કૌશલ બારડ લેખકની કલમે

9 વર્ષથી આ ગામનું શિવલીંગ તરસે છે અભિષેક માટે! એવો ભયાનક હાદસો બનેલો કે ગામ લોકો જાણે બધું ભુલી ગયાં! વાંચો આ મંદિર વિશે

હવે તો શિવભક્તિનો મહિમા પૂરજોશમાં છે. એકબાજુ પર્વ પણ આવી રહ્યાં છે અને લોકોમાં ઘણો ઉત્સાહ છે. શ્રાવણ માસમાં લોકો શિવમંદિરે શિવલીંગ પર ગંગાજળ ચડાવી રહ્યાં છે. પ્રતિદિન ભગવાન શિવની ધામધૂમથી આરાધના કરવામાં આવે છે. જનજનમાં શિવમાનસ છવાયું છે.

આજે એ જાણીને તમને આશ્વર્યની સાથે દુ:ખ પણ થશે કે, દેશની રાજધાની પાસે એક ગામ એવું પણ છે જ્યાનું શિવલીંગ આજે નવ-નવ વર્ષથી સુનું છે. હાં, લગાતાર નવ વર્ષથી શિવલીંગ પર નથી તો દૂધ કે ગંગાજળનું ટીપુંયે ચડ્યું કે ના તો કોઇ પૂજા કરવામાં આવી છે! લોકો જાણે શિવજીની પૂજા કરવાનું જ વિસરી ગયાં છે. શ્રાવણ માસમાં દેશના ખૂણે-ખૂણે રહેલાં શિવમંદિરમાં ઉત્સવ છવાયેલો છે ત્યારે આ મંદિર આટલું સુનું કેમ છે? શું થયું છે અહીં? ગ્રામલોકો કેમ અહીં ફરકતા પણ નથી? કોઇની મતિ તો નથી મારી ગઈ ને?

શ્રાવણ મહિનો આવતા જ ચોતરફ માતમ પ્રસરી જાય છે! –

વાત છે ગુરુગ્રામ પાસે આવેલાં હરિયાણાના બાઘનકી ગામની. ગામમાં પાછલાં નવ વર્ષથી કોઇ ઉત્સવ નથી મનાવાયો. માનો અહીં શ્રાવણ મહિનો આવતા જ શોક છવાય જાય છે. હવે કોઇ બાઇ શ્રાવણ વ્રતો નથી રાખતી કે નથી કોઇ પૂજા કરતી! ભગવા રંગના કાવડીયાઓના ટોળાં પ્રત્યે ગામલોકો એવી રીતે જુએ છે જાણે એ કાળ જ હોય!

૯ વર્ષ પહેલાં થયેલો એક હાદસો –

૨ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ગામમાં કંઇક એવું બનેલું જેનું પરીણામ આજે પણ ગામમાં છવાયેલા માતમથી જોઇ શકાય છે. એ વખતે પણ શ્રાવણ મહિનો જ હતો. આ દિવસ પહેલાં અહીઁ સામાન્ય જેમ જ શિવની પૂજા થતી હતી, ઉત્સવ મનાવાતા હતા. પણ એ દિવસે બનેલી બીનાએ બધાની જાણે મતિ ફેરવી નાખી.

વાત જાણે એમ બની કે, ગામમાંથી ૨૪ જણા કાવડયાત્રા માટે રવાના થયાં. એમાંથી ૨૨ નવજવાન હતા. ભગવા રંગે અને શિવભક્તિનો મહિમા ગાતી ટોળી આગળ ચાલી. ગુપ્તકાશી પાસે પહોંચી. એ વખતે જ કંઈક એવું બન્યું કે ગામના દસેક પરીવારોના દિપક હંમેશ માટે બુઝાઇ ગયા! ભયાનક સડક એક્સિડેન્ટ થયું અને ૨૨ જણાના કરૂણ મોત નિપજ્યાં. હાં, એ દિવસે ગામના બાવીસ જણ એકહારે યમલોક સિધાવ્યાં. ગામમાં ટાંચણી પડે તો ખણક દેતોક અવાજ આવે એવી ગંભીર માતમી છવાઇ ગઇ. રાંધેલા ધાન કોઇએ મોઁઢે ન માંડ્યાં.

એ દિવસથી જાણે ગામ, ગામ નહી પણ સ્મશાન બની ગયું. વેરાન શાંતિ વ્યાપી ગઇ એમ જ કહોને. ઘણા તો પોતાની જન્મભૂમિ છોડીને ચાલી ગયા. મંદિર ઉજ્જડ બની ગયું. આજે પણ અહીં ઝારાં-ઝાંખરા છવાયેલા છે, મંદિરનું શિવલીંગ લાગલગાટ નવ વર્ષથી અભિષેક માટે તલસી રહેલ છે. કહેવાય છે કે, હવે અહીઁ સાફસૂફી કરીને ફરીવાર શિવપૂજાનો આરંભ કરવાની વિચારણા થઇ રહી છે.

એ હતાત્માઓને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

લેખક: કૌશલ બારડ GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.