ભૂલ એ ભૂલ છે ગુનો નહીં – આજના દરેક પેરેન્ટ્સ એ સમજવા જેવું !!

0

અનિષથી દુધનો ભરેલો ગ્લાસ હાથમાથી છટકી ગયો. એ સાથે જ અનિષના પપ્પા નુ પપ્પા પુરાણ ચાલુ થઇ ગયું. “મુરખ છું સાવ, એક ગ્લાસ પકડતા આવડતો નથી, ધ્યાન ક્યાં હતું ડોબા. ખબર નહિં જીવનમાં આગળ શું કરીશ? તારાથી જીદંગીમા કાંઇ નહી થાય, ડફોળ છું તું ડફોળ” અનિષના મમ્મી મિનાક્ષી બહેને બબડાટ સાથે સાફ સફાઇ શરૂ કરી, માં-બાપ વચ્ચે થોડી ઉગ્ર ચર્ચા થઇ ગઇ અને અનિષ બિચારો ચૂપચાપ દૂધ પીધા વગર જ રૂમમાં ચાલ્યો ગયો અને કલાકો રૂમમાં ભરાઇને બેઠો રહ્યો.

કેટલાય ઘરોમાં આવી ઘટ્ના રોજબરોજ બનતી હશે.ક્યારેક એક વાતે તો ક્યારેક કોઇ બીજી વાતે બાળકો મા બાપના ઠપકાંનો ભોગ બનતાં હશે.

હા, બાળક ભૂલ કરે તો ક્યારેક ઠપકો આપવો અનિવાર્ય બને છે. પણ ત્યારે માતા – પિતાએ બાળકની ભૂલ – ભૂલ છે ગૂનો નથી, એ વાતનો વિવેક સાચવવો પણ જરૂરી બને છે.

એક દૂધ નો ગ્લાસ ઢોળાઇ જાય, કોઇ ટેબલ તૂટી જાય, કોઇ સાથે બાળક્ને ઝગડો થઇ જાય, પરીક્ષામાં માર્ક ઓછા આવે કે કદાચ ફેઇલ થાય તો એ બધી વાતો એવડી મોટી નથી કે બાળકોની આગળની જિંદગી વિશે પણ શંકા વ્યકત કરવી. માતા- પિતા ને બાળકની ચિંતા હોય એ સ્વાભાવિક જ છે. પણ એ ચિંતામાં એવું બાળક ને જરાપણ ન કહેવું જોઇએ કે જેનાથી ધીરે ધીરે બાળક નો આત્મ વિશ્વાસ હણાવા લાગે.

દૈનિક જીવનમાં બનતી નાની-મોટી ઘટનાઑ દ્વારા જ બાળકનું ઘડતર કરવાનું હોય છે.આ જ સમય છે કે મારા માતા-પિતા જીવનની કોઈપણ પરિસ્થિતીમાં મારી સાથે છે એવો બાળક્માં વિશ્વાસ ઊભો કરવાનો. આ જ સમય છે બાળકનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવાનો કે પોતે અણધારી આવી પડેલી પરિસ્થિતીને ઉકેલવા સજ્જ છે.

જો રમેશભાઈએ અનિષને એવું કહ્યું હોત કે,”કાંઇ વાંધો નહી અનિષ, ક્યારેક એવું પણ થાય, પહેલાં બીજુ દૂધ બનાવી પી લે અને આ ઢોળાયું એ સાફ કરી નાખજે” તો ઘરનું વાતાવરણ સૂમેળભર્યું રહેત અને અનિષ દૂધ-નાસ્તા વગર કલાકો રૂમમાં ભરાઈને બેઠો ન રહેત.

અહિં વિચાર એ પણ કરવાનો રહે છે કે આ કલાકો દરમિયાન અનિષે રૂમમાં શું કર્યું હશે ? દૂધ-નાસ્તા વગરના ખાલી પેટે અનિષ પણ ગુસ્સે થયો હશે, એને સામે જવાબ આપવાને બદલે એકલતા પસંદ કરી પણ મનોમન ખૂબ મુંજાયો અને શૂન્યમનસ્ક બેઠો રહ્યો.

આવી પરિસ્થિતી બાળકને કાંતો નિર્માલ્ય બનાવે છે, કાંતો બળવાખોર, કાંતો વિકૃત. માં-બાપથી બાળક દૂર થતું જાય છે બાળક એક કુમળો છોડ છે. એનું જતન ખૂબ નજાકત અને માવજાતથી કરવું પડે છે. અઘરું કામ છે.બાળકને એક બાજુ સ્વાવલંબી બનાવતા શીખવવાનું છે તો બીજી બાજુ ટેકો પણ કરવાનો છે. આવનારી જિંદગી માટે બાળકને ટકોરાબંધ તૈયાર કરવાનું છે અને એ પણ પ્રેમ અને હુંફથી.

અમેરિકન એજ્યુકેશન થિયરીસ્ટ BILL Ayers કહે છે , ‘તમારા બાળકને તમારા પ્રેમની જરૂર છે, એ જેવુ છે એવું એને ચાહો, તમારો સંપૂર્ણ સમય એની ભૂલો સુધારવામાં વ્યતીત ન કરો.’

એક છોડને પણ સતત કોષવામાં આવે તો માટી,ખાતર,પાણી અને અનુકૂળ વાતાવરણ હોવા છતાં છોડ ખીલતો નથી, એ વૈજ્ઞાનિક રીતે પ્રામાણિત થયેલું સત્ય છે. જો વનસ્પતિની સંવેદના પણ આટલી બધી સંવેદનશીલ હોય તો વિચાર કરો એક નાનકડા નિર્દોષ બાળકની સંવેદના કેટલી વિંધાતી હશે જ્યારે અયોગ્ય રીતે એને કોસવામાં આવે.

યાદ રાખો, તમે જ તમારા બાળકના ભવિષ્યવેતા છો, જે વાવશો એ જ ઊગી નીકળશે.માટે બાળકોમાં પ્રેમ, હૂંફ, સંવેદનશીલતા, સ્વાવલંબનનું સિંચન કરો જેથી ભવિષ્યમાં બાળકના જીવન વિશે ફરિયાદ કરવાનો વારો ન આવે.

બાળકો આપણાંજ વર્તનનો મૌન અરીસો છે.

લેખક – ગોપાલી બુચ

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here