પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ જારી, સખ્ત કાર્યવાહીનો નિર્દેશ

ક્રિકેટના કોરિડોરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન પર પ્રોવિડન્ટ ફંડ ગોટાળાનો આરોપ છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડીએ જારી કરેલા વોરંટ બાદ પુલકેશિનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

રોબિન ઉથપ્પા ‘સેંચુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપનીનું સંચાલન કરતો હતો, તેના પર કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપવાનો આરોપ છે. તેણે તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા કરાવી ન હતી. જે બાદ તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ છે.

ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરી તેની ધરપકડની વાત કહેવામાં આવી હતી. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું રહેઠાણ બદલ્યું છે, જેના કારણે પોલીસે આ વોરંટ પીએફ ઓફિસને પરત કરવું પડ્યું હતું. જે બાદ પોલીસ અને પીએફ વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસ સ્થાનની તપાસ કરી રહી છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી તેને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.

હાલમાં પોલીસ અને પીએફ વિભાગ બંને સંયુક્ત રીતે તેની તપાસ કરી રહ્યા છે.જણાવી દઇએ કે, રોબિન ઉથપ્પા ટીમ ઈન્ડિયાનો પ્રખ્યાત ચહેરો છે. નિવૃત્તિ લેતા પહેલા તે દેશ માટે કુલ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન 54 ઇનિંગ્સમાં તેના બેટથી 1183 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે સાત અડધી સદી છે.

Shah Jina