સફળ થવા માટે શું જરૂરી હોય છે? ભણતર! ભણતર સૌપ્રથમ જરૂરી છે. પછી એ ભણતર શાળાકીય હોય કે જ્યાં-ત્યાં ભાટકીને મેળવેલું કોઠાસૂઝીયું જ્ઞાન હોય, પણ જરૂરી ‘ભણતર’ છે. કોઈ પણ ક્ષેત્રે લગન લાગે એટલે ભણતર આપોઆપ આવે. આજે વાત કરવી છે એક અનોખા માણસની, જેણે શાળાકીય ભણતર તો માત્ર સાત ધોરણ સુધી લીધું પણ પછી કંઈક એવું કર્યું કે આજે તેના નામ આગળ ‘પદ્મશ્રી’ જેવો અભિભૂતકારી શબ્દ લાગે છે!
વાત છે ઉત્તરપ્રદેશની પાસેના મલીહાબાદની એક પાંચ એકરની નર્સરીના માલિકની: ‘મેંગોમેન’ હાજી કલીમુલ્લા ખાનની! જેણે એક જ આંબાના ઝાડ ઉપર 300 પ્રકારની કેરીઓ પકવીને જે રેકોર્ડ સર્જ્યો છે એ દુનિયા આખીના કૃષિનિષ્ણાતોને ‘ભૂ’ પીવડાવે એવો છે.

- 7 ધોરણનું ભણતર અને કોઠાસૂઝનો પ્રતાપ —
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ પાસે મલીહાબાદમાં 75 વર્ષીય બુઝુર્ગ રહે છે. નામ છે હાજી કલીમુલ્લા ખાન. પોતાના પાંચ એકરના બગીચામાં તેણે કેરીઓની એવી-એવી ફળદ્રુપ નસ્લો ઊભી કરી છે, કે આજે તેઓ દુનિયાભરમાં ‘મેંગોમેન’ તરીકે જાણીતા છે. દુનિયાભરમાંથી લોકો તેમની નર્સરીની મુલાકાત લે છે.
હાજી કલીમુલ્લા ખાન એક સાધારણ સ્થિતીના પરિવારમાં જન્મયા અને ભણ્યા માત્ર સાત ધોરણ સુધી. ખેતરે આંબાનાં ઝાડવાં હતાં અને કલીમુલ્લા સાહેબની રુચિ તેમાં જ વધારે હતી. જેમતેમ ભણીને તેમણે એ જ દિશા પકડી લીધી, 1957થી.

ધીમે ધીમે તેઓએ કલમ વાળવાની પધ્ધતિમાં મહારથ હાંસલ કરી લીધી. બસ પછી તો તેમની લગની લાગી અને પરિણામ મળવા માંડ્યું. વિવિધ આંબાના ઝાડની કલમો વાળીને અખતરાઓ કર્યા. પરિણામે જે નવી કેરીઓની જાતિઓ બની તે એકદમ સ્વાદિષ્ટ અને દેખાવે મનમોહક લાગી. પછી તો આ ક્રમ આગળ વધતો જ ગયો. અનેક નવા અખતરાઓ થાય અને નવા જ પ્રકારની કેરીઓ તૈયાર થાય.
- કેરીઓના નામ પણ કેવાં? —
રોચક વાત એ છે કે, હાજી કલીમુલ્લા ખાને પોતાની જાતે નવી તૈયાર કરેલી કેરીઓને અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર, અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જેવા ખ્યાતનામ લોકોના નામ આપ્યા. એમની ‘નમો-કેરી’ ખાસ્સી ચર્ચિત રહી, તો લખનઉમાં યોજાયેલા એક પ્રદર્શનમાં ‘યોગી-કેરી’એ પણ લોકોમાં ખાસ્સું કુતૂહલ જન્માવ્યું હતું.

- સૌથી પ્રખ્યાત ‘દશહરી કેરી’ —
કેરીઓની વિવિધ જાતોમાંથી કેસર કેરી, હાફૂસ કેરી, લંગડા કેરી, દશહરી કેરી જેવી વિવિધ જાતો આપણે ત્યાં ખાસ્સી પ્રસિધ્ધ છે. લોકો કેરીને જોતાવેંત કહી દે કે આ હાફૂસ છે કે લંગડો! ઉત્તરપ્રદેશમાં દશહરી કેરી ખાસ્સી પ્રસિધ્ધ છે. અને કલીમુલ્લા ખાન પણ આ દશહરી કેરીના કારણે જ વધારે પ્રસિધ્ધ છે. તેમના પાંચ એકરના બાગમાં દશહરી કેરીઓનું પુષ્કળ ઉત્પાદન થાય છે.

- એક આંબો ને 300 પ્રકારની કેરીઓ! —
કલીમુલ્લા ખાનની નર્સરીમાં આવવાની લોકોની વધારે ઉત્સુકતા હોય તો એ એક આંબાનું ઝાડ જોવા માટે, જે છે તો એક જ પણ જૂજવે રૂપે 300 પ્રકારની કેરીઓ આપે છે! કલીમુલ્લા ખાનની આ કરામતથી સૌ કોઈ પ્રભાવિત થયા છે. આ કલમની કળાનો જ પ્રતાપ છે!
ઉલ્લેખનીય છે કે, હાજી કલીમુલ્લા ખાનને તેમના આ અવિસ્મરણીય પ્રદાન માટે રાષ્ટ્રપતિના હસ્તે ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ મળ્યો છે. ખેતર તરફ દુર્લક્ષ સેવી રહેલા આપણે આ બુઝૂર્ગ પાસેથી કંઈક શીખી શકીએ તો ઘણું છે!

- દશહરી કેરીની અનોખી દાસ્તાન —
અહીઁ એક છૂટક વાત કરી લઈએ વાત નીકળી જ છે તો. દશહરી કેરી વિશે એક રોચક વાત છે: દશહરી કેરીનું નામ ઉત્તરપ્રદેશના કાંકોરીની પાસે આવેલ દશહરી ગામનાં નામ ઉપરથી પડ્યું છે. (અંગ્રેજોના રાજમાં રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિવીરોએ જ્યાં ટ્રેન લૂંટી હતી એ જ કાંકોરી) આ દશહરી ગામમાં દશહરી કેરી આપતો એક જ આંબો હતો. આ આંબા પર અવધના નવાબનો અધિકાર હતો. આંબાના હંમેશા ઝેડ પ્લસ સિક્યુરિટી પ્રદાન કરાતી. કેરીની સિઝનમાં આખા આંબા પર જાળ નાખી દેવાતી, જેથી કોઈ કેરી ના તોડી શકે! રાજઘરાનાવાળા તહેવારોમાં સબંધીઓને દશહરી કેરીઓ મોકલાવતા તો એ પણ ગોટલામાં છેદ કરીને, જેથી કોઈ એ ગોટલામાંથી આ વિશિષ્ટ કેરી આપતો નવો જન્મદાતા ન તૈયાર કરી લે! પણ આખરે એક જણે બગીચાની સંભાળ રાખતા માલિકને ફોડી નાખ્યો ને એક ગોટલો લઈ લીધો. બસ, પછી તો દશહરી આખા દેશમાં ફેલાઈ ગઈ! ખાવાની વસ્તુ થોડી છૂપાવી રખાય!
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks