ખબર

36 વર્ષના વરરાજા અને 52 વર્ષની કન્યાના અનોખા લગ્ન અમદાવાદમાં યોજાયા, પહેલી મુલાકાતમાં જ થયો મનમેળ

36 વર્ષના વરરાજાએ 52 વર્ષની કન્યા સાથે લગ્ન કરીને કહ્યું “મને આટલા વર્ષે સોનુ મળી ગયું.” અચૂક વાંચજો એકબીજાની ઉંમરના બદલે જોયા એક બીજાના દિલ

કહેવાય છે કે પ્રેમને ક્યારેય ઉંમરના બંધનો નડતા નથી. જોડીઓ પણ ઉપરથી બનીને આવે છે. ઘણી એવી પ્રેમ કહાનીઓ લગ્નમાં પરિણમે છે જેમાં ઉંમરનું અંતર પણ ભુલાઈ જાય છે. આવી જ એક હકીકત અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં 36 વર્ષના યુવકે 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે.

અનુબંધ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા આ અનોખા લગ્ન સંપન્ન થયા છે. 52 વર્ષીય મમતાબેન ભટ્ટના અગાઉ છૂટાછેડા થઇ ગયા છે. તેઓ જણાવે છે કે “મે 12 વર્ષ સુધી લગ્નજીવનમાં ફક્તને ફક્ત ત્રાસ જ સહન કર્યો છે, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે, મને સાચો જીવનસાથી મળી ગયો છે. અમે લોકો સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે, ઉંમર અને લાગણીને કોઈ લેવા દેવા નથી.”

તો આ તરફ જે 36 વર્ષીય યુવકે મમતાબેન સાથે લગ્ન કર્યા છે તે ભાવિનનું કહેવું છે કે, “આટલા વર્ષે પણ મને સોનુ મળ્યું હોય એવો અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એક સમાન છે. કોઈએ એ સાચું જ કહ્યું છે,

‘જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે’. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને સમજાવવા પડ્યા હતા.”

મમતાબેન છેલ્લા 20 વર્ષથી પોતાના 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે રહીને તેમની સેવા કરતા હતા. આ દરમિયાન જ અનુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા એક સેમિનારની અંદર તેમની મુલાકાત ભાવિન સાથે થાય અને બંનેને વિચારો મળતા એકબીજા સાથે જીવન વિતાવવાનું નક્કી કરી અને લગ્ન કરવાનો નિર્ણય લીધો.

તો લગ્ન બાદ મમતાબેનનું પણ કહેવું છે કે ભલે મારી ઉંમર વધારે હોય તે છતાં પણ હું ઈચ્છા રાખું છું કે અમારું પણ એક સંતાન આવે.