લેખકની કલમે

પોટકું – કર્મો પ્રમાણે વ્યક્તિને તેનું ફળ મળી જ જાય છે…બસ ખાલી જરૂર છે કર્મોના રહસ્યને સમજવાની..વાંચો આજે આવી જ એક જમીનદારની સ્ટોરી …

“પોટકું…”

“ન માન તારી જાતને તું, ઈશ્વરથી પણ અધિક.
કર્મ કરતા રાખજે સદા, એ પરમેશ્વર ની બીક.
જગતનિયંતા જોઈ રહ્યો છે,તારી હરએક ચાલ,
આપેલા એના સુખ દુઃખ, છે તારા કર્મોનું પ્રતીક…
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

જમીનદારની હવેલીએ એ દિવસે આખા ગામના ગરીબ લોકો હારબંધ ઉભેલા હતા. હારની આગળના ભાગમાં રાખેલી એક ખુરશી પર હાથમાં હાથ એકનો ચાંદીથી મઢેલો દંડો રાખેલ જમીનદાર મૂછો પર તાવ દેતાં દેતાં ગરીબ લોકોની ગરીબાઈ અને મજબૂરી પર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. જમીનદારનો મુનિમ ગરીબ લોકોની મરણમૂડી અને ખરા પરસેવાની કમાણી આંચકી ને જમીનદારના ગલ્લામાં નાખી રહ્યો હતો. જમીનદારનો વર્ષોથી આ ક્રમ હતો જેવી ખેતીની સિઝન પુરી થાય એટલે ધાક ધમકી અને દાદાગીરીથી ગરીબ લોકોની મૂડી વ્યાજવટાવના ચક્રવ્યૂહ માં ફસાવી જમીનદાર આંચકી લેતો. પોતાની મહેનતની કમાણી જમીનદાર ને આપી દેતા એ લોકો મોંઢેથી તો કઈ બોલી ન શકતા કે વિરોધ પણ ન કરી શકતા પણ એમની આંતરડી પોકારી પોકારીને જમીનદારને શ્રાપ આપતી કે…

“આ પાપી ને ભગવાન નરક માં પણ જગ્યા નઈ આપે અને આ રાક્ષસ એવો રિબાઈ રિબાઈને મરશે કે કોઈ લોટો પાણી પાવા વાળું પણ નહીં મળે…”

પોતાની કમાણી જમીનદારના ગલ્લા માં નાખી ખૂબ વ્યથિત હૃદયે અને ઉદાસ ચહેરે નિસાસા નાખતા નાંખતા લોકો પોતાના ઘર તરફ ચાલતા થતા અને વળી પાછું જમીનદાર પાસે ઉધારી અને વ્યાજના ચક્કર માં ફસાતા જતા. આ રીતે લોકોના લોહી ચૂસી ચૂસી ને જમીનદારે અઢળક સંપત્તિ ભેગી કરેલી. જમીનદારના પરિવારમાં માત્ર ત્રણ જ જણ હતા. એ પોતે એનો એક દીકરો અને એની પત્ની. લોકોની મહેનતની કમાણી મારી ખાનાર જમીનદારના રસોડે બત્રીસ ભાતના ભોજન હતા તો સામે જેમની મહેનતનું એ ખાતો એ ગરીબોની થાળીમાં સુક્કા રોટલાના પણ ફા ફા હતા…

એક દિવસ રાત્રે એક દોઢના સુમારે જમીનદારની હવેલીમાં હાથમાં બંદૂક ધારી અને મોઢા પર બુકાની ધારણ કરેલ ચોર ચોરી કરવા પેઠો. ઘરના બધા સભ્યો ઘસઘસાટ ઊંઘમાં સુતા હતા એટલે ચોરને મોકલું મેદાન મળી ગયું. લોકોના લોહી ચૂસી ચૂસીને ભેગી કરેલી સંપત્તિથી ભરેલી આખી તિજોરી ચોરે સાફ કરી એક પોટકું બાંધી કોઈ જાગી ન જાય એ રીતે લપાતો છુપાતો અંધકારમાં બહાર નીકળવા જતો હતો ત્યાં જમીનદારનો દીકરો જાગી ગયો. એના “ચોર…ચોર…” એવા અવાજથી જમીનદાર અને એની પત્ની સાથે સાથે બીજા માણસો પણ જાગી ગયા. પોતાને પકડાઈ જવાનું નક્કી લાગતા ચોરે ત્યાંથી ભાગી જવા અને પોતાના બચાવ માટે હાથમાં રાખેલી બંદૂકથી અંધારામાં ફાયરિંગ કર્યું અને બંદૂક માંથી છુટેલી બે ગોળીઓએ જમીનદારના દીકરા અને એની પત્નીનો જીવ લઈ લીધો. ચોરતો ત્યાંથી ભાગી છૂટ્યો અને એની પાછળ જમીનદારના માણસો દોડ્યા.

એકતો પોટકાનું વજન અને પોતાનો જીવ બચાવવાની ચિંતામાં ને ચિંતામાં ભાગી રહેલ ચોર રસ્તા પર ગબડી પડ્યો અને એને માથાના ભાગે પથ્થર વાગતા માથું લોહી લુહાણ થઈ ગયું. તેમ છતાં એ જીવ બચાવવા ભાગતા ભાગતા ગામની છેવાડે આવેલા મંદિર સુધી પહોંચી ગયો. ઘાયલ અવસ્થામાં પોટકાનું વજન લઈ ભાગી શકાતું ન હોવાથી ચોરે મંદિરમાં જ છુપાઈ જવાનો નિર્ણય કર્યો અને પાછળ પડેલા માણસોની નજર ચૂકવી એ મંદિરમાં પેસી ગયો. મંદિરના કમાડ ખખડવાના અવાજથી પૂજારી જાગી ગયો અને ઘાયલ અવસ્થામાં મંદિરના ગર્ભ ગૃહમાં છુપાયેલા ચોરને એને જોયો. પૂજારી જાણતો ન હતો કે એ માણસ ચોર છે. પૂજારી કઈ પૂછે એ પહેલાં ચોરે પૂજારીને દાગીના અને પૈસાથી બાંધેલું પોટલું આપતા કહ્યું…

“પૂજારીજી આ પોટલું અત્યારે તમે સાચવો. એને પછી હું લઈ જઈશ. પોટલું લેવા પાછો આવીશ ત્યારે નિરાંતે તમને બધી વાત કરીશ…”

પુજારીએ પણ આગળ કઈ પૂછ્યું નહિ અને ચોરે આપેલું પોટલું મંદિરમાં ઉપર ખીંટી એ લટકાવી દીધું. ચોર પણ મંદિરમાંથી બહાર નીકળી લપાતો છુપાતો રાત્રીના અંધકારમાં ક્યાંક ચાલ્યો ગયો…

આ તરફ જમીનદારને સાચેજ ગરીબોની હાય લાગી અને પોતાની હવેલીમાં એ સાવ એકલો રહી ગયો. દિવસો વીતતા વીતતા લગભગ દસેક મહિના વીતી ગયા. ચોર હજી સુધી એ પોટકું પાછું લેવા આવ્યો ન હતો. પોટકું એમને એમ ખીંટી એ હજી સુધી લટકાવેલુંજ હતું. પૂજારી પણ સત્યનિષ્ટ હોવાથી પોટકું હજી ખોલ્યું ન હતું. પોટકામાં રાખેલા પૈસા અને ઘરેણા ના બહાર થી એની ગાંઠ પણ ધીમે ધીમે ઉકળતી જતી હતી.


એક સાંજે મંદિરમાં આરતી માટે એકઠા થયેલા સૌ ગરીબ ગામ લોકો પ્રભુ ભજનમાં તન્મય હતા. પૂજારી થાળીમાં પાંચ દિવાથી ભગવાનની આરતી ઉતારી રહ્યો હતો. મંદિરની ઓસરીમાં ઝાલર અને નગારાનો નાદ ગુંજી રહ્યો હતો. સૌ ગામ લોકો ના અંતરમાં એકજ ભાવ હતો કે ભગવાન એમના સૌના નસીબનું પાંદડું ફેરવે.
આ બધી ઘટના વચ્ચે એ દિવસે મંદિરના ઘરભ ગૃહમાં એક અજબ ઘટના બની. દસ દસ મહિનાથી ગામ લોકોના પરસેવાની કમાણીનું બંધાયેલું એ પોટકું લોકોની ખરી કમાણી અને જમીનદારના પાપોનો બોજ સહન કરી ન શક્યું અને રોજે રોજ થોડી થોડી ઉકેલાતી પોટકાની ગાંઠ એ દિવસે આખી ઉકલી ગઈ. ધડામ દેતું પોટકું પડ્યું જમીન પર. ત્યાં હાજર સૌ ફાટી આંખે પોટકામાંથી બહાર આવેલ દાગીના અને પૈસા સામે જોઇજ રહ્યા. પુજારીએ એ પોટકાની બધી વાત ગામ લોકોને કરી.

પોટકા માની સંપત્તિનું શુ કરવું? એવી ચર્ચા વચ્ચે પુજારીએ માર્ગ કાઢ્યો અને કહ્યું…
“જુવો પોટકું મુકવા આવેલ એ માણસ ચોર હતો. અને પાછળથી જાણવા મળ્યું એ મુજબ એ ચોર જમીનદારના ઘરેથી ચોરી કરી ભાગ્યો હતો. જમીનદારે તમારા સૌનું લોહી ચૂસી ને આ સંપત્તિ ભેગી કરી છે. ચોરના હાથે એની પત્ની અને એના દીકરાને મોત આપી ભગવાને એને શિક્ષા કરી દીધી. પણ ભગવાનનો ન્યાય અને એની ગોઠવણ ત્યારેજ પુરી થઈ ગણાય કે પોટકા માંથી નીકળેલ આ સંપત્તિ તમે સૌ વહેંચી લો. એમાં કઈ ખોટું નથી કારણ આ તમારીજ સંપત્તિ છે…અને સૌથી મોટી વાતતો એ છે કે મને રહી રહીને લાગ્યા કરે છે કે સ્વયં ભગવાન જ ચોરનું રૂપ ધરી જમીનદારને શિક્ષા કરવા અને તમારી સાચી કમાણી તમને પાછી આપવા આવ્યા હશે…”

પૂજારી જીના આટલા આશ્વાસન અને સલાહ પછી સૌ ગામ લોકોએ પોતાનીજ સંપત્તિના ભાગ કરી સરખા ભાગે સૌએ એ વહેંચી લીધી. એ સમયે જમીનદાર પોતાની હવેલીમાં પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. એ સમયે એના મોઢામાં પાણીનું ટીપું મુકનાર પણ પોતાનું અંગત કોઈ ન હતું…

● POINT :-
કુદરતની વ્યવસ્થા એવી જોરદાર છે કે સમય આવ્યે એ તારણહાર બની ને ગમે તે સ્વરૂપે આવીજ જાય છે.

…અને કર્મો પ્રમાણે ફળ આપીજ દે છે. માણસ પોતાની જાતને ગમે તેટલો બાહોશ અને સર્વસ્વ માને પણ ઈશ્વર સામે બધાએ નતમસ્તક થવુજ પડે. કર્મોનું આજ રહસ્ય છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.