જુવો વિડીયો – હનુમાનજી આ મંદિરમાં નારિયેળનાં ટુકડા કરી આપે છે ..

મભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પુનમના દિવસે થયો હતો. આ દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે. હનુમાનજીને કળયુગના અધિષ્ઠાતા દેવ તરીકે ગણવામાં આવે છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ રામના જન્મ પહેલા ભગવાન શંકરના અગિયારમાં રૂદ્રાવતાર તરીકે હનુમાનજીન જન્મ થયો હતો. રામભક્ત હનુમાનજીની પુજા અને તેમની ભક્તિ કરવાનો વાર મંગળવાર અને શનિવાર ગણાય છે. પણ આ વખતે હનુમાન જયંતિ મંગળવારે આવે છે. માટે આજે મંગળવારને હનુમાન જયંતિનું સવિશેષ મહત્વ વધી ગયું છે. અને આ દિવસે કરેલી ઉપાસના અનેક ગણું ફળ આપે છે.

આજે મંગળવાર ને હનુમાન જયંતિના પાવન દિવસે ઉપવાસ કરીને હનુમાનજીની પુજા આંકડાના ફૂલોની માળા, તેમ મિશ્રિત સિંદૂર અને ધૂપ- દીપ કરવા. ભારતભરમાં હનુમાનજીના મંદિરોમાં રૂદ્ર યજ્ઞ પણ થાય છે. સંકટ નિવારણ દેવ તરીકે હનુમાનજી ગણાય છે, જેથી તેમને સંકટમોચન પણ કહેવાય છે. કષ્ટભંજનદેવનું મંદિર ગુજરાતમાં સાળંગપુરમાં આવેલ છે, જે કોઈ વ્યકિત હનુમાનનો ભકત હોય તેને સંકટ સમયે હનુમાનજી સહાય કરે જ છે.
હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે.

કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે.

સાળંગપુરનો ઈતિહાસ

સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.

સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું.

Source: webdunia

બીજો વિડીયો

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!