દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા લેખકની કલમે

“આવ્ય ભાણા આવ્ય” સગા દિકરાથી વિશેષ મળેલ ભાણાની કહાની, વાંચો મુકેશ સોજીત્રાની કલમે

ચંપકભાઈ અને રસીલાબેન નાના વરાછાના ઢાળે સાંજના આઠેક વાગ્યે ઉભા હતા. નવ વાગ્યાની બસ હતી દેશમાં જવા માટેની. ફલાયઓવરની બાજુમાં અસંખ્ય મુસાફરો પોતાની બસની રાહ જોઈ રહ્યા હતા. રસ્તાની એક બાજુ ફળોની લારીઓ હતી. ફ્લાયઓવરની સામેની બાજુએ બે માળની એક ઢોસાની દુકાન હતી. બને બાજુઓએ વીજળીની રોશનીમાં ઝળહળતી દુકાનો સુરતની સમૃદ્ધિને દર્શાવતી હતી. ચંપકલાલ અને રસીલાબેન એક ખૂણામાં ઉભા હતા. બનેના ચહેરા પર ગમગીનીના વાદળો છવાયેલા હતા. ચંપકલાલે પોતાના થેલામાંથી પાણીની એક બોટલ કાઢી. થોડું પાણી પોતે પીધું અને પછી એની પત્નીને પાણીની બોટલ આપી અને બોલ્યાં.

“ તું હવે ખોટો જીવ બાળ્યમાં જે થવાનું હશે એ થાશે. આપણે ઓછા ધોડા નથી કર્યા. હવે આપણે વિલાસ અને એના દીકરા સામે જોવાનું છે. વહુને ધરપત આપવાની છે. દીકરાને મોટો કરીશું. જમીન ભલે જતી હોય તો જાય. આમેય ઘણા લોકો જમીન વગરના છે જ ને!!?? જમીન વાળાનો ભગવાન હોય એમ ઉભડીયાનો પણ ભગવાન હોય જ ને..!! હજુ આપણા બેયના કર હાલે જ છે ને?? ગામમાં બીજાની જમીન વાવી ખાશું. આપણા ગામમાં બીજા ભાગિયા બીજાની જમીન વાવે જ છે ને એમ આપણે પણ જમીન વાવીશું. પણ જો તું ઢીલી પડીશને તો વિલાસ અને નાનકડા શુભમનું શું થશે!! એટલે હવે બધું જ દુઃખ અહિયાં તાપીમાં નાંખીને જવાનું છે.” રસીલા જાણતી હતી કે એનો ધણી આ બધું બોલે તો છે પણ અંદરથી એ સહુથી વધુ દુઃખી છે!! નહીતર આખા ગામમાં હસમુખો અને સતત કોળ્યમાં રહેતા ચંપકલાલના ચહેરા પરથી હાસ્ય લગભગ એક વરસથી ગાયબ થઇ ગયું છે.

Image Source

“ જાણે ક્યાં ભવના પાતક લાગ્યાં છે કે આવા દિવસો આપણે જોવા પડે છે. આખી જિંદગી આપણે સાથે કાઢી કોઈ એવું પાપ સપનામાં પણ કર્યું નથી તોય આવા દિવસો દીનાનાથ કેમ દેખાડતો હશે?? નક્કી કોઈની નજર લાગી ગઈ છે. આપણા કુટુંબ પર નહી તો આમ ના હોય!!” મોઢા પર વેદનાના વાદળો સાથે રસીલાબેન બોલતા હતા.
અને વાત સાચી હતી!! એક વરસ થી ચંપકલાલ રતિલાલ પટેલના ઘર પર નજર જ લાગી ગઈ હતી!! એક ભર્યું ભાદર્યું ઘર કુદરતની કારમી થપાટે ધીમે ધીમે વીંખાઈ રહ્યું હતું!!

ચંપકલાલ રતિલાલ પટેલ!! ગામનું એક સુખી ઘર!! જેટલો ચંપકલાલ સીધો હતો એના કરતા સાત ગણી સીધી એની પત્ની રસીલા હતી!! સંતાનમાં બે બાળકો હતા. ચાલીશ વીઘા જમીન હતી. સારું એવું પાણી હતું. પતિ પત્ની બેય મહેનતુ હતા. ઘરમાં કોઈ વાતની કમીના નહોતી. મોટો દીકરો પંકજ દસ ધોરણ ભણીને સુરત આવી ગયો હતો. પોતાના ઘરનું મકાન લઈને હીરા ઘસતો હતો. એનાથી નાનો રાકેશ દસ ધોરણ ભણીને ગામડામાં જ રોકાઈ ગયો હતો અને ઘરે ખેતી સંભળાતો હતો અને સાથોસાથ હીરા ઘસવાનું કામ પણ કરતો હતો. બને છોકરા પરણી ગયા હતા. બને દીકરાનો સુખી સંસાર ચાલતો હતો. પંકજના વહુ સરલા અને રાકેશના પત્ની વિલાસને બહુ બનતું નહિ, જોકે એમાં વાંક તો સરલાનો જ હતો. સરલા અદેખી હતી. પોતે સુરતમાં રહે છે એની હવા એને રગરગમાં ભરાઈ ગઈ હતી. રાકેશ પરણ્યો એના ચાર વરસ થયા કે સરલાને જુદા થવાનું જોમ ઉપડ્યું!! રોજ સવાર સાંજ “હવે આપણે નોખા થઇ જવું છે” એવા પંપ પંકજને માર્યા કરે!! રોજ લાગતા આવા પંપથી પંક્જમાં પણ પરિવર્તન આવ્યું અને એક દિવાળીએ એણે પોતાના પિતા ચંપકલાલને કહી દીધું.

Image Source

“ હવે મારે જુદા થવું છે. મારે જમીનના ભાગ સિવાય બીજું કાઈ જોતું નથી. મારે મારા ભાગમાં આવતી જમીન વેચીને સુરતમાં કાપડનું કરવું છે. મારી સાથે જ હીરા ઘસતો એક મારો ભાઈબંધ કાપડમાં પડ્યો અને બે વરસમાં જ કરોડપતિ થઇ ગયો છે. જમીન રાકેશને રાખવી હોય તો મને ભાગે મળતા પૈસા આપી દ્યો અથવા મારી વીસ વીઘા જમીન વેચીને એના પૈસા મને આપી દ્યો.. બાકી મને હવે સાથે રહેવાનું પોસાણ નથી!!” પંકજની વાત સાંભળીને ચંપકલાલ આભા જ થઇ ગયા.!!

બાપ સાથે રહેવાનું પોહાણ જયારે દીકરાને ન હોય ત્યારે પડતીના ઓહાણ સમજવા!! ચંપકલાલે પંકજને ઘણું સમજાવ્યો. પણ પત્નીના પંપથી હવા ભરાયેલ પતિદેવને કોઈ જ સમજાવી ન શકે!! રસીલાએ પણ આંસુડા પાડ્યા. સરલા પણ ન બોલવાનું બોલી. અને છેવટે હારી થાકીને ચંપકલાલે પોતાની અરધી જમીન વેચીને પંકજને એનો ભાગ આપી દીધો અને પંકજએ મસમોટી રકમ લઈને સુરત ભેળો થઇ ગયો અને કાપડના ધંધામાં જમાવટ કરી દીધી.

આ બાજુ રાકેશ અને એની પત્ની ગામડામાં રહી ખેતી કરવા લાગ્યા. એકાદ વરસ પછી રાકેશને એક દીકરાનો જન્મ થયો. દીકરો એકાદ વરસનો થયો. એમાં ગામમાં એક વરસો પહેલા મુંબઈ ગયેલ એક કુટુંબ ગામડાંમાં આવી ગયું. જોકે એ કુટુંબ મુંબઈમાં કોઈકનું બુચ મારીને આવ્યું હતું એની ગામને ખબર નહોતી. રાકેશ સાથે એ કુટુંબના સભ્યોની ઓળખાણ થઇ અને છ મહિનામાં જ રાકેશ એની જાળમાં આવી ગયો. એક સાંજે રાકેશે વાત કરી.

“ પાપા લલીતભાઈનો મિલિન્દ કહેતો હતો કે અત્યારે સરકાર જીન કરવું હોય તો ઘણી બધી સબસીડી આપે છે. આપણે જીન માટે લોન લઈએ તો. આપણે જમીન પર લોન લઈએ બેંકમાંથી અને બે વરસ સારા જાય તો જીનમાં રોકેલ પૈસા ઉભા થઇ જાય. લોન પણ ભરાઈ જાય અને જીન પણ ભાગમાં થઇ જાય!! મિલિન્દ મુંબઈમાં રહેલો છે. હોંશિયાર અને ભણેલ ગણેલ છે. વળી બેન્કના સાહેબ સાથે ઓળખાણ પણ છે. એકાદ માસમાં લોન મળી જાય અને છ માસમાં જ જીન શરુ થઇ જાય!! આમેય તમે જુઓ છોને શહેરમાં જઈને લોકો કમાય જ છે ને!! અહી ગામડામાં તો ખેતી સિવાય બીજું કાઈ નથી પણ હવે ગામડામાં કપાસના જીનમાં માણસો કમાઈ રહ્યા છે. તો તકનો લાભ લઈએ તો બે પૈસા મળે એવું છે”
શરૂઆતમાં તો ચંપકલાલે ના પાડી. જ્યારે રાકેશની મમ્મી રસીલાએ વાત હાથમાં લીધી ત્યારે ચંપકલાલ ના ન પાડી શક્યા.

“ તમને હું શું કહું છું કે આ આપણો રાકેશ કેટલો સમજણો છે. એની પત્ની વિલાસ પણ સમજણી છે. એ આપણી સેવા કરવા જ ગામડામાં રોકાયો છે. હવે મોટો તો આપણને ગણતો જ નથી!! આ એક વધ્યો છે હવે!! તે ભલેને બિચારો જીન કરે!! જમીન ગીરવે મુકવાની છે ને બેંકમાં?? વેચવાની તો નથીને?? એ પણ ભાગ્ય લઈને આવ્યો હશે ને?? તમે ભલા થઈને ના નો પાડતા!! આપણે હવે આ એક જ દીકરો છે”
અને મિલિન્દ સાથે રાકેશે જીનમાં ભાગીદારી કરી. ચંપકલાલની જમીન પર બેન્કમાંથી મોટું ધિરાણ લીધું. કાગળીયાઓ કર્યા. સીસી પાસ કરાવી. સબસીડીઓ પાસ થઇ અને જીન ચાલવા લાગ્યું ધમધોકાર!! બે વરસમાં તો નફો પણ દેખાવા લાગ્યો!! ગામના લોકો હવે રાકેશને રાકેશભાઈ જીનવાળા કહેતા હતા!! દીકરાની પ્રગતિ જોઇને ચંપકલાલ અને રસીલાની આંખો ઠરતી હતી. એવામાં એક દિવસ અચાનક જ મિલિન્દ અને એનું આખું કુટુંબ જીનમાંથી હાથફેરો કરીને મુંબઈ ભેળું થઇ ગયું. જીનમાં રહેલો ગાંસડીઓનો સસ્તાભાવે સોદો કરીને એના એડવાન્સ પૈસા પણ મિલિન્દ લઇ ગયો હતો. રાકેશ માથે આભ તૂટી પડ્યું. ચંપકલાલ ગામના ચાર પાંચ માણસોને લઈને મુંબઈ મિલિન્દની તપાસ કરવા ગયા તો ત્યાં સાવ નવી વાત જ જાણવા મળી.

“ અહીંથી બુચ મારીનેએ ત્યાં આવતા રહ્યા અને ત્યાંથી બુચ મારીનેએ બીજે જતા રહ્યા હશે. એ લલિત અને મીલીન્દનો ધંધો જ બુચ મારવાનો છે. અહી બોરીવલીમાં તમે કોઈ ગુજરાતીને પૂછો એટલે તમને મિલિન્દ વિષે ખબર પડે!! એ હવે અહી થોડા આવે..?? એ હશે ક્યાંક બીજા સિટીમાં.. જ્યાં હશે ત્યાં પણ એ બુચ તો મારવાના જ!! મૂળતો તો તમારા ગામનાજ તોય તમે એની વાતોમાં આવી ગયા!! પણ એમાં તમારો વાંક નથી એની નાંખણી એવી જ કે ભલભલા આવી જાય!! તમે નહિ માનો અહી બોરીવલીમાં રહેતા હતા ત્યારે અહીના ડીવાયએસપી પાટીલ હતા. લોકો પાટીલને જુએને તોય ધ્રુજી જાય એવી એની છાપ!! પણ એ પાટીલને પણ લપેટમાં લઈને એનું પણ વીસ લાખનું બુચ મારી દીધું છે. પાટીલ પાગલ થઇ ગયો. નોકરી જતી રહી બોલો” બોરીવલીમાં લોકોએ ચંપકલાલને વિગતે વાત કરી. ચંપકલાલ ખાલી હાથે પાછા આવ્યા. પણ તોય એણે પોતાના દીકરાને કીધું.
“ તારો વાંક નથી તું મુંઝાતો નહિ બેટા!! બધું થઇ રહેશે.!!”

પોતાની પાસે રહેલી બચત એણે લેણીયાતોને આપી દીધી. રસીલાના અને વિલાસના ઘરેણા વેચાઈ ગયા. જીનની મશીનરી પણ કાઢી નાંખી. મોટી ખોટ આવી અને છેલ્લે બેન્કની નોટીસ આવી ત્યારે ખબર પડીકે દર માસે જે રકમ ભરવાની હોય એ ચાર માસે બેંકમાં ભરાણી નથી. રાકેશે મિલિન્દ પર આંધળો વિશ્વાસ મુક્યો હતો એનું આ ભયાનક પરિણામ આવ્યું હતું. એટલે હવે બે મહિનામાંએ રકમ નહિ ભરાય તો બેંક જમીન વેચી નાંખશે!! રાકેશ બરાબરનો મૂંઝાયો!! રસીલાબેન અને ચંપકલાલ એને આશ્વાસન આપ્યા કરે!! અને એમાં રાકેશને કમત સુજી!! ખેતરે એણે દવા પી લીધી અને દુનિયા છોડીને ચાલ્યો ગયો!! ચંપકલાલ અને રસીલાબેન પર આભ તૂટી પડ્યું. પોતાની પુત્રવધુ વિલાસ અને એક ત્રણ વરસનો એનો નાનો દીકરો શુભમ એની નજર સામે જ ઓશિયાળા થઇ ગયા!! એક ભર્યું ભાદર્યું કુટુંબ એક બુચમારને કારણે નંદવાઈ ગયું હતું.

રાકેશના અવસાન ના છ મહિના બાદ એક દિવસ રાતે રસીલાબેને વિલાસને કહ્યું.
“બેટા તું હજુ યુવાન છો!! વળી ભણેલ ગણેલ પણ છો!! હજુ લાંબી જીંદગી જીવવાની છે. હું ઇચ્છુ છું કે તું બીજું ઘર કરી લે. અમે તને છૂટ આપીએ છીએ. અમારી જિંદગી તો હવે રોળાઈ ગઈ. પણ તું અમારા કારણે શા માટે તારી જિંદગીનો ભોગ આપે છે બેટા!! અમે આ નાનકડા શુભમને સાચવી લઈશું!! અથવા તારે સાથે લઇ જેવો હોય તો પણ લઇ જઈ શકે છે!! દીકરીની જેમ તને વળાવીશું. અમે સામે ચાલીને તને કહીએ છીએને બેટા.. વિચાર કરી લે”
“ બા હું એટલું બધું નથી ભણી કે હું બીજા લગ્નનું વિચારી પણ શકું!! હું તો માંડ સાત ચોપડી ભણી છું બા!! વધારે તો મને કઈ ખબર ના પડે પણ એટલી ખબર પડે છે જે ઘરમાં મારા કંકુ પગલા થયાને એ જ ઘરમાંથી મારી અર્થી ઉઠશે બા!! હું તમને ભારે નહિ પડું!! હું રાકેશના આ અંશ શુભમને સાચવીશ બા!! મને અહીંથી ના કાઢો બા!! આ ઘરથી હું ક્યારેય જુદી નહિ થાવ” વિલાસ વહુની આ વાત સાંભળીને રસીલાબેન એને બાથ ભરીને ક્યાય રડતા રહ્યા!! ચંપકલાલને પણ પુત્રવધુની વાત સાંભળીને ગળે ડૂમો બાધી ગયો.

વિલાસે આ ઘરમાં રોકાવાનો નિર્ણય કર્યા પછી ચંપકલાલ અને રસીલાબેને એક વાત પકડી લીધી કે.. ભલે હવે દી રાત કાળી મજુરી કરવી પડે પણ આ વીસ વીઘા જમીન કે જેની પર બેન્કની જીનની લોન છે એ જાવા તો નથી જ દેવી!! સગા સંબંધીઓ પાસેથી કરગરીને પણ પૈસા ભેગા કરવા છે અને બેંકમાં ભરવા છે.. ભલે દસ વરહ જતા રહે પણ જમીન જપ્ત થાય એમ નથી કરવું!!

Image Source

બેંક વાળાનું દબાણ વધતું જતું હતું. મોટા દીકરા પંકજને બે ત્રણ વાર કહ્યું પણ એની પાસે તો એક જ બહાનું હતું.
“સુરતમાં મંદી હાલે છે.. જીએસટીએ દાટ વાળ્યો છે.. નોટબંધીને કારણે કોઈની પાસે નાણું રહ્યું નથી.. અહિયાં હું મારું માંડ માંડ પૂરું કરું છું ત્યાં પારકાનું કલ્યાણ હું ક્યાંથી કરું??” સગો બાપ અને સગા ભાઈના પત્ની એને માટે હવે પારકા જ હતા. અને આમેય ચંપકલાલને એના પર બરાબરની ખીજ ચડી હતી પણ એ લાચાર હતા. જયારે રાકેશની અંતિમયાત્રા નીકળી ત્યારે પંકજ સુરતથી આવ્યો હતો. સ્મશાને હજુ રાકેશની ચિતા સળગતી હતી ત્યારે ગામના લોકો સાથે એ બેઠો બેઠો ફિલોસોફી હાંકતો હતો!! જેનો સગો ભાઈ અવસાન પામ્યો હતો અને મોઢા પર એક પણ દુઃખની રેખા નહોતી અને વળી બધાને એ કહેતો હતો!

“ આવા આંધળૂકિયા ધંધા કરે એના આવા જ હાલ થાય.. એ તો કમોતે જાય પણ પાછળ બીજાને પણ બરબાદ કરતા જાય.. બધાયને તાત્કાલિક પૈસાવાળા થઇ જાવું છે.. આ તો સારું થયું કે મેં મારી જમીન અગાઉ જ વેચી નાંખી બાકી અત્યાર સુધી અમારે ભેગું હોત ને તો મારી ય જમીન જાતને!!?? મારી પાસે ટેલેન્ટ છે એટલે હું બે પૈસા કમાયો છું.. મારું જોઇને એ પણ ધંધાને રવાડે ચડ્યો છે!! જોઈ લીધાને પરિણામ!! હવે બેંક વાળા કોઈ દી ના મુકે!! એ તો જમીનની હરરાજી કરાવીને પણ એના પૈસા કઢવી લે!! ગામવાળાને પણ હું ક્યાં સારો લાગતો હતો જયારે હું મારો ભાગ લઈને ગયોને ત્યારે!! પણ અત્યારે હવે ખબર પડીને કે ટેલેન્ટ કોનામાં છે??” પંકજ ઉપર ગામલોકોને જે થોડું ઘણું માન હતું એ પણ જતું રહ્યું. એક જણ તો આઘો ઉભો ઉભો બોલ્યો પણ ખરો!!

“ આખા ગામમાં અરેરાટી થઇ છે રાકેશના અવસાનથી અને એનો સગો મોટોભાઈ એની પોતાની ટેલેન્ટનો દીકરો થાય છે!! આ નક્કી ઓલ્યા અવતારનો વેરી હોવો જોઈએ વેરી”
સગા સબંધીઓ અને ગામમાંથી થોડા ઘણા ઉછીના રૂપિયા લઈને બેન્કના ચડત હપ્તા ભર્યા. પણ રકમ જ એવડી મોટી હતી કે ચંપકલાલ તાગી શકે એમ જ નહોતા અને હવે તો જીન પણ ક્યાં હતું?? એટલે બેન્કવાળા જમીનની હરરાજી કરીને પણ પોતાની રકમ વસુલ કરવા માટે તત્પર હતા અને એ માટે એણે છેલ્લી છ માસની મુદત પણ આપી હતી. ત્રણ દિવસ પછીએ છેલ્લી મુદત પણ પૂરી થવાની હતી!! રસીલાબેન અને ચંપકલાલ એટલા માટે જ સુરત આવ્યા હતા કે દીકરા પાસે ઘણા પૈસા છે!! એવું લાગે તો પંકજને કહેવાનું છે કે ભાઈ સાહેબ આ જમીન તું લઇ લે!! અને એ પૈસાની મદદથી બેન્કનું લેણું ભરી દે!! અથવા તો તારા ભાભી સામું અને છોકરાની સામું જો!! પણ આમાંથી બાર્ય કાઢ અમને!!!
છેલ્લી કારી પણ નિષ્ફળ ગઈ!! રસીલાબેને અને ચંપકલાલે પોતાના મોટા દીકરાની આગળ પાલવ પાથર્યો!!
“ જે અમારી ભૂલ હોય એ બેટા માફ કરી દે!! તારા વગર અમારો કોઈ ઉદ્ધાર નથી. બેન્કનું લેણું ભરી દે!! તારી પાસે ઘણા રૂપિયા છે બેટા!! ભાઈઓને કામ ન આવે એ રૂપિયા શું કામના બેટા?? અમે એવું તે શું કર્યું કે આવો ખાર અમારી પર રાખે છો!! શુભમ મોટો થઇ જાય પછી એ ક્યાંક ધંધો કરશે ને તારા બધા પૈસા એ વાળી દેશે.. જો જમીન હશે ને તો અમે તો સુકો રોટલો પણ ખાઈ લઈશું. જમીનની બધી કમાણી તને મોકલીશું બેટા!! પણ અમારી સામું જો બેટા”

“ ગામડાની જમીનમાં રોકાણ કરું એવો ગાંડો તો હું નથી.. હું પણ વ્યાજ ભરું છું.. મેં કોઈ એવો કરાર પણ નથી કર્યો કે નાનો દેવાળું ફૂંકે કે રકમ તોડે તો મારે ભરવી.. હું શું કામ ભરું?? હું તો જુદો થઇ ગયો છું.. તમે અહિયાં આવીને સોસાયટીમાં મને ભૂંડો લગાડો છો?? બસ આ જ બાકી હતું ને?? એક તો રાકેશના બેવકૂફી જેવા પગલાને કારણે આ સોસાયટીમાં દરેક જણ મને પૂછે છે કે એણે આવું કેમ કર્યું??? હું બધાને જવાબ દેતા દેતા થાકી ગયો છું.. એટલે આ બધી રોકકળ છોડો. વાસ્તવિકતા સ્વીકારી લો!! સહુના નસીબમાં હોય એટલું જ મળે છે!! વધારે પૈસાના રહુડીયા થાવા જઈએને તો આવા દિવસો પણ આવે!! હવે બધા ભોગવો ભેગા થઈને” ચંપકલાલ અને રસીલાબેન ત્યાં જમ્યા પણ નહિ. બીજા એક સંબંધી પાસે એકાદ લાખનો મેળ થયો હતો એ રકમ પણ ના લીધી. અને સંબંધીને કહ્યું.
“ તમારી મદદ માટે આભાર પણ એક લાખે કશું નહિ થાય.. મોટાએ જો મદદ કરી હોત તો થઇ રહેત.. હવે જમીન નસીબમાં નથી જ તો ભલેને એની જપ્ત થઇ જાય.. ગામની જમીનમાં ભાગીયા રાખીને મજુરી કરી ખાશું.” અને સાંજની બસમાં જ એ નીકળી જવાના હતા અને એટલે જે એ અત્યારે વરાછાના ઢાળે આવી ગયા હતા. નવ વાગ્યે દેશમાં જવાની બસ આવવાની હતી.

અચાનક જ એક મોટી ગાડી એમની પાસે આવીને ઉભી રહી. એમાંથી એક ફૂટડો યુવાન ઉતર્યો. એ યુવાન સીધો જ આવીને ચંપકલાલ અને રસીલાબેન પાસે ઉભો રહ્યો. થોડીવાર એણે બનેને નીરખીને જોયા અને પછીએ ફૂટડો યુવાન બોલ્યો.
“ ચંપકમામા અને રસુમામી!! તમે મને ઓળખ્યો??” યુવાનનો ચહેરો જાણીતો લાગ્યો પણ ઓળખાણ થતી નહોતી. ચંપકલાલ અને રસીલાબેન વિમાસણમાં આંખો ચોળતાં ઉભા રહ્યા. યુવકને ખાતરી થઇ જ ગઈ કે આ એના મામા અને મામી જ છે એટલે એ તરત જ બનેને પગે લાગ્યો અને બોલ્યો.
“ મામા હું ગૌતમ!! શારદાનો ગૌતમ!! ના ઓળખ્યો મને મામા??” અને ફટાક દઈને રસીલાબેનના મોઢા પર સ્મિત આવી ગયું અને બોલ્યાં.
“અરે બેટા તું કેવડો મોટો થઇ ગયો નહિ?? કેટલા વરસો થઇ ગયા!! તારો આખો અણસાર પણ ભુલાઈ ગયો છે.. કેમ છે બેટા મજામાં??” કહીને રસીલાબેને ગૌતમને બાથમાં લીધો.

“ હા રસુમામી ઘણા વરસો જતા રહ્યા પણ તમને અને મામાને કેમ ભૂલી શકું.. પહેલી નજરે જ તમને જોયા અને ઓળખી ગયો કે છે તો ચંપકમામા અને રસીલામામી જ!! ચાલો મામા બે દિવસ હવે રોકાઈને જ જવાનું છે.. ના ન પાડતા હો.. ઘણા વરસે તમને મળાયું.” ગૌતમના શબ્દો અંદરથી નીકળતા હતા. જયારે શબ્દો અંદરથી નીકળેને ત્યારે એની લાગણીને કોઈ અવગણી ના શકે. રસીલાબેન અને ચંપકલાલ બહાના બતાવતા રહ્યા પણ ગૌતમ તો એને કારમાં બેસાડીને પોતાને ઘેર લઇ જ ગયો!!.
વેસુ બાજુની એક ભવ્ય સોસાયટીમાં ગૌતમનું મકાન હતું. પોતાની પત્ની નિષ્ઠા સાથે મામા અને મામીને ઓળખાણ કરાવી. ચંપકલાલ અને રસીલાબેન આવી મહેમાનગતિથી ગદગદિત થઇ ગયા. બોલવા માટે કોઈ શબ્દ સુજતા નહોતા. સાંજના ભોજનની તૈયારી થવા લાગી. ચંપકલાલ ગૌતમની પાસે જઈને બોલ્યાં.
“જમવાનું સાદું જ બનાવજે. મીઠાઈ અમે નહિ ખાઈ શકીએ. તને કદાચ કોઈ ખ્યાલ નહિ હોય” કહીને ચંપકલાલે ગૌતમને રાકેશની બધી વાત કરી. ગૌતમની આંખમાંથી આંસુ સરી પડ્યા. સાથે સહુ જમ્યા. એક અલગ રૂમમાં ચંપકલાલ અને ગૌતમ બેઠાં!! ચંપકલાલને ભૂતકાળ યાદ આવી ગયો. એ કાળ યાદ આવી ગયો જયારે ગૌતમ ફક્ત પાંચ વરસનો હતો!! એક એક દિવસ એની નજર સામે તરવરતો હતો!!

ચંપકલાલની બાજુમાં જ મધુ હરજીનું કુટુંબ રહે. મધુને એક બહેન હતી શારદા.. બાજુના જ ગામમાં શારદાને પરણાવેલી. ગૌતમના જન્મના પાંચ જ વરસ થયા હશે ને શારદાને સાપ કરડેલો અને એ અવસાન પામેલી. શારદાના પતિ વિનુએ એકાદ વરસ પછી બીજા લગ્ન કરેલા અને ગૌતમને એના મામાને ઘરે મૂકી ગયેલા। ગૌતમ બધાને મામા કહેતો. સવારે મધુ અને એની પત્ની શીવું ખેતરે જાય ત્યારે ગૌતમને ચંપકલાલને ત્યાં મૂકી આવે.. ગૌતમને ડેલીમાં આવતો જુએ કે તરત રસીલાબેન બોલી ઉઠે!!

“આવ્ય ભાણા આવ્ય!!!” અને ગૌતમ પણ બોલે કાલી ઘેલી ભાષામાં જાણે મામીના ચાળા પાડતો હોય એમ
“આવ્ય ભાણા આવ્ય!!”
ચંપકલાલ અને રસીલા ગૌતમને સારી રીતે સાચવે। થોડા સમય પછી મધુને ત્યાં સંતાનો થયા. અને સાથોસાથ ચંપકલાલને ત્યાં.. પણ ફેર એટલો કે મધુને ત્યાં ગૌતમ હવે માથાનો દુઃખાવો બનવા લાગ્યો.. મધુની પત્ની શીવુંને હવે ગૌતમ ગમતો નહોતો. જેવો ગૌતમ વાંકમાં આવે કે તરત જ એને ઢોરમાર મારવામાં આવતો. ચંપકલાલ અને રસીલાબેન એને વારતા અને કહેતા.
“ ભાણીયાને નો મરાય!! મોટું પાપ લાગે!! સો બ્રાહ્મણને જમાડવાનું જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય એક ભાણિયાને જમાડવાથી મળે. એટલે જ કહેવાયું છેને કે સો બ્રાહ્મણ બરાબર એક ભાણો!! જો એના નિહાકા લાગી ગયા તો કોઠીએ ન રહે દાણો!!”
આમને આમ ગૌતમ મોટો થવા લાગ્યો. મધુ ઘરમાં હાજર હોય તો ગૌતમને કાઈ વાંધો ન આવે પણ જેવો મધુ વાડીયે જાય કે ગૌતમ પર ત્રાસ શરુ!! આમને આમ ગૌતમ સાત ધોરણ સુધી તો ભણ્યો. ખાવામાં પણ વારા તારા થવા લાગ્યા. પણ રસીલા એનું નામ એ ગૌતમને બોલાવી લે પોતાના ઘરે અને બરાબર જમાડી દે!!

આખા દિવસમાં એ બે થી ત્રણ વાર શીવુંના ઘરે આવીને કહે!!
“ગૌતમ હાલ્ય તો મારા ઘરે બજારમાંથી વસ્તુ લાવવી છે”. વસ્તુનું તો બહાનું હોય પણ એના બહાનેએ ગૌતમને પોતાના રસોડામાં બેસારીને ઘી ગોળ અને રોટલી પરાણે ખવડાવી દે. આમને આમ ગૌતમે દસ સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને સારા ટકા આવ્યા એટલે ગામના જ એક સાહેબ એને અમદાવાદ હોસ્ટેલમાં મૂકી આવ્યાં। બસ પછી તો ગૌતમની ભણવાની વ્યવસ્થા અમદાવાદ રહેતા એક સજ્જને ઉપાડી લીધી છે. અને એમાં મધુભાઈનું અવસાન થઇ ગયું. અને ગૌતમનો ગામડા સાથેનો વ્યવહાર કપાઈ ગયો. પછી તો ઉડતા ઉડતા સમાચાર પણ આવતા કે ગૌતમ આઈ ટીનું ભણવા બેંગ્લોર ગયો છે. ત્યાં એક છોકરીને પરણ્યો છે!! બીજા કોઈ સમાચાર નહોતા!! આટલા વરસે ચંપકલાલ અને રસીલાબેનને ગૌતમ મળ્યો!!

બીજા દિવસે ગૌતમ અને નિષ્ઠા આખો દિવસ તેની સાથે રોકાયા. પોતે એક કાપડની ફેકટરીનો માલિક હતો. ગૌતમના સસરાએ એને ફેકટરી કરી દીધી હતી. વાત વાતમાં ગૌતમ રસીલાબેનને કહેતો!!
“મામા અને મામી તમે મને કેવો સાચવ્યો નહિ!! મને આજે પણ એ બધું યાદ છે!! તમે મને કહેતા જ્યારે હું વાંચતો હોવ ત્યારે!! ઘોળ્યું આ વાંચવાનું મૂક્ય પડતું અને પેટ ભરીને ખાઈ લે!! બટા તું દુબળો પડતો જા છો!!” ગૌતમની આંખોમાં એક આદરભાવ ડોકાતો હતો!!
ત્રીજા દિવસે બપોરે ગૌતમ બોલ્યો.
“ મામા આ તમારી ટીકીટો આવી ગઈ છે.. આજ સાંજે હું અને નિષ્ઠા તમને મુકવા આવીશ. અને મહિના પછી એક ટૂંકું વેકેશન પડશે અમારે ત્યારે હું નિષ્ઠા સાથે આવીશ. નિષ્ઠાના પગ ભારે છે. મામી હું ઈચ્છું છું કે નિષ્ઠાની ડીલીવરી તમારે હાથે થાય. મારું બાળક જયારે આ દુનિયામાં આવે ત્યારે એને તમારે જ કહેવાનું છે” આવ્ય ભાણા આવ્ય!!” બાળકને નાનપણમાં મીઠો આવકારો મળે તો એનું બાળપણ સલામત છે. પછી દુનિયાની કોઈ તકલીફ એને હાની ન પહોંચાડી શકે” રસીલાબેન અને ચંપકલાલ એને અહોભાવથી સાંભળતા રહ્યા થોડી વાર પછી નિષ્ઠા બોલી.
“ એ ખુબજ સંવેદનશીલ છે. તમારી અને રાકેશની વાત સાંભળી એ રાતે ખુબ રોયા છે. રાતોરાત એણે અહીના બેન્કના મેનેજર જે એના મિત્ર છે એને કામ સોંપ્યું. કાલે દિવસ દરમ્યાન ત્યાની બેંકમાં તમારે જે રકમ ભરવાની છે એની વિગત તમારો એકાઉન્ટ નંબર મેળવીને તમામ રકમ કાલને કાલ ચૂકવી દીધી છે. એ બહુ લઘુતાગ્રંથીથી પીડાતા હતા. એને મનમાં અફસોસ રહી ગયો છે કે તમને એક વરસ પહેલા મળી લીધું હોત તો આવા દિવસો ના હોત!! રાકેશ પણ જીવતો હોત!! પણ તમને નહિ ખ્યાલ હોય મધુમામા અવસાન પામ્યા ત્યારે ગૌતમે ફોન દ્વારા સમાચાર પૂછ્યા હતા. પણ મામીએ ફોન પર એવું કૈંક કડવું કીધું કે ફરીથી મામાના ગામમાં ક્યારેય નથી જવું એવો એણે આવેશમાં આવીને નિર્ણય લીધો. એટલે અત્યાર સુધી એ તમને પણ મળવા નથી આવ્યા!! પણ હવે આવીશું!! મામા અને મામી હવે આ બધી જવાબદારી અમારી છે. વિલાસ અને શુભમની જવાબદારી પણ અમારી છે. તમારી વીસ વીઘા જમીનમાંથી એક ઇંચ પણ જમીન ઓછી નહિ થાય!!” નીષ્ઠાએ વાત પૂરી કરી અને ચંપકલાલ ગૌતમને ભેટી પડ્યા અને ગળગળા થઈને બોલ્યાં.

“ ભાણા તે મને બચાવી લીધો છે!! તે મારા માટે આટલું બધું કર્યું છે કે હું એનો બદલો ક્યારેય નહીં વાળી શકું!! અને ગૌતમ બોલ્યો.
“ મેં કશુય નથી કર્યુ. બાસ જયારે સાંજે હું ભૂખ્યો રહેતો અને રસુમામી મને ઘરે બોલાવીને ગરમાગરમ રોટલીના ઘી અને ખાંડ નાંખેલા બે પપુડા પરાણે ખવરાવી દેતા અને પછી મને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવતા એ ઉપકારની આગળ આ તો કશુય ન કહેવાય મામા!! કશુય ન કહેવાય!!
અને એ સાંજે ચંપકલાલ અને રસીલાબેન બસમાં બેઠાં. સુરત આવ્યા ત્યારે એ ઉચાટમાં હતા. અત્યારે આનંદમાં હતા. એમના માથેથી સંકટ ટળી ગયું હતું. બસ ચાલી અને ચંપકલાલ બોલ્યા.
“ દાનવીર કર્ણની ભૂમિનો આ પ્રતાપ છે. મને વરસો પહેલા એક સાધુએ કહ્યું કે સુરતમાં તમે સાચી લાગણીથી જશો તો તમારા મનની ઈચ્છા ફળીભૂત થઇ જ જાય. ગૌતમને કારણે આજે આપણી ઈચ્છા પૂરી થઇ બસ ભગવાન ગૌતમને સો વરસનો કરે!! ખુબ ખુબ સુખી રાખે ભાણાને”
અને મહિના પછી ગૌતમ અને નિષ્ઠાની કાર ચંપકલાલ ના ડેલા પાસે ઉભી રહી!! રસીલાબેન ડેલા આગળ જ ઉભા હતા અને બોલ્યાં!!
“આવ્ય ભાણા આવ્ય!!”

લેખક:  મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, તા .:- ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks