એવી છોકરીની કહાની જે 5 મિનિટ પણ બેસતી નથી અને જન્મતા સાથે જ માનસિક વિકાસ મંદ હતો, એને એવી સિદ્ધિ હાસિલ કરી કે સાંભળીને તમારા રુવાડા ઉભા થઇ જશે…. ગર્વ છે આ દીકરી પર ….

0

આજથી 27 વર્ષ પહેલાં જૂનાગઢના નાગર દંપતી જીતેન્દ્રભાઈ ઝાલા અને દીપ્તિબેન ઝાલાને ત્યાં એક દીકરીનો જન્મ થયો. દીકરી કિંજલનું આગમન ઝાલા પરિવાર માટે આનંદનો પ્રસંગ હતો પણ આ આનંદ લાંબો ટક્યો નહીં. થોડા મહિનામાં જ ખબર પડી કે છોકરીનો શારીરિક વિકાસ બરોબર છે પણ માનસિક વિકાસ મંદ છે. કિંજલ 5 વર્ષની થઈ ત્યાં સુધી તો બોલી પણ નહોતી શકતી.

માતા-પિતાની ચિંતા વધવા લાગી. કિંજલનો માનસિક વિકાસ ખૂબ ધીમો હતો આમ છતાં માતા-પિતાને એના પર ખૂબ આશા હતી એટલે નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં દાખલ કરી. કિંજલ સ્વભાવની ખૂબ ચંચળ હતી. 5 મિનિટ પણ શાંતિથી બેસી શકે નહીં. શાળામાં જ્યારે કોઈ મોટું ફંકશન હોય કે એવો કોઈ ખાસ કાર્યક્રમ હોય ત્યારે કિંજલના મમ્મી-પપ્પાને સ્કૂલમાંથી કહી દેવામાં આવે કે આજે તમારી દીકરીને ઘરે જ રાખજો એને શાળાએ નહીં મોકલતા.

હવે શુ કરવું ? તેની કોઈ સમજ પડતી નહોતી. આ દીકરીને કેવી રીતે સાચવશું એ ચિંતામાં પડેલા માતા-પિતાને કોઈએ જૂનાગઢમાં જ આવેલી મંગલમૂર્તિ સંસ્થાની વાત કરી(આ સંસ્થા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોના વિકાસ માટેનું કાર્ય કરે છે. આ સંસ્થાના અદભૂત કાર્ય વિશે વિગતવાર લખીશ) કિંજલને પેલી નોર્મલ શાળામાંથી ઉઠાડીને મંગલમૂર્તિમાં મુકવામાં આવી.

માતાપિતાની હકારાત્મકતા અને મંગલમૂર્તિના શિક્ષકોના પ્રેમે કિંજલ પર અદભૂત અસર કરી. મંદબુદ્ધિના બાળકોની આ સંસ્થા બાળકોની ક્ષમતાને શોધીને એને બહાર લાવવા માટે ખૂબ સરસ કામ કરે છે. ચંચળ સ્વભાવની કિંજલની ગાયન ક્ષમતા સંગીતશિક્ષકોના માર્ગદર્શન મુજબ વિકસવા લાગી. જે છોકરી 5 મિનિટ પણ પગ વાળીને બેસી ના શકતી એ છોકરી ધીમે ધીમે શાંત થવા લાગી.

આ પ્રકારના ખાસ બાળકને ગાયન માટે તૈયાર કરવું એ ખૂબ મહેનત અને ધીરજનું કામ છે. એક શબ્દ બોલાવવા માટે પણ માથાકૂટ થતી હોય ત્યાં આખું ગીત કેમ તૈયાર કરાવવું ? આમ છતાં સૌના સહકારથી કિંજલની સ્વરયાત્રા આગળ ચાલી. શિક્ષકો અને માતા-પિતાએ 20 વર્ષ સુધી ધીરજ રાખીને કિંજલને તૈયાર કરવા માટેનું ભગીરથ કાર્ય કર્યું.

આજે બધાની મહેનત રંગ લાવી. 27 વર્ષની કિંજલને આજે 300 ગીત મોઢે છે. એ ગાયનકલામાં પારંગત થઈ છે. જ્યારે એ ગાતી હોય ત્યારે એમ લાગે કે દિવાળીબેન ભીલ હવે કિંજલ ઝાલાના કંઠમાં પુન: પ્રગટ થયા છે. તમે કિંજલને ગીત ગાતા સાંભળો તો તમને એવું લાગે જ નહીં કે આ છોકરી માનસિક રોગનો ભોગ બનેલી દીકરી છે. ગાતી વખતે સતત સ્માઈલ આપતી કિંજલ તમને એન્જલ જ લાગે.

કિંજલએ ગાયેલા ગીતોની સીડી “લિપિ વિહોણા સૂર” નામથી બહાર પાડવામાં આવી છે. રવિવારે એને રૂબરૂ મળવાનું અને સાંભળવાનું થયું ત્યારે કુદરતનો એક ગૂઢ સંદેશો પણ અનુભવાયો કે હું અપૂર્ણતા આપીશ પણ જો તમે ધીરજ રાખીને પ્રયાસો કરતા રહેશો તો એક દિવસ હું મારી અપૂર્ણતાને અસામાન્યતામાં બદલી આપીશ.
(કિંજલની સાથે ફોટોમાં દેખાય છે એ તબલા અને ઢોલક વગાડનાર વાદકો પણ માનસિક ક્ષતિગ્રસ્ત જ છે )

સ્ટોરી: શૈલેષ સપગપરીયા સાહેબ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!