ખબર

સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર, 9 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યાના 12 કલાકમાં જ થયુ મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગઇકાલના રોજ ગુજરાતમાં 9941 કેસ નોંધાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કોરોનાના 34 કેસ નોંધાયા હતા જ્યારે મૂળીના ખંપાળિયા ગામના 9 વર્ષના બાળકનું કોરોનાનો પૉઝિટિવ રીપોર્ટ આવ્યાના માત્ર 12 કલાકમાં જ મોત થયું હતું. જિલ્લામાં 144 દિવસ પછી કોરોનાથી મોત થયુ છે. આ અગાઉ 14 મે 2021ના રોજ 1 દર્દીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે બુધવારે કુલ 34 કેસ નોંધાતાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 157 પર પહોંચી ગયો છે. બુધવારે પણ વઢવાણમાં સૌથી વધુ 19 કેસ નોંધાયા હતા.

સુરેન્દ્રનગરના મૂળીના ખંપાળિયા ગામે રહેતા વનરાજભાઈ ધીરૂભાઈ જેબલિયાનો પુત્ર કે જે ધોરણ 4માં અભ્યાસ કરે છે તે સત્યરાજને લગભગ ચારેક દિવસ પહેલા માથાનો દુખાવો થતાં સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. 3 દિવસની સારવાર બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રીપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યારે રીપોર્ટ પોઝિટિવ આવ્યાના 12 કલાકમાં જ સત્યરાજનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે મૃતકના મામા અનુસાર તેનું મગજનું ઓપરેશન કરવાનું હતું, તેના માટે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ઓપરેશન થિયેટરમાં લઈ જાય તે પહેલાં રીપોર્ટ પૉઝિટિવ આવતાં ઓપરેશન થિયેટરના બદલે અન્ય વોર્ડમાં લઈ જવાયો હતો. જ્યાં 12 કલાકમાં જ તેનું મોત થઇ ગયુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, કોરોનાથી જો કોઇનું મોત થાય છે તો આરોગ્ય ટીમ પીપીઇ કિટ સહિતની કાળજી રાખી અંતિમવિધિ કરવાનો આદેશ આપે છે છતાં સત્યરાજની અંતિમવિધિ સમયે ખંપાળિયામાં આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી જોવા મળ્યો નહોતો, જેથી પરિવારજનોએ નોર્મલ રીતે અંતિમ વિધિ કરવી પડી હતી.