ખબર

Big News: ગુજરાતમાં કોરોના કાબુમાં ન આવતા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કોવિડ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે ડેથ કાઉન્ટ 6486 પર પહોંચી ગયો છે. કોવિડનો રિકવરી રેટ ઘટીને 74.93 ટકા છે. ત્યારે 7727 લોકોએ કોવિડને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે.

ગુજરાતની અંદર વક્રી રહેલા કોરોના સંક્રમણના કારણે રાજ્યના 20 શહેરોની અંદર રાત્રી કરફ્યુની સાથે કેટલીક પાબંધીઓ પણ સરકાર દ્વારા લગાવી દેવામાં આવી છે. ત્યારે હાલ ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે.

હાલ મળતી ખબર પ્રમાણે રાત્રી કર્ફયુંમા રાજયના બીજા નવ શહેરોનો વધારો કરવામા આવ્યો છે. હવેથી રાજયના 29 શહેરમાં રાત્રી આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.આ તમામ નિયંત્રણો 28 એપ્રિલથી 5 મે સુધી અમલી રહેશે. જેમાં સિનેમા હોલ, ઓડિટોરીયમ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.

નવા ઉમેરાયેલા શહેરોમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.