લેખકની કલમે

છેલ્લી ચાવી – એક હતાશા અને નિષ્ફળતા વખતે એની માં એ એનામાં પુરેલ પ્રોત્સાહન અને ઉત્સાહનું ઉંજણ…

  • “ખબર નહોતી છેલ્લી ચાવી,ખોલી દેશે તાળું.
  • અને એજ શણગારી જશે,આખું જીવન મારું.
  • નિષ્ફળતાના હર પગથિયે,નવું હું શીખતો ગયો,
  • જાણ્યું અસફળતા પણ હોય છે,કેવું તત્વ પ્યારું…”

                         – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

એક બાર વર્ષનો છોકરો એની મમ્મીને કહી રહ્યો હતો કે…

“મમ્મી…મમ્મી… આજે તો હું બજારમાં ફરવા ગયો હતો. બજારમાં મેં મોટી મોટી દુકાનો જોઈ. રસ્તા પર સડસડાટ ચાલતી ગાડીઓ જોઈ. મને એ બધી ગાડીઓમાંથી એક જાડા પૈડાવાળી કાળા રંગની ગાડી એટલી બધી ગમી ગઈ કે થયું ગાડીઓની દુકાનમાં જઈ એવીજ નવી નકોર ગાડી ખરીદી લઉ. પણ પછી મારા પેન્ટના તૂટેલા ખિસ્સામાં હાથ નાખ્યો તો ખબર પડી કે ખિસ્સાતો ખાલી છે…!!! એટલે હું પાછો પડી ગયો. પણ મમ્મી જોજે ને હું મોટો થઈશ એટલે એવીજ ગાડી ખરીદી લઈશ. જે આપણા મોટા બંગલાના દરવાજા પાસે હું રાખીશ. અને તને એમાં બેસાડી રોજ આંટો મરાવા પણ હું લઈ જઈશ…”

પોતાના નાનકડા દીકરાની વાત સાંભળી એની મમ્મીએ પણ એને પ્રોત્સાહન અને એના નાનકડા પણ વિરાટ સ્વપ્નને પૂરું કરાવવા એના નાનકડા માનસ માં ઉત્સાહનું ઉંજણ પૂરતા જણાવ્યું કે…

“હા… દીકરા તું એવી મોટી ગાડી જરૂર લાવજે પણ તને ખબર છે કે એવી ગાડી લાવવા માટે ઘણા બધા પૈસા જોઈએ અને એ પૈસા લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે…!!!”

“હા… મમ્મી, હું મોટો થઈને ઘણા બધા પૈસા ભેગા કરીશ” દીકરાએ પણ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

એ નાનકડો છોકરો બાળપણથી ખૂબ મહતવાકાંક્ષી હતો. આકાશને પણ આંબી જવાના એના સપના હતા. એના નાનકડા બાળમાનસ માં આ સ્વપ્નોનું વાવેતર એની મા એજ કર્યું હતું.

ધીમે ધીમે એ છોકરો મોટો થતો ગયો. પોતાની બળવયમાં મગજમાં રોપેલાં સ્વપ્નોને રોજે રોજ ઉત્સાહનું પાણી પાઈ ને એને હંમેશા નિત્યનવીન રાખ્યા હતા. પોતાની યુવાવસ્થામાં પ્રવેશતા એને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે જીવનમાં સ્વપ્નો પુરા કરવા એ કઈ આશાન કામ નથી. સમયને જોતા એને એ પણ ખબર પડી ગઈ કે અઢળક ધન સંપત્તિ વિના વિરાટ સ્વપ્નો પુરા પણ થઈ શકતા નથી. એની સામે સંપત્તિ ભેગી કરવાના બે માર્ગ હતા. એક તો ભણતરમાં ખૂબ મહેનત કરી ખૂબ ઊંચી પોસ્ટ પર નોકરી મેળવવી. જેથી ઊંચા પગારના માધ્યમથી ઘણા રૂપિયા મેળવી શકાય અને બીજો માર્ગ હતો કે કંઈક કામ ધંધે વળગી ધંધો શીખી બુદ્ધિપૂર્વક આગળ વધી મોટો ધંધાદારી બની સંપત્તિ ભેગી કરવી. પ્રથમ માર્ગ એના માટે શક્ય નહતો કારણ ભણવામાં એ છોકરો એટલો હોશિયાર ન હતો કે જેના દમ પર એ કોઈ ઊંચી નોકરી મેળવી શકે. એને નાની મોટી નોકરી તો મળે પણ એના આકાશ આંબવાના સ્વપ્નો પુરા કરવા એ વામણી પુરવાર થાય એમ હતી. એ યુવાને પોતાના જીવનનો માર્ગ પ્રશસ્ત કરતા બીજો માર્ગ અપનાવ્યો અને પોતાના જોયેલા સ્વપ્નો સુધી પહોંચવા શરૂ કર્યું પ્રયાણ…

પોતાનો કોલેજ અભ્યાસ પૂર્ણ કરી એ જોડાઈ ગયો એક કાપડની ફેકટરીમાં. ખૂબ મન લગાવી કામમાં પરોવાઈ ગયો. કાપડ વણાટ ની કારીગરી, ફેકટરી ચલાવવાની રીત, કાચો માલ ખરીદવાની રીત આમ ધંધાની તમામ બારીકાઈઓનું કામ સાથે ખૂબ ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરતા કરતા એ ને ઘણી બધી બાબતો શીખવા મળી. ત્રણેક વર્ષ એ ફેકટરીમાં કામદાર તરીકે નોકરી કરી અને પોતાની મમ્મીની આજ્ઞા લઈ નોકરી છોડી અને પોતાની ખુદના ધંધાના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ એને કાપડની દુકાન નાખી. દુકાન તો ખોલી પણ એને શરૂઆતના છ મહીનામાજ ખબર પડી ગઈ કે સ્પર્ધાના યુગમાં ટકી રહેવું કેટલું કઠણ છે. એને સફળતા વિશે જે વિચાર્યું હતું એવું કંઈ થતું ન હતું. ઉપરથી ધંધામાં નુકશાની વધી રહી હતી. અને અંતે એને દુકાન બંધ કરવી પડી. પ્રથમ ધંધામાં એ સાવ નિષફળ ગયો.
હવે બીજા ધંધામાં નજર દોડાવતો એને જણાયું કે કરિયાણાના ધંધામાં ખૂબ સારી કમાણી છે તો એ ધંધામાં એને ઝંપલાવ્યું. અને ખોલી દીધી કરિયાણાની દુકાન. ચારેક મહિના દુકાન ચાલી પણ એમાંય ખૂબ સ્પર્ધા હોવાથી જોઈએ એટલું વેચાણ કે નફો મળતો ન હતો. પોતાના રોકેલા રૂપિયાના વ્યાજ જેલો પણ ફાયદો થતો ન હતો. દિવસે દિવસે એને આ ધંધો પણ બોજ લાગતો હતો. અને પોતાના સ્વપ્નનો માર્ગ અને મંજિલ સાવ ધૂંધળી લાગવા લાગી. અંતે કંટાળી આ ધંધો પણ એને બંધ કર્યો….

એને ખૂબ વિચાર્યું કે આમને આમ પોતે ઘરની મૂડી પણ બરબાદ કરી રહ્યો છે. અને સાથે સાથે જીવન પણ બરબાદ થઈ રહ્યું છે. એટલે એક નિર્ણય પર આવી પોતાની મા ને નિર્ણય જણાવતા કહ્યું કે…
“મમ્મી, મને લાગતું નથી કે આજના યુગમાં હું કોઈ ધંધામાં સફળ થાઉં. બે ધંધા ખૂબ બુદ્ધિપૂર્વક કરવાનો મેં પ્રયત્ન કર્યો પણ હું બંનેમાં સાવ નિસફળ રહ્યો અને લાખો રૂપિયાનું નુકશાન પણ કરી બેઠો. હવે બહેતર છે કે મારા જોયેલા સ્વપ્ન હું ભૂલી જાઉં અને એક નાનકડી નોકરી સ્વીકારી લઉં…”

પોતાના દીકરાને આમ નિરાશ અને હતાશ થતો જોઈ એની મા એ દીકરાના જીવનમાં ફરી ઉત્સાહ અને હિંમતનો પ્રાણ ફૂંકતા કહ્યું…
“દીકરા, આમ બે વખત નિષફળ જવાથી તું હિંમત હારી ગયો. દીકરા તું , હું અને આખું જગત જાણે છે કે સફળતા એમ તરત મળતી નથી. રાત દિવસ સખત પરિશ્રમ થી લોહીનું પાણી કરી નાખીએ ત્યારે સફળ થવાય છે. સફળતા કાંઈ રાતો રાત મળનારી ચીજ નથી. દીકરા હિંમત ન હારીશ સતત પ્રયત્ન કર. મને વિશ્વાસ છે તું જરૂર સફળ થઈશ…”

મા ના આટલા પ્રોત્સાહન અને પ્રેરણા સભર વાક્યો સાંભળી એ યુવાન માં ફરી વિશ્વાસનો ઉદય થવા લાગ્યો અને સવારે ફરી થી પોતાના પ્રયત્નમાં લાગી જવાનો શુભ સંકલ્પ કરી એ સુવા ગયો. પોતાના ટેબલ પર પડેલ એક પુસ્તક ખોલતા એને એક વાક્ય વાંચ્યું. જે લખેલું હતું કે…
“લગાતાર મિલ રહી અસફલતા સે નિરાશ મત હોઈએ. પ્રયત્ન કિજીએ… કભી કભી ગુચ્છે કી આખરી ચાબી ભી તાલા ખોલ દેતી હૈ…” આ વાક્ય વાંચતાજ એના આખા શરીરમાં ઉત્સાહ અને હિંમતનો પ્રચુર સંચાર થયો અને પોતાના પ્રયત્નો માં બમણા વેગથી હવે એક છેલ્લી વખત પ્રયત્ન કરી આગળ વધવાનો એને નિશ્ચય કર્યો…

સવાર પડતા એક ઓટોમોબાઇલ ફેકટરીમાં એ કામે લાગ્યો. હવે એનામાં નિરાશાનું કોઈ નામો નિશાન ન હતું. સફળતા ન મળે ત્યાં સુધી સતત પ્રયત્ન એજ એનો જીવન મંત્ર બની ગયો હતો. દિવસે ફેકટરીમાં કામ કરે રાત્રે ઘેર આવી એન્જીનમાં સંશોધન કરે. પોતાની રીતે સ્પેર પાર્ટ્સ માં ફેટફાર કરે. એન્જીન પર જાત જાતના પ્રયોગો કરે. અને આમને આમ ચાર વર્ષની આકરી મહેનત સૂઝ અને સમજ ના જોરે અંતે એનો પ્રયોગ સફળ રહ્યો. ગાડીનું એવું એન્જીન એને બનાવી નાખ્યું જે બજારમાં ફરતી ગાડીઓના એન્જીન કરતા ક્વોલિટી, કિંમત અને માઇલેજ માં શ્રેષ્ટ હતું. એને બનાવેલ એન્જીનનો ટેસ્ટ થયો અને એમાં એનું એન્જીન સૌથી શ્રેષ્ટ અને બેસ્ટ પુરવાર થયું. ખ્યાતનામ ઓટોમોબાઇલ કંપનીના એને પેટર્ન લઈ લીધા. અને કંપનીનો અડધા ભાગનો માલીક એ બન્યો. અઢળક ધન કમાયો. બાળપણમાં રસ્તા પર જોયેલી કાળા રંગની ગાડી આજે એના બંગલાની બહાર ઉભી હતી.
સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા એ છોકરાને પોતાની ઓફિસમાં બેઠા બેઠા ફરી ફરી બેજ વસ્તુ યાદ આવે છે…
એક હતાશા અને નિષ્ફળતા વખતે એની મા એ એનામાં પુરેલ પ્રોત્સાહન અને ઉત્સાહનું ઉંજણ…

અને…

બીજું એ પુસ્તકમાના સુવિચારની એ લીટીઓ…
“કભી કભી ગુચ્છે કી આખરી ચાબી ભી તાલા ખોલ દેતી હૈ…”

● POINT:-

લગાતાર મળી રહેલ નિષ્ફળતા એ આખરી પડાવ નથી. શુ ખબર કે એક ડગલું આગળજ સફળતા તમારી રાહ જોઇને બેઠી હોય… માટે રસના ક્ષેત્રમાં સતત મંડ્યા રહેવું એજ છે સફળતા પ્રાપ્તિનો મૂળમંત્ર…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.