌ મોટી ભૂલ કરી છે પણ મારી ભૂલ કરતા વધુ એ મને પ્રેમ કરે છે. એક વખત એની આંખો મને જોઈ લેશે તો એ મારાથી દૂર નહીં રહી શકે.” નિશિતા શ્વાસ લેવા અટકી અને ત્યાં જ સિયાને નિહારતા બોલી, “હું તમને ઓળખી નહીં. તમે કોણ?”

“હું પાર્થની મંગેતર સિયા. એક અઠવાડિયા પહેલા અમારી સગાઈ થઈ અને મહિના પછી અમારા લગ્ન થવાના છે.” સિયા સ્થિર અવાજમાં બોલી.

સાંભળી નિશિતાના પગ નીચેની જમીન જાણે ધસી ગઈ હોય તેમ વગર પલક ઝબકાવ્યે તે સિયા સામે જોતી રહી. થોડી ક્ષણો બાદ નોર્મલ થતા બોલી, “આઈ એમ…. આઈ એમ રિઅલી સો.. સોરી.” નિશિતાની જીભ અને શબ્દો લથડીયા ખાવા લાગ્યા, “મને આ વિશે જરા પણ…. ખ્યાલ ન…. ન હતો. મને થોડી પણ હિન્ટ હોત તો હું…. હું ન આવત અહીંયા. સોરી…. એન્ડ કોંગ્રેટયૂલેશન્સ.” નિશિતાની આંખો પણ સાથે બોલવાનું શરૂ કરે એ પહેલાં પીઠ ઘુમાવી તે ચાલવા લાગી.

“નિશિતા બે વર્ષ પહેલાં તું પાર્થને છોડીને શા માટે ગઈ હતી?” સિયા તેને રોકતા બોલી.

આંખમાં આવેલ આંસુ લૂંછી નિશિતા સિયા તરફ ફરી અને બોલી, “પાર્થ લાઈફમાં સિરિયસ થવા માંગતો હતો અને હું ડરી ગઈ હતી જીમેદારી ઉઠાવવાથી. મને એ ડર હતો ક્યાંક જીમેદારીઓ વચ્ચે અમારો પ્રેમ ઓછો થઈ જશે તો. ક્યાંક પાર્થ અથવા તો ક્યાંક હું બદલાઈ જઈશ તો. એવા બીજા ઘણા વિચારોએ મને ઘેરી લીધી હતી. હું બધું છોડી ભાગવા નહતી ઇચ્છતી પણ બધા ડાઉટ્સ ક્લિયર કરી રોકવા પણ નહતી ઇચ્છતી. જિંદગીમાં ઉભું રહેવાની ઈચ્છા થઈ તો પાર્થની યાદ આવી. એવું નહતું કે હું તેને યાદ નહતી કરતી. એ મારી પાસે નહતો પણ હંમેશા મારી સાથે હતો.
પણ મોડું થઈ ગયું યાર. બે વર્ષ પહેલાં પણ મારી ભૂલ હતી અને આજે પણ છે. સોરી સિયા મારે અહીંયા નહતું આવું જોઈતું.” આટલું કહી નિશિતા ફરી ત્યાંથી ચાલવા લાગી.

Image Source

“મને લાગે છે એક વખત તારે પાર્થને મળી લેવું જોઈએ.” ઊંડો શ્વાસ લેતા સિયા બોલી.

“જો હું પાર્થને મળી લઈશ તો મારો પ્રેમ પૂરો થઈ જશે સિયા. ગમે તે થશે પાર્થ તારો સાથ નહીં છોડે હવે એ હું જાણું છું. અને જો હવે હું તેની સામે આવીશ તો એ મને નકારી દેશે. અને મારા અધુરા પ્રેમ પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. એ પૂર્ણ પ્રેમ કરતાં મારા આ અધૂરાં પ્રેમ સાથે જીવન વિતાવવું મારી માટે સહેલું રહેશે.” કહી નિશિતા થોભ્યા વિના ચાલતી થઈ પડી.

ઉપર બાલ્કની પર ઉભેલ પાર્થ નિશિતાને જતા જોઈ બાલ્કની દરવાજો બંધ કરી રૂમમાં આવી દરવાજાના ટેકે જમીન પર બેસતા ચોધાર આંસુએ રડવા લાગ્યો. થોડા સમય સુધી આંસુ વહાવી, ફ્રેશ થઈ નીચે ઉભેલ સિયા પાસે પહોંચી તેના ખભે હાથ રાખતા બોલ્યો, “સિયા નિશિતા મારું ભૂતકાળ હતું અને તું મારુ વર્તમાન છો. હું ભૂતકાળના દર્દને ભુલાવા કે તેને દેખાડવા મારા વર્તમાન સાથે નથી રહેતો. ભૂતકાળની યાદો ઘણી ઊંડી છે પણ જેમ જેમ વર્તમાન સાથે યાદો બનશે પેલી ભૂલાતી જશે. હું તને પ્રેમ કરું એટલા માટે નહીં કે મારે મારે જૂનો પ્રેમ ભૂલવો છે પણ એટલા માટે કે મને તું પસંદ છે.”

Image Source

સાંભળતાં જ સિયા આંખોનો બંધ તોડતા પાર્થને ગળે વળગી પડી. સિયાના એ આંસુ પાર્થને ખોવાનો ડર દર્શાવતા હતા. થોડી ક્ષણો બાદ બંને અળગા થયા. પાર્થે સિયાને કપાળ પર ચુંબન કર્યું અને તેનો હાથ પકડી ઘરની અંદર ચાલતો થયો.

Author: GujjuRocks Team (મેઘા ગોકાણી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks