મિત્ર સાથે ફરવા ગયેલી ગુજરાતની 17 વર્ષિય સગીરા સાથે નવી દિલ્લી રેલવે સ્ટેશન પાસે બે નરાધમે આચર્યુ દુષ્કર્મ, જામનગર એક્સપ્રેસ ટ્રેન રાત્રે પોણા દસ વાગે ચૂકી અને
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશન ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને હેડલાઇન્સમાં છે. આ વખતે તિલક બ્રિજ રેલ્વે ટ્રેક પાસે ઝાડીઓમાં 17 વર્ષની સગીર છોકરી પર બે લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, કેસની ફરિયાદ મળતાં પોલીસે એફઆઈઆર નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સેક્ટર 22, ફરીદાબાદ જવાહર કોલોનીના રહેવાસી હરદીપ નાગર અને આગ્રાના રહેવાસી રાહુલ તરીકે થઈ છે. ડીસીપી રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા થોડા દિવસો પહેલા તેના પરિવારના સભ્યો સાથે કોઈ કામ માટે ચંદીગઢ ગઈ હતી, જ્યાં તે 18થી25 જુલાઈ સુધી રોકાઈ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ત્યાં તેની મુલાકાત ગોંડા યુપીના રહેવાસી દીપક સાથે થઈ. તેણે દીપક સાથે તેના ગામ જવા માટે તેનું ઘર (ગુજરાત) છોડી દીધું અને 5 ઓગસ્ટના રોજ બંનેએ લખનઉ જતી ટ્રેન પકડી. બીજા દિવસે તે દીપક સાથે લખનઉ પહોંચી.અહીંથી બંને ટેક્સી કરીને ગામ ગયા. ત્યાં રોકાયા બાદ બંને 7મી ઓગસ્ટે બપોરે 2 વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા. બંનેને ગુજરાત જતી ટ્રેન પકડવાની હતી. તેમની જામનગર એક્સપ્રેસ ટ્રેન રાત્રે પોણા દસ વાગે ચૂકી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં દીપકે તેને સ્ટેશન પર છોડી દીધી હતી.
પીડિતાએ તેને રેલ્વે સ્ટેશન પરિસરમાં શોધવાનો ઘણો પ્રયાસ કર્યો. જ્યારે તે સેન્ટ્રલ ફૂટ ઓવર બ્રિજ પર હતી, ત્યારે તે પાણી વેચતા બે લોકો હરદીપ નાગર અને રાહુલને મળી. પીડિતાએ બંનેની મદદ માંગી. તેણે પીડિતાના ભાઈને મોબાઈલ પર વાત કરાવી. બંનેએ યુવતીને ટ્રેન પકડવામાં મદદ કરવાની વાત કરી હતી.આ પછી બંને અન્ય સ્ટેશન પર ટ્રેન પકડવાનું કહીને યુવતીને પોતાની સાથે લઈ ગયા હતા. બંનેએ બાળકીને તિલક બ્રિજ ટ્રેક પાસે ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેઓ તેને 8 ઓગસ્ટના રોજ વહેલી સવારે અજમેરી ગેટ તરફ લઈ આવ્યા હતા. આ દરમિયાન દીપક તેની સામે આવ્યો.
આરોપી હરદીપ અને રાહુલે દીપકને યુવતીને એકલી છોડી દેવાની ધમકી આપી હતી. તેમની વચ્ચે બોલાચાલી થતી જોઈને પેટ્રોલિંગ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પીડિતાની આખી વાત સાંભળ્યા બાદ પોલીસે તેની મેડિકલ તપાસ કરાવી. યુવતીના નિવેદનના આધારે, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આઈપીસીની કલમ 376 (ડી) અને 6 પોક્સો એક્ટ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે ગયા મહિને જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક યુવતી સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો હતો, જેમાં રેલવેના બે કર્મચારીઓ આરોપી હતા.