તું નાનો હું મોટો, એ જગતનો ખ્યાલ ખોટો Must Read by Shailesh Sagpariya

એક રાજા હતો. સતત પોતાની રૈયત માટે કંઇકને કંઇક સારું કરવાની શુભભાવના એના હૈયે વસેલી હતી. એને એક દિવસ વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ બગીચો બનાવવો છે. આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડ હોય કે જે બગીચાની મુલાકાત લેનારા કોઈપણ મુલાકાતી મનને આનંદથી તરબતર કરી દે. પોતાના આ વિચારને મૂર્તિમંત કરવા માટે રાજાએ કેટલાક નિષ્ણાત માણસો રોક્યા અને બગીચાનું કામ શરૂ કરાવ્યું.

બગીચાનું કામ શરૂ કરાવીને પછી રાજા તો પોતાના રોજબરોજના વહીવટી કામમાં પરોવાઈ ગયા. બગીચો તૈયાર થઇ ગયો અને બગીચાની મુલાકાત લેવા માટે રાજાને કહેવામાં આવ્યું પણ રાજા બીજા કેટલાક કામોમાં વ્યસ્ત હોવાથી બગીચાની મુલાકાત લય શક્યા નહીં.

થોડા વર્ષો પછી એકવાર રાજાને રોજબરોજના કામમાંથી ફુરસદ મળતા તેઓ આ બગીચાની મુલાકાતે આવ્યા. એમણે આવીને જોયુ તો બગીચાના તમામ વૃક્ષો અને ફૂલછોડ મુરઝાયેલા હતા. ફળોથી લથબથ ઝાડ પણ ઉદાસ હતા અને ફૂલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા. રાજાને એ નોહતું સમજાતું કે આ બગીચાના તમામ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય માવજત કરવા છતા આ વૃક્ષો અને છોડવાઓ મુરઝાયેલા કેમ છે ?

એણે સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પૂછ્યું તો સફરજનના વૃક્ષે કહ્યું, “અરે, મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારના વૃક્ષને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે એ કેટલું ઉચું છે. ભગવાને મને એના જેટલી ઉચાઈ કેમ નથી આપી?” સફરજનનું વૃક્ષ જેને નસીબદાર ગણતું હતું એ દેવદારના વૃક્ષે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું, “હું બહુ ઉચું છું પણ મને ફળ કેમ નથી આવતા? આ ફળ વગરના વૃક્ષની કિંમત તો સંતાન વગરના દંપતી જેવી કહેવાય ભગવાને મને નળીયેરીની જેમ ઉચયની સાથે ફળ પણ આપ્યા હોત તો કેવું સારું હતું !” નાળીયેરીએ પોતાના દુઃખની દાસ્તાન રજુ કરતા કહ્યું, “ભગવાને મારામાં ફળ મુક્યા પણ આટલે બધે ઉચે મુક્યા છે. ઘણીવખત તો માણસ મારા ફળોનો ઉપયોગ કરવાનું જ ટાળે છે. મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી ?”

રાજા આ બધાની ફરીયાદ સાંભળતા સંભાળતા આગળ વધ્યા. વૃક્ષોના જેવી જ ફરીયાદ ફૂલછોડની પણ હતી. પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફૂલછોડને પણ મુંઝવતી હતી. રાજા પોતાના સાવ નિસ્તેજ બગીચાને જોઈને ઉદાસ થઇ ગયા. અચાનક રાજાની નજર થોડે દૂર રહેલી એક વેલ પર પડી. વેલ એકદમ લીલીછમ અને તાજગીથી ચમકતી હતી. મુરઝાયેલા આખા બગીચાની વચ્ચે એક માત્ર આ વેલને તાજીમાજી જોઇને રાજાને ખુબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયા.

રાજાએ વેલને પૂછ્યું, “આ બગીચાના બધા જ વૃક્ષો અને ફૂલઝાડ મુરઝાયેલા છે પણ તુ આવી તાજીમાજી કેમ છે ?” વેલ રાજાની સામે જોઇને હસી પછી બોલી, “હું મારી સરખામણી બીજા કોઈ સાથે નથી કરતી. ફળોથી લથબથ વૃક્ષોને જોઇને કે ફૂલોથી લચી પડેલ છોડને જોઇને મને દુઃખ નથી થતું કે મારામાં ફળ કે ફૂલ કેમ નથી ? કારણ કે હું સમજુ છું કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્વને ધ્યાનમાં લઈને જ લાવવામાં આવી હશે. મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફૂલ આવવાના નથી અને છતાય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઈ જરૂર હશે જો મારી જરૂરના હોય તો પછી મને આ બગીચામાં લાવવામાં જ ન આવી હોત. બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહી લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકુ. આજે આપના ચહેરા પરનો આનંદ જોઇને મને પણ આનંદ છે કે હું મને લાવનારના ઉદેશને પૂર્ણ કરી શકી છું.”

જેમણે આ જગત રૂપી બગીચો બનાવ્યો છે એવા પરમાત્માએ આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે. દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતુ આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને અધુ હોવા છતાય સતત મુરઝાયા કરીએ છીએ. જગતની દરેક વ્યક્તિ સુખ ઈચ્છવા છતાં પણ તે મેળવી શકતી નથી અને મળે છે તો એ લાંબુ ટકતું નથી એનું કારણ સતત બીજા સાથે પોતાની જાતની સરખામણી કરવાની માણસની મનોવૃત્તિ છે. સંગીતના કાર્યક્રમમાં જેટલું મહત્વ હાર્મોનિયમ વગાડવાનું હોય છે એટલું જ મહત્વ મંજીરાવાળનું પણ હોય છે પણ મંજીરાવાળો હાર્મોનિયમવાળા સાથે પોતાની જાતની સરખામણી કરે તો એ પોતે પોતાની જાતને તો નુકસાન કરે જ છે સાથે સાથે સંગીતની મજા પણ બગડી જાય છે. કારણ કે પોતાની બીજા કરતા ઉતરતા ગણવાની ભાવનાની અસર એના કામ પર પણ થાય છે.

બીજાની સાથે પોતાની જાતને સરખાવવાનું બંધ કરીને આપણે જે છીએ એની મજા લઈએ.

લેખક :- શૈલેશ સગપરીયા

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!