શા કારણે હાર્દિકની જગ્યાએ સૂર્ય કુમાર યાદવને બનાવ્યો T20નો કપ્તાન ? શ્રીલંકા પ્રવાસ પહેલા અજિત અગરકરે આપ્યો જવાબ, જુઓ

આખરે શા કારણે હાર્દિક પંડ્યાને ટી-20માં કપ્તાની ના આપી, ગૌતમ ગંભીર અને અજિત અગરકારે કરી દીધો મોટો ખુલાસો, જુઓ

રોહિત શર્માની નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા T20 કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હતો. તે લાંબા સમય સુધી ટીમના વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હતો. રોહિતની ગેરહાજરીમાં પણ તે કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ સૂર્યકુમાર યાદવને કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો. શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું કે સૂર્યાને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો.

પ્રેસ કોન્ફરન્સ શરૂ થતાં જ પહેલો સવાલ કેપ્ટનશિપને લઈને પૂછવામાં આવ્યો હતો. અજિત અગરકરે આનો જવાબ આપ્યો. તેણે કહ્યું, ‘સૂર્યકુમાર યાદવ ટી20માં ભારત માટે યોગ્ય ઉમેદવાર છે. તે હજુ પણ શ્રેષ્ઠ ખેલાડી છે. અમને ડ્રેસિંગ રૂમમાંથી પણ પ્રતિસાદ મળ્યો છે. અમને લાગે છે કે સૂર્યમાં સારા કેપ્ટન બનવા માટે જરૂરી તમામ ગુણો છે. અમને એવો ખેલાડી જોઈએ છે જે મોટા ભાગના મોકા પર ઉપલબ્ધ હોય. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સૂર્યમાં કેપ્ટન બનવા માટે જરૂરી તમામ ગુણો છે.

અજીત અગરકરની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, હાર્દિક પંડ્યા ખરાબ ફિટનેસના કારણે પાછળ રહી ગયો હતો. આગળ વાત કરતા તેણે કહ્યું- હાર્દિક હંમેશા અમારા માટે મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. તેના જેવી કુશળતા મેળવવી મુશ્કેલ છે. ફિટનેસ એક એવી વસ્તુ છે જેની સાથે તેણે સંઘર્ષ કર્યો છે. પસંદગીકાર તરીકે તે મુશ્કેલ બની જાય છે. આની પાછળની વિચારસરણી એ હતી કે અમને એવી વ્યક્તિ જોઈએ છે જે વધુ ઉપલબ્ધ હોય.

અગરકરે આગળ કહ્યું- અમને પણ લાગે છે કે અમે હાર્દિકને વધુ સારી રીતે મેનેજ કરી શકીએ છીએ, અમે જોયું છે કે તે વર્લ્ડ કપમાં બેટ અને બોલથી શું કરી શકે છે. અમે દરેક ખેલાડી સાથે વાત કરીએ છીએ, તેમની ભૂમિકા બદલાઈ છે કે નહીં. અમે તેની સાથે વાત કરી છે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ રહી છે. ત્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે.

Niraj Patel