દિવાળીના નાસ્તામાં બનાવો 5 પ્રકારની મઠરી, વધારશે ચા-કૉફીનો સ્વાદ – અહી ક્લિક કરી વાંચો

મસાલા મઠરી, કાજુ મઠરી, પડવાળી મઠરી, મઠરી અને સુવા અને તલની મઠરીની સરળ અને ઝટપટ રેસિપિ

મઠરી એટલે કે આપણી ગુજરાતી ભાષામાં સુંવાળી કે મસાલા પૂરી. આપણે ત્યાં મીઠું અને મરીવાળી મસાલેદાર પૂરી અથવા તો ગળી સુંવાળી મોટાભાગે દિવાળીના તહેવારમાં ખૂબ જ બનતી હોય છે. પણ જો તમને દરરોજ સવારે કે સાંજે ગરમાગરમ નાસ્તો બનાવવાનો ટાઈમ ન મળતો હોય તો મઠરી નાસ્તા માટેનો સારો વિકલ્પ છે. આજે અમે તમારા માટે મરી મસાલાથી ભરપૂર અવનવી મઠરીની રેસિપિ લઈને આવ્યાં છીએ. જે તમારી ચાને પણ મજેદાર બનાવશે સાથે-સાથે તમે નાસ્તા તરીકે બાળકોને ડબ્બામાં પણ આપી શકો છો. તો ચાલો નોંધી લો રેસિપિ અને કરો ટ્રાય.

નોંધી લો મસાલા મઠરી, કાજુ મઠરી, પડવાળી મઠરી, મઠરી અને સુવા અને તલની મઠરીની સરળ અને ઝટપટ રેસિપિ…

મસાલા મઠરી

સામગ્રી

કણક માટે – એક કપ મેંદો -બે ટીસ્પૂન ઘી -મીઠું સ્વાદ અનુસાર -તેલ તળવા માટે

પૂરણ માટે – પા કપ ચણાનો લોટ-અડધી ટીસ્પૂન જીરું -પા ટીસ્પૂન અજમો -એક ટીસ્પૂન લાલ મરચું પાઉડર -ત્રણ ટીસ્પૂન તેલ -મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌપ્રથમ મઠરીના પડ માટે લોટ, ગરમ કરેલું ઘી અને મીઠું લઇને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર મુજબનું પાણી ઉમેરીને થોડીક સોફ્ટ કણક બાંધી લો. બરાબર મસળી લો. હવે તેને એક સુતરાઉ કપડાંથી ઢાંકીને થોડીવાર માટે મૂકી દો. ત્યારબાદ પૂરણ બનાવવા માટે બધી જ સામગ્રીને મિક્સ કરી લો. તેને ધીમા તાપે શેકી લો. લાઈટ બ્રાઉન રંગનું મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી દો. પૂરણને ઠંડુ કર્યા બાદ તેને પાંચ ભાગમાં વહેંચો. હવે તૈયાર કરેલી કણકને પણ પાંચ ભાગમાં વહેંચો. એક લુઓ લઈને તેમાંથી પૂરી વળી લો. તેમાં તૈયાર કરેલું પૂરણ મૂકીને બંધ કરીને કચોરી જેવો આકાર આપો. હલકા હાથે દબાવીને મઠરી તૈયાર કરો. આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી મઠરીને તળી લો. બંને બાજુએ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળ્યા બાદ તેને બહાર કાઢી લો. પેપર નેપકિન પર કાઢીને મૂકો. તેલ શોષાય જાય એટલે તેને ગરમા-ગરમ ચટણી કે મસાલા ચા સાથે સર્વ કરો.

કાજુ મઠરી


સામગ્રી

-250 ગ્રામ મેંદો -100 ગ્રામ કાજુ -50 ગ્રામ ચણાનો લોટ -1 નાની ચમચી અજમો -1/2 ચમચી અધકચરા વાટેલાં મરી -1 મોટી ચમચી ઘી -મીઠું સ્વાદાનુસાર -હુંફાળું દૂધ મેંદો બાંધવા માટે -તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ કાજુને ઘી વગર શેકીને વાટી લો. મેંદામાં કાજુ, ચણાનો લોટ, મસાલો અને મોણ નાખીને દૂધથી કઠણ લોટ બાંધી લો. ભીનાં કપડાંથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખો. નાની નાની પુરી વણી લો અને કાંટા વડે ઉપર કાણાં પાડી લો. ઘી ગરમ કરી મઠરીઓને સોનેરી તળી લો. સ્વાદિષ્ટ કાજુ મઠરી તૈયાર છે.

પડવાળી મઠરી

સામગ્રી

-4 કપ મેંદો -2 મોટા ચમચા તેલ -1 નાની ચમચી મીઠું -1/2 ગ્લાસ ઠંડુ દૂધ -1/2 ચમચી કાળા મરીનો પાઉડર -1 નાની ચમચી ચાટ મસાલો -2 મોટા ચમચા તલ -2 ચમચી ખસખસ -તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ મીઠું અને મેદો મિક્સ કરી લો. તેમાં તેલનું મોણ નાખી ઠંડા દૂધથી લોટ બાંધી લો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દો. અડધો કલાક પછી આ લોટને સારી રીતે મસળી લો અને 5 ભાગ પાડી દો. દરેક ભાગની પાતળી ચોરસ પૂરી વણી લો. પાંચેય પૂરી એક જેવી હોવી જોઈએ. દરેક પૂરી પર થોડું તેલ લગાવી મૂકો. એક પૂરી મૂકો, તેની પર થોડો કાળા મરીનો પાઉડર ભભરાવો અને તેની પર બીજી પૂરી મૂકો પછી તલ, ખસખસ અને ચાટ મસાલો નાખીને બધી પૂરીઓ ક્રમ એક પર એક જમાવી દો. છેલ્લે સાદી પૂરી મૂકીને દબાવો અને હલકા હાથથી થોડી વણી લો. આ પૂરીને લાંબી પટ્ટીની જેમ કાપી લો. કડાઈમાં તેલ મૂકી ગરમ કરો, અને આ પટ્ટીયોને સોનેરી રંગની તળી લો. આ પૂરી 8થી 10 દિવસ સુધી મૂકી શકાય છે.

મઠરી

સામગ્રી

-250 ગ્રામ મેંદો -50 ગ્રામ ઘઉંનો લોટ -50 ગ્રામ ચણાનો લોટ -મીઠું સ્વાદાનુસાર -હળદર -મરીનો ભૂકો -શાહજીરુંનો ભૂકો -ઘી

રીત

સૌપ્રથમ મેંદો, ઘઉંનો લોટ, ચણાનો લોટ લઈ તેમાં ઘીનું મોણ નાખો. તેમાં મીઠું, હળદર, મરીનો ભૂકો, શાહજીરુંનો ભૂકો નાખી કઠણ લોટ બાંધો. ઘી લઈને લોટ કેળવો. બેથી ત્રણ કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ નાની પુરી વણીને ઘીમાં તળી લો. એટલે મઠરી તૈયાર. આ વાનગી ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે.

સુવા અને તલની મઠરી

સામગ્રી

-1/2 કપ મેંદો -1/4 કપ ઘઉંનો લોટ -1/4 કપ મકાઈનો લોટ -3 ચમચા તલ -1 ½ ચમચો તેલ -1 ચમચો બારીક સમારેલી સુવાની ભાજી
-મીઠું સ્વાદાનુસાર -તેલ તળવા માટે -પાણી જરૂર પ્રમાણે

રીત

સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મકાઈનો લોટ લઈ મિક્સ કરો. તેમાં દોઢ ચમચો તેલ અને મીઠું ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. હવે લોટમાંથી નાના-નાના લુઆ બનાવી થોડી જાડી મઠરી વણો. દરેક મઠરી પર કાંટાથી કાણા પાડી લો. ત્યાર બાદ મઠરી પર થોડું પાણી લગાવો અને એના પર આંગળી વડે તલ લગાવો. ત્યારબાદ મઠરીની બીજી બાજુ પણ એ જ રીતે પાણી લગાવી સુવાની ભાજી લગાવો અને હળવે હાથે દબાવો. આ રીતે બધી મઠરીઓ તૈયાર કરી લો. તલવાળી સાઇડને બરાબર દબાવવી, જેથી તલ છૂટા ન પડી જાય. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલી મઠરીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કડક તળી લો. ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં પેક કરો.

Credit: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!