ખબર

સ્કંદમાતા (પાચમું નોરતું) : સંતાનસુખ સહિતની અનેક મનોકામનાઓ માટે આટલું કરો, વરસશે માતાજીની અક્ષય કૃપા!

નવરાત્રીના પાંચમા દિવસે અર્થાત્ પાંચમે નોરતે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાનું આ પાંચમું સ્વરૂપ છે. સિંહ પર આરૂઢ સ્કંદમાતા સુર્યલોકની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતાનું દેદિપ્યમાન સ્વરૂપ ભક્તનાં સર્વે દુ:ખ હરી લેવા માટે પ્રખ્યાત છે.

‘સ્કંદમાતા’ નામ શા માટે? —

‘સ્કંદ’નો અર્થ થાય છે : કાર્તિકેય. ભગવાન શિવ અને માઁ પાર્વતીના પુત્ર એટલે કાર્તિકેય. દેવોના સેનાપતિ તરીકે જેનું માન છે અને યુધ્ધમાં જે કોઈ પણ અસુરને ડામવાને સમર્થ છે એ ભગવાન કાર્તિકેયના માતા એટલે સ્કંદમાતા! માતા પાર્વતીનું જ આ રૂપ છે.

ખોળામાં તેડ્યા છે કાર્તિકેયને —

જગદંબાસ્વરૂપ સ્કંદમાતાને ચાર ભુજાઓ છે અને ખોળામાં બાળ કાર્તિકેયને તેડેલા છે. માતાએ એક હાથ તેમનાં શરીર ફરતો વીંટાળ્યો છે, બે હાથમાં કમળ શોભે છે અને એક હાથ વરદાન આપતી મુદ્રામાં છે. કમળ અને સિંહ – બંને માતાનાં વાહનો છે.

સંતાનપ્રાપ્તિ અને મોક્ષની દેવી —

સ્કંદમાતા વિશુધ્ધ ભાવે સ્મરણ કરતા ભક્તોને ધાર્યું વરદાન આપનારી છે. તેમની પૂજાથી સંતાનપ્રાપ્તિની ઇચ્છા પૂરી થાય છે. માતાજીની ભક્તિ કરવાથી ચિત્તની તમામ બાહ્યવૃત્તિઓનો નિષેધ થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાજીના પૂજન વખતે લાલ કપડાંમાં સૌભાગ્યના ચિહ્નો મૂકી, લાલ ફૂલ અને ચોખા સાથે માતાની પૂજા કરવાથી સંતાનપ્રાપ્તિનું સુખ મળે છે.

વિશુધ્ધ ચક્રમાં સ્થિર થતું મન —

માતાજીની પ્રાર્થના કરવાથી સાધકનું મન ‘વિશુધ્ધ ચક્ર’માં સ્થિત થાય છે. આ અવસ્થાએ તમામ બાહ્ય સૃષ્ટિ પ્રત્યેનું સંમોહન ઓછું થાય છે. કેવળ પરમ ચૈતન્યનો જ આભાસ સાધકને થવા લાગે છે. ચિત્તની શાંતિને અવરોધતી તમામ વૃત્તિઓનો પણ અહીં નાશ થાય છે. આ અવસ્થાએ સાધકે સાવધ રહીને અણીશુધ્ધ મનથી માતાજીની પ્રાર્થના કરવાની હોય છે. જેનાથી ભક્તની તમામ ઇચ્છાઓ માતાજી પૂર્ણ કરે છે.

‘તું હી એક, તું હી એક’ના ભાવ સાથે સ્કંદમાતાની પ્રાર્થના કરવામાં આવે તો સાધકનો બેડોપાર થાય છે. આ પદ્માસનવાળીને બેઠેલી દેવીનો વરદાનસૂચક મુદ્રામાં રહેલો હાથ એમના ભક્તોને માટે જ છે. મન શુધ્ધ રાખવાનું ફળ તો સ્કંદમાતા જ આપે!

મંત્રજાપ —

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |

शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||

સ્કંદમાતાનો બીજમંત્ર આ છે : “હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ: |”

સ્કંદમાતા કી જય!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App