નિધનના ચાર દિવસ બાદ થયા કૃષ્ણ કુમારની દીકરી તિશા કુમારના અંતિમ સંસ્કાર- અંતિમ વિદાય આપવા પહોંચ્યુ બોલિવુડ

ભારે વરસાદ વચ્ચે થયા તિશા કુમારના અંતિમ સંસ્કાર, સેલેબ્સે નમ આંખે આપી શ્રદ્ધાંજલિ

ફિલ્મ પ્રોડ્યુસર કૃષ્ણ કુમાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમની 20 વર્ષિય દીકરી તિશા કુમારનું કેન્સરને કારણે નિધન થયુ છે.તિશાએ 18 જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવુડ બિરાદરી હાલમાં ફેમસ એક્ટર અને પ્રોડ્યુસર કૃષ્ણ કુમારની દીકરી તિશા કુમારના અકાળ નિધન પર શોક વ્યક્ત કરવા પહોંચી હતી.

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે કેન્સર સામે લડાઈ હારી ગયેલી તિશા કુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભૂષણ કુમાર, સાંઇ માંજરેકર, રિતેશ દેશમુખ, ફરાહ ખાન, સાજિદ નડિયાદવાલા અને અન્ય બોલિવૂડ સેલેબ્સે તિશા કુમારને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. દીકરીના અંતિમ સંસ્કાર સમયે તિશાના માતા-પિતા ખૂબ જ ઉદાસ દેખાતા હતા, તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.

તિશાના પિતા કૃષ્ણ કુમાર બેબસ અને લાચાર જોવા મળી રહ્યા હતા. નજીકના લોકો તેમને સંભાળી રહ્યા હતા. દિવ્યા ખોસલા કુમાર કે જે તિશાની ભાભી થાય છે તે તેમજ સિંગર તુલસી કુમાર અને અભિનેત્રી ખુશાલી કુમાર પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

આ ઉપરાંત ફરાહ ખાન તેના દિગ્દર્શક ભાઈ સાજિદ ખાન સાથે પહોંચી હતી. નિર્માતા આનંદ એલ રાય પણ તિશાની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે તિશા જર્મનીમાં કેન્સરની સારવાર કરાવી રહી હતી. તિશા પોતાને લાઈમલાઈટથી દૂર રાખતી હતી. તે છેલ્લે ‘એનિમલ’ના પ્રીમિયર દરમિયાન જોવા મળી હતી.

તિશાનો જન્મ 6 સપ્ટેમ્બર 2003ના રોજ થયો હતો. તિશાના પિતા કૃષ્ણ કુમાર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. 1995માં આવેલી ફિલ્મ ‘બેવફા સનમ’માં કૃષ્ણ કુમાર શિલ્પા શિરોડકર, અરુણા ઈરાની અને શક્તિ કપૂર જેવા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા.

Shah Jina