પિતા અને પુત્રી વચ્ચેના વાત્સલ્યનો પવિત્ર સંબંધ.. વાંચીને પપ્પા અને દીકરી ની યાદ આવી જશે.

0

એક માતા અને એની દીકરી વચ્ચે સખીપણું અને તાદાત્મ્ય હોય એ સ્વાભાવિક ગણાય છે.આજની મારી પોસ્ટનો વિષય છે ,મા-દીકરીના નહીં પણ એક દીકરી અને એના પિતા વચ્ચેના ઊંડા પણ અદીઠ પ્રેમનો મહિમા રજુ કરવાનો.

કોઇપણ સ્ત્રી એના જીવન દરમ્યાન પુત્રી રૂપે,બહેન રૂપે ,પત્ની રૂપે કે માના રૂપે સંસારમાં છવાએલી રહેતી હોય છે.સ્ત્રી મા બને એટલે કોઈની દીકરી મટી જતી નથી.મા-બાપને મન દીકરી સદાય દીકરી જ રહેતી હોય છે.પિયરમાં ઘણા વર્ષો ગાળીને ,એક દીકરી પોતાનાં મા-બાપ,ભાઈ-બહેન ,સાહેલીયો અન્ય કુટુંબીજનોને મુકીને સાસરે આવીને કદી જાણ્યા ન હોય એવાં પારકાંને પોતાનાં કરીને નવું ઘર વસાવે છે એ એના માટે જેવો તેવો ત્યાગ ન કહેવાય.

એક પરિણીત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નિર્મળ નદી જેવી હોય છે. લગ્ન કરીને સાસરીયે સંચરતી દીકરી વિદાય વખતે રડતી આંખે પિતાને જ્યારે કહેતી હોય કે કે પપ્પા તમારું ધ્યાન રાખજો ,તમારી દવાઓ લેવાનું ભૂલતા નહીં,ત્યારે કઠણ કાળજાનો અને કડક સ્વભાવનો બાપ પણ દીકરીને ભેટીને ચોધાર આંસુએ રડી પડે છે.એ વખતે પિતાને ઊંડે ઊંડે આશંકા રહેતી હોય છે કે ખુબ જ લાડ કોડમાં ઉછરેલી મારી કાળજાની કોર જેવી દીકરી સાસરિયે દુખી તો નહીં થાય ને ?

કવિ કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં પુત્રી શકુંતલાને વિદાય કરતાં કણ્વ ઋષિ જેવા ત્યાગી પણ દુખી હૃદયે કહે છે :”સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુખ થતું હોય તો સંસારીઓને કેટલી થતું હશે !” એક દીકરી અને પિતા વચ્ચે કોઇપણ બદલાની આશા સિવાયનો નિસ્વાર્થ પ્રેમ હોય છે.

દીકરી પિતાના સ્વાસ્થ્ય અને સુખની ચિંતા કરતી હોય છે તો પિતા પણ દીકરી દુખી હોય તો એના માટે જીવ બાળતો હોય છે.દીકરી રડતી આંખે પિયરમાં પિતાને ત્યાં આવે ત્યારે પીતાનું હૃદય ઊંડો આંચકો અનુભવે છે.પિતા-પુત્રી એક બીજાના સુખ-દુઃખના સમાચાર દુર રહીને પણ પૂછતાં રહે છે.

દીકરી થોડા દિવસ પિયરમાં રહેવા માટે આવે ત્યારે માને તો આનંદ થાય એ સમજી શકાય પરંતુ પિતાને આવેલ દીકરીમાં ભૂતકાળમાં પોતાના હાથમાં રમાડેલ નાની બાળકીનાં જાણે કે દર્શન થતાં હોય છે ! કોઈ પણ વૃદ્ધ સ્ત્રીને ફલાણા ભાઈની દીકરી છે એમ કહીને કોઈ જ્યારે ઓળખ કરાવે ત્યારે એ વૃધ્ધા પણ જાણે કે ઉમરમાં જુવાન થઇ ગઈ હોય એમ રાજી રાજી થઇ જાય છે. દીકરી એ વૃદ્ધ પિતા માટે વાતનો વિસામો છે.

સંકલન- વિનોદ આર. પટેલ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here