ચીનની બાદશાહત ખત્મ, ભારતના 18 વર્ષના ગુકેશે રચ્યો ઇતિહાસ, બન્યો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન

ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. 18 વર્ષનો ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. ભારતીય ગ્રાન્ડમાસ્ટરે 14મી ગેમમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ગુકેશે આ જીત બ્લેક મોહરોથી રમી દર્જ કરાવી. તેણે ચાર કલાકમાં 58 ચાલ બાદ રમત જીતી લીધી અને તે 18મો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો.

ગુકેશે આ ચેમ્પિયનશિપ 7.5-6.5થી જીતી. ચેસ ચેમ્પિયનશિપની ઈનામી રકમ 2.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 21 કરોડ રૂપિયા છે. જો કે, વિજેતાને આ સંપૂર્ણ રકમ મળતી નથી. આ ખિતાબની સાથે તેને ઇનામ તરીકે 1.35 મિલિયન ડોલર (લગભગ 11.46 કરોડ રૂપિયા) મળ્યા છે. જો કે, ફાઈનલ રમનાર ખેલાડીને દરેક મેચ જીતવા બદલ 20 હજાર ડોલર (લગભગ રૂ. 1.69 કરોડ) મળે છે.

જ્યારે બાકીની રકમ બંને ખેલાડીઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. તે ચેસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે. આ જીત સાથે ડી ગુકેશ વિશ્વ નાથન આનંદની એલિટ ક્લબમાં પ્રવેશી ગયો છે. તે વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતનો માત્ર બીજો ચેસ ખેલાડી છે. આ સિદ્ધિ મેળવનાર વિશ્વનાથન આનંદ પ્રથમ ભારતીય ખેલાડી છે.

પાંચ વારના વિશ્વ ચેમ્પિયન આનંદ એ 2013માં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ ગુમાવી દીધો હતો. ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ 13 ગેમ બાદ તેના ચીની હરીફ ડિંગ લિરેન સાથે 6.5-6.5ના સ્કોર પર ટાઈ રહ્યો હતો. 14મી ગેમમાં ડિંગ સફેદ મહોરા સાથે રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેને ઉપરી હાથ માનવામાં આવતો હતો. પરંતુ ડી ગુકેશે તમામ અટકળોને નકારી કાઢીને બ્લેક મોહરાથી ના માત્ર મેચ જીતી પરંતુ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી.

ગુકેશે 14મી ગેમ પહેલા ત્રીજા અને 11મા રાઉન્ડમાં જીત મેળવી હતી. પ્રારંભિક ગેમ સિવાય 32 વર્ષના ડિંગ એ 12મી ગેમ પોતાના નામે કરી હતી. ડી ગુકેશના ખિતાબ જીત્યા પહેલા અન્ય તમામ રમતો ડ્રો રહી હતી, સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ રશિયન દિગ્ગજ ગેરી કાસ્પારોવના નામે હતો. તેણે 22 વર્ષની ઉંમરે 1985માં અનાતોલી કાર્પોવને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. આ વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીત્યા બાદ ગુકેશ વિશ્વ ખિતાબ માટે પડકાર ફેંકનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

ગુકેશના શિક્ષકોએ તેની પ્રતિભાને ઓળખી અને તેના માતા-પિતાને તેની શક્યતાઓ વિશે જણાવ્યું. આ પછી ગુકેશના માતા-પિતાએ તેમના બાળકને કોચિંગ અપાવ્યું. ગુકેશ વિશ્વના સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર છે. તેણે 2019માં માત્ર 12 વર્ષ, 7 મહિના અને 17 દિવસની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો હતો.વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ ડી ગુકેશ પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યા અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા.

પીએમ મોદીએ પણ ગુકેશને આ ઐતિહાસિક જીત પર અભિનંદન આપ્યા હતા. જણાવી દઇએ કે, ગુકેશનું પૂરું નામ ડોમ્મારાજુ ગુકેશ છે અને તે ચેન્નઈનો રહેવાસી છે. ગુકેશે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતુ. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.

Shah Jina