લેખકની કલમે

પ્રાણ પ્રતિષ્ઠા…” – જરૂર છે ધર્મના સંકુચિત વાડા માંથી બહાર નીકળી કઈક અલગ અલગ રીતે વિચારવાની…

“ચાલ વિચારી લઉ, સૌની સુખાકારી વિશે.
જોજે સાથના શસ્ત્રથી,સ્વયં પ્રભુ પણ રીઝે.
હશે ભાવના કલ્યાણની, નિઃસ્વાર્થ સાથેની,
તો ચારે તરફ તને , માત્ર સફળતાજ દિશે…
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

…રાયચંદભાઈ પોતાના જુના જમાનાના ડબ્બા ફોન પર રાતના અગિયાર વાગ્યે જોર જોરથી કેનેડામાં રહેતા પોતાના દીકરા પ્રિન્સ સાથે વાતો કરી રહ્યા હતા… વાતનો મુખ્ય વિષય એમના ગામમાં દિવાળી પછી યોજાનાર એક ધાર્મિક કાર્યક્રમનો હતો… રાયચંદભાઈ પોતાના દીકરા પ્રિન્સને ફોનમાં કહી રહ્યા હતા કે…

“હા… દિકરા પ્રિન્સ… જો બેટા કેનેડામાં ગયે તને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે… છેલ્લી ત્રણ દિવાળીથી તારી બા તારી ઘરે આવાની રાહ જુવે છે…તો તારે અનુકૂળતા હોય તો આ વખતે ઘેર આવિજા, દીકરા… તારી બા,મને અને સૌ ગામવાળા તને જોઈ લઈએ તને મળી લઈએ એથી અમને પણ સંતોષ થઈ જાય.
અને દીકરા આ વખતે દિવાળી પછી ગામમાં બનેલા મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો બઉ મોટો ઉત્સવ પણ રાખેલો છે… તો દીકરા જો અનુકૂળતા હોય તો ગામડે થોડા દિવસ આવિજા…”

પ્રિન્સ ત્રણેક વર્ષથી કેનેડામાં સ્થાઇ થયો હતો. કેનેડામાં એ પોતાની પત્ની અને પાંચ વર્ષની દીકરી સાથે રહેતો હતો. મહિને દશેક લાખની પગાર વાળી એક ઓર્ગેનિક ખાતર કંપનીમાં એ મેનેજર તરીકે નોકરી કરતો હતો…પિતાજીનો ફોન આવ્યો અને પ્રિંસે આ વખતે પોતાના દેશમાં ગામડે આવવાનું ગોઠવીજ દીધું. હજી ગામમાં મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને વીસેક દિવસની વાર હતી અને પ્રિન્સ સહપરિવાર ગામડે મહિના માટે આવી ગયો.

પ્રિન્સના ગામડે આવવાથી જાણે આખા ગામમાં ઉત્સવ પહેલા ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પ્રિન્સ પોતાના નાનપણના મિત્રો સાથે આખા ગામમાં ફર્યો. દરેક ઘરે જઈ બધાના હાલચાલ પૂછ્યા. સવારથી સાંજ સુધી એ ગામમાં ફરતો ગામની બધી માહિતી મેળવતો. જેના ઘેર એ જાય ત્યાં તો એ ઘરવાળાને જાણે ભગવાન આવ્યા હોય એવો આનંદ થઈ આવતો.

સતત ત્રણ દિવસ ગામમાં ફર્યા બાદ એક રાત્રે પ્રાણ પ્રતિષ્ઠા માટે ગામના આગેવાનોની થયેલી બેઠકમાં પ્રિંસે હાજરી આપી. ઉત્સવના આયોજનની તમામ વાતો એને ધ્યાનપૂર્વક સાંભળી. પાંચ દિવસ ચાલનારા ગામના સૌથી મોટા ધાર્મિક આયોજનની રૂપરેખા એને વાંચી. થનાર ખર્ચ માટે નાણાં ક્યાંથી આવશે એની પણ માહિતી એને મેળવી. નાણાં નો સૌથી મોટો સ્ત્રોત ગામલોકો પર નાખેલ ફાળો અને દાતાઓ દ્વારા આપવામાં આવનાર દાનનો હતો. બધા આગેવાનોએ બધા આયોજન ગોઠવી રાખ્યા હતા પણ વાત ત્યાં આવીને અટકી કે… સમગ્ર કાર્યક્રમનો નાણાકીય હિસાબ કોણ રાખે. પૈસાનો ખૂબ મોટો વહીવટ હોવાથી બધા ક્યાંક ચૂક થાય તો ગામલોકોની નિંદા સહન કરવી પડે એ બીકે કોઈ એ જવાબદારી ઉઠાવવા તૈયાર ન હતું. અંતે સૌની નજર પ્રિન્સ પર ઠરી અને સર્વ સંમતિ થી બધાએ પ્રિન્સ ને ઉત્સવના નાણાકીય બાબતની જવાબદારી સોંપી.

રાત્રે પોતાના ઘેર સુતા સુતા પ્રિન્સને આ નાણાકીય જવાબદારી નાજ વિચારો આવી રહ્યા હતા. એનું યુવા,સેવાભાવી અને ક્રાંતિકારી વિચારો વાળું મન કાંઈક બીજૂજ વિચારી રહ્યું હતું. એક મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવવા માટે પાંચ દિવસનો ઉત્સવ અને એની પાછળ થનાર અઢળક ખર્ચ એ બાબત પર એનું મન જાણે બગાવત કરી રહ્યું હતું. લાખ પ્રયત્નો છતાં એનો આત્મા આ બાબતે સમાધાનીત થતોજ ન હતો. એ પ્રાણ પ્રતિષ્ઠા માટે એકઠા થયેલા નાણાં નો ઉપયોગ કોઈ બીજી રીતેજ કરવા વિચારી રહ્યો હતો. અને જાણે અચાનક પ્રિન્સને પોતાના તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા. મગજમાં એક સુંદર વિચાર સાથે એ સુઈ ગયો…

બીજા દિવસે સવારે પ્રિંસે ગામના તમામ આગેવાનોને પોતાના ઘેર બોલાવ્યા. બધાને મનમાં એમ હતું કે સૌએ પ્રિન્સ ને નાણાકીય જવાબદારી આપી છે તો એના આયોજનના અનુસંધાને બધાને બોલાવ્યા હશે… બધા આવી ગયા એટલે પ્રિંસે સૌને સંબોધતા જણાવ્યું કે…

“તમે સૌએ મારા પર વિશ્વાસ મૂકી મને આયોજનમાં સહભાગી બનાવ્યો એ માટે હું આપ સૌ વડીલોનો ખૂબ ખૂબ આભારી છું. પણ હું તમને બધાને જે વાત કહેવા જઈ રાહયો છું તો આશા રાખું કે તમે સૌ બુદ્ધિથી વિચાર કરી એમાં સંમત થશો…”
ત્યાં હાજર તમામ વડીલોએ કલ્પના પણ નહીં કરી હોય એવી વાત પ્રિંસે કહેવી શરૂ કરી…

પ્રિન્સ બોલ્યો…
“જુઓ આપણાં ગામમાં આવડું મોટું અને આટલું ખર્ચાળ ધાર્મિક આયોજન થઈ રહ્યું છે એ ગામ માટે ગામની વાહવાહી માટે ખૂબ સારી વાત છે… પણ શુ તમને એમ નથી લાગતું કે લોકોના પરસેવાની કમાણી ના રૂપમાં એકઠો થયેલો ફાળો આપણે આંખે આખો ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પાછળ ખર્ચવા કરતા એનો અમુક હિસ્સો લોકોની કાયમી સુખાકારી માટે વાપરવો જોઈએ…”
પ્રિન્સ ની આટલી પ્રસ્તાવના બાદ ત્યાં હાજર વડીલો ના મનમાં પ્રિન્સ પ્રત્યે થોડો અણગમો પેદા થવા લાગ્યો…
પ્રિંસે પોતાની યોજનાનો વિચાર આગળ વધારતા કહ્યું કે…
“એકઠા થયેલો જંગી ફાળો જો આપણે માત્ર પાંચ દિવસમાં વાપરી નાખીશું તો મને નથી લાગતું કે એનાથી ભવિષ્ય માટે કોઈ વિશેષ ફાયદો થાય. એના કરતાં આપણે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ ખૂબ સાદી રીતે ઉજવીએ. અને ફાળા ના બચેલા નાણાં ગામ માટે કાયમી રોજગારી અને શિક્ષણ માટે વાપરીએ. એનાથી ગામનું શિક્ષણનું સ્તર ઊંચુ આવશે અને આપણાં ગામમાજ ભવિષ્ય માટે શિક્ષિતો ની મોટી ફોજ તૈયાર થઈ જશે જે વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી અંતે ગામ અને રાષ્ટ્રનું નામ રોશન કરશે. બીજું કે લોકો માટે ઉભી થનાર કાયમી રોજગારીની વ્યવસ્થાથી બધા પગભર થશે. કામ માટે કોઈએ બહાર જવું નહિ પડે. લોકો વચ્ચેની આર્થિક અસમાનતાની ખાઈ દૂર થશે. ગામ અને સમાજમાં સમાનતાનું વાતાવરણ પેદા થશે…”

પ્રિન્સ ની વાત સાંભળવાની અને ભવિષ્યના થનાર ફાયદા સાંભળવા ત્યાં હાજર સૌને ખૂબ ગમ્યા પણ બધાના મનમાં એકજ સવાલ હતો કે આ બધું થશે કઈ રીતે ??? અને એક વડીલે આ બાબતે પ્રિન્સ ને પૂછી પણ લીધું…

પ્રિંસે જવાબ આપતા કહ્યું કે…
“આપણાં ગામમાં પ્રાથમિક શાળા સુધીની શિક્ષણ ની વ્યવસ્થા છે એને આપણે હાઈસ્કૂલ સુધી અપગ્રેડ કરીશું. અને રહી વાત રોજગારી ઉભી કરવાની તો એના માટે પણ મારી પાસે ખૂબ સુંદર યોજના છે. મારે એક મહીનોજ અહીં રોકાવાનું છે પણ હું થોડો વધારે સમય અહીં રોકાઈ જઈશ.
યોજના છે “ગોબર નો વહેપાર…”

ગોબરનો વહેપાર… શબ્દ સાંભળી ને હાજર સૌ લોકો પ્રિન્સ તરફ જોઈ હસવા લાગ્યા. એની મજાક ઉડાવવા લાગ્યા. પ્રિંસે પોતાની વ્યાપારની યોજના જણાવતા કહ્યું કે…
“વડીલો હું જાણું છું કે આખી યોજના સાંભળ્યા વિના તમારું આ રિએક્શન સ્વાભાવિક છે… જુઓ આપણાં ગામમાં લગભગ દરેકના ઘેર સરેરાશ એક થી બે ગાય અથવા ભેંશ છે. અત્યાર સુધી આપણે પશુઓના મળમૂત્ર માંથી આપણા પોતપોતાના ઉકરડા કરતા હતા. આપણે એક નાનકડો મીની પ્લાન્ટ નાખીશું. બધા પશુધરકો પોતાના પશુના મળમૂત્ર પ્લાન્ટમાં આવીને જોખાવી જાય. ગૌ મૂત્રને અલગ રાખવામાં આવશે. બાકી પશુઓના ગોબરને મિશ્ર કરવામાં આવશે. આ ગોબરના મિશ્રણમાંથી આપણે વર્મી કંપોસ્ટ માટેનું કાચું રો મટેરિયલ ખાતર કંપનીઓને વેચી દઈશું. ભવિષ્યમાં આ આવક અને ભંડોળ વધતા આપણે જાતેજ વર્મી કંપોસ્ટ બનાવવાનો પ્લાન્ટ નાખીશું. ગાયના મૂત્રને આપણે ગૌ મૂત્ર અર્ક બનાવતી આયુર્વેદિક દવા કંપનીને વેચીશું. દર મહિને આવકનો હિંસાબ કરી તમામને નફો વહેંચી દઈશું. મહિના દરમિયાન જે પશુધારક જેટલું મળમૂત્ર જમા કરાવે એ મુજબ નફાની વહેંચણી થશે…”

પ્રિન્સ ની યોજના સાંભળી બધા વડીલો આભા જ બની ગયા. કારણ પશુઓના મળ મૂત્ર માંથી પણ કમાણી થઈ શકે એવું જે પ્રિંસે વિચાર્યું એવું તો આજ દિવસ સુધી કોઈએ વિચાર્યું ન હતું. યોજના ખૂબ સારી હતી. એના અઢળક ફાયદા હતા. સૌએ પ્રિન્સની વાત માન્ય રાખી. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ સાવ ઓછા ખર્ચે પણ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો અને હવે તૈયારી થઈ પ્રિંસે જણાવેલી યોજનાની.

યોજના મુજબ નાનકડો પ્લાન્ટ પ્રારંભિક ધોરણે લગાવવામાં આવ્યો. સૌ પશુધારકો પોતાના પશુના મળમૂત્ર પ્લાઅંત માં જમા કરવા લાગ્યા. બધાની સહકારની ભાવનાથી બધું કામ ખુબ સુંદર રીતે થવા લાગ્યું. પ્રથમ મહિનાના અંતે હિસાબો થયા બધાએ વિચાર્યું પણ નહોતું એટલી આવક બધાને થઈ. ગામના ઉકરડા થતા બંધ થયા જેથી ગામમાં સ્વચ્છતાનું સ્તર પણ ખૂબ ઊંચું આવ્યું. પ્રિંસે વિચારેલી યોજના ખૂબ સારી રીતે કાર્યાન્વિત થઈ. અને એના શુફળ પણ બધાને મળવા લાગ્યા.

ગામના આગેવાનોએ પ્રિન્સ જેવા આશાસ્પદ અને ગામ માટે કંઈક સારું કરવાની ભાવના વાળા યુવાન પર મૂકેલ વિશ્વાસનુજ આ પરિણામ હતું કે સૌ ગામ લોકોને આજે મળમૂત્ર માંથી મહિને સારી આવક થવા લાગી હતી. આ સમગ્ર તંત્રનો વહીવટ ગામના યુવાનો અને વડીલોની કમિટીને સોંપી પ્રિન્સ ફરી કેનેડા જવા રવાના થયો. આખું ગામ એને શહેરમાં વળાવવા ગયું હતું. અને પ્રિન્સ જે વિમાનમાં બેઠો હતો એને ઉડાણ ભરી વિદેશ તરફ.

આકાશમાં જઈ રહેલા પ્રિન્સ ના વિમાનને જોતા સૌ ગામ લોકો જાણે મનોમન કહી રહ્યા હતા…
“ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ની સાથે આજે ખરેખર આખા ગામની પણ પ્રાણ ની પ્રતિષ્ઠા, સૌમાં સ્વાવલંબનની પ્રતિષ્ઠા, સહકારની પ્રતિષ્ઠા અને સુખાકારીની પ્રતિષ્ઠા સાચા અર્થમાં થઈ…

● POINT :-

ખોટા આયોજન અને ખોટા ધાર્મિક મેળાવડા માં વ્યય થતા નાણાં જો આમ સહકારથી અને બુદ્ધિથી યોગ્ય દિશામાં વાળવામાં આવે તો સમાજ અને રાષ્ટ્ર કેટલી સુંદર કાયાપલટ થઈ શકે છે…

જરૂર છે ધર્મના સંકુચિત વાડા માંથી બહાર નીકળી કઈક અલગ અલગ રીતે વિચારવાની…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)