10 વર્ષની ઉંમરમાં ઘર છોડ્યું, મુંબઈમાં પાણીપુરી વેચી, તંબુમાં રાતો પસાર કરી અને હવે IPLમાં સૌથી નાની ઉંમરમાં સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો, જુઓ તેનો સંઘર્ષ

યશસ્વી જયસ્વાલે ખુબ જ કપરી પરિસ્થતિનો સામનો કરીને IPLમાં પોતાની જગ્યા બનાવી, તેનો સંઘર્ષ જાણીને તો આંખો ભીની થઇ જશે, જુઓ

Yashasvi Jaiswal Struggle Story: હાલ આખો દેશ આઇપીએલ (IPL-2023) ના રંગમાં રંગાયેલો છે. રોજ સાંજે ક્રિકેટનું ઘમાસાણ ટીવી પર જોવા મળે છે અને દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બનતી હોય છે. ત્યારે આઇપીએલમાં ઘણા ખેલાડીઓની કિસ્મત પણ બદલાઈ ગઇ અને ઘણા ખેલાડીઓને આઇપીએલમાં પોતાની પ્રતિભા બતાવવાનું એક પ્લેટફોર્મ પણ મળ્યું.

એવા ઘણા ખેલાડીઓ છે જેમની પ્રતિભાને આઇપીએલમાં મોકો મળ્યો અને આ મોકાને એ ખેલાડીએ બંને હાથે ઝડપી લીધો અને પોતાની છાપ દુનિયામાં છોડી, સાથે જ પોતાની પ્રતિભાના કારણે ઘણા ખેલાડીઓએ ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું છે. ત્યારે હાલ એવા જ એક પ્રતિભાશાળી ખેલાડીની કહાની સામે આવી છે.

અમે વાત કરી રહ્યા છે રાજસ્થાન રોયલ્સ (rajsthan royals) ની ટીમમાં રમી રહેલા યુવા અને ટેલેન્ટેડ પ્લેયર યશસ્વી જયસ્વાલ (yashasvi jaiswal) ની. જેને IPL 2023 (IPL 2023)માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી. માત્ર મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમનાર યશસ્વીએ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ માટે 53 બોલમાં સદી ફટકારી હતી. તે 62 બોલમાં 124 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો.

21 વર્ષીય યશસ્વી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. પરંતુ ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે તેણે 10 વર્ષની ઉંમરમાં જ ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગયો. યશસ્વી જયસ્વાલનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાના ખર્ચા કાઢવા માટે મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપુરી વેચતો હતો.

આ વિશે વાત કરતાં તેણે એક વખત કહ્યું હતું કે મને તે ગમતું નહોતું કારણ કે હું જેની સાથે ક્રિકેટ રમતો હતો, જે છોકરાઓ સવારે મારા વખાણ કરતા હતા, તેઓ સાંજે મારી પાસે પાણીપુરી ખાવા આવતા હતા. યશસ્વીના કહેવા પ્રમાણે, તેને આ કરવાનું ખૂબ જ ખરાબ લાગ્યું પરંતુ તેણે આ કરવું પડ્યું, કારણ કે તેની જરૂરિયાત હતી.

યશસ્વી માત્ર 10 વર્ષનો હતો જ્યારે તે ઉત્તર પ્રદેશના એક નાનકડા જિલ્લા ભદોહીથી મુંબઈ ગયો, જ્યાં રહેવાની કોઈ જગ્યા ન હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું માત્ર એ વિચારીને આવ્યો હતો કે મારે માત્ર ક્રિકેટ રમવું છે અને તે પણ માત્ર મુંબઈથી.’ યશસ્વીએ કહ્યું હતું કે જ્યારે તમે ટેન્ટમાં રહો છો ત્યારે તમારી પાસે વીજળી, પાણી, બાથરૂમ જેવી સુવિધાઓ પણ નથી હોતી.

એક દિવસ જ્યારે યશસ્વી રમી રહ્યો હતો ત્યારે જ્વાલા સિંહ નામના કોચે તેને બેટિંગ કરતા જોયો. યુવાનની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમણે યશસ્વી જયસ્વાલને મફતમાં તાલીમ આપવાનું નક્કી કર્યું. તેમણે યશસ્વીને તેના ઘરે રહેવાની ઓફર પણ કરી અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી. ત્યારપછી બેટ્સમેને પાછું વળીને જોયું નથી. તે 2020 અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી પણ નોંધાવી છે.

યશસ્વી જયસ્વાલ 2.0 સંસ્કરણ પહેલા, તે દરરોજ પ્લાસ્ટિકના બોલથી પ્રેક્ટિસ કરતો હતો. યશસ્વી સિમેન્ટની દીવાલો પર મોટા શોટ મારીને પ્લાસ્ટિકના બોલ મોકલતો હતો. તેના કોચ જ્વાલા તેને ઘણા ખતરનાક બાઉન્સર અને શોટ બોલ આપતા હતા, જે ક્યારેક તેની છાતીમાં તો ક્યારેક તેના પગમાં વાગતા હતા, પરંતુ જયસ્વાલે આ દર્દ ચૂપચાપ સહન કર્યું અને ફરીથી ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી.

તેના બાળપણના કોચે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું કે “હું યશસ્વીને અલગ બનાવવા માંગતો હતો. હું જાણતો હતો કે તે IPLની 3 સિઝન રમી ચૂક્યો છે અને જો તમારે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં સફળ થવું હોય તો તમારે કેટલીક અલગ ટેકનિક અપનાવવી પડશે. આ માટે મેં તેને ગોરકપુર બોલાવ્યો અને ત્યાં પ્લાસ્ટિકના બોલ વડે પ્રેક્ટિસ કરાવી. અમે બે મેદાનમાં પ્રેક્ટિસ કરતા. પહેલું રેલ્વે ગ્રાઉન્ડ અને બીજું એન્ડ્રુ ગ્રાઉન્ડ. તે સમયે યશસ્વી ડરી ગયો હતો અને તેણે બેટ વડે ઘણી વાર પોતાને ઈજા પહોંચાડી હતી.

Niraj Patel