ભારત દેશ છોડી યુકેમાં વસવાની તૈયારી કરી રહ્યો છે વિરાટ કોહલી, એકદમ નજીકના વ્યક્તિએ કર્યો ખુલાસો
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી પોતાના ક્રિકેટિંગ શેડ્યૂલમાંથી બાકીનો સમય લંડનમાં પસાર કરતા જોવા મળી રહ્યો છે. જો કે કોહલી કોઈપણ ટૂર્નામેન્ટ માટે ટીમ સાથે જોડાઇ જાય છે અને પછી ભારતને બદલે લંડનની ફ્લાઈટ પકડે છે. જણાવી દઇએ કે, અનુષ્કા અને કોહલીના પુત્ર ‘અકાય’નો જન્મ પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનમાં થયો હતો.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કાયમી રૂપે લંડન શિફ્ટ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ અટકળોને હવે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ સમર્થન આપ્યું છે. શર્માએ એક મીડિયા ગ્રુપને જણાવ્યું કે, વિરાટ પોતાના બાળકો અને પત્ની અનુષ્કા શર્મા સાથે લંડન શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યો છે. તે ખૂબ જ જલ્દી ભારત છોડીને ત્યાં શિફ્ટ થશે.
આર અશ્વિનની નિવૃત્તિ સાથે ટીમના બે સિનિયર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા ચર્ચામાં આવી ગયા છે, જેમની ઉંમર 40 આસપાસ છે અને ફોર્મ પણ ખરાબ થઈ રહ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. વિરાટને ઓફ સ્ટમ્પ બોલ રમવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ આ પછી તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે. જો કે વિરાટના કોચ રાજકુમાર શર્માનું માનવું છે કે કોહલીમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને તે વધુ પાંચ વર્ષ રમશે તેવી શક્યતા છે. રાજકુમાર શર્માએ કોહલીનો બચાવ કરતા કહ્યું કે, તે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. હું માનું છું કે તે આગામી બે મેચમાં વધુ બે સદી ફટકારશે.
તેમણે વધુમાં કહ્યું કે કોહલી એવો ખેલાડી છે જે હંમેશા તેની રમતનો આનંદ માણે છે અને જ્યારે કોઈ ખેલાડી તેની રમતનો આનંદ માણે છે, ત્યારે તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય નથી. આ ખેલાડી જાણે છે કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરવી અને ટીમને જીતવામાં મદદ કરવી.