હે રામ! સેનાએ ટેંપરરી પુલ બનાવી 1000 લોકોને નીકાળ્યા, ભૂસ્ખલનના કારણે 150 લોકોના મોતની પુષ્ટિ

ચારે બાજુ તબાહ, સેનાએ ટેંપરરી પુલ બનાવી 1000 લોકોને નીકાળ્યા…નેવી-એરફોર્સ-NDRF ગ્રાઉન્ડ પર આવી રીતે ચલાવી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન

કેરળના વાયનાડમાં કાટમાળમાંથી હજુ પણ નીકળી રહી છે લાશ, અત્યાર સુધી 150 લોકોના મોતની પુષ્ટિ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર વિસ્તાર તબાહ થઈ ગયો છે. એજન્સી અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું કે વાયનાડ જિલ્લામાં બચાવ સેવાઓ માટે તૈનાત સેનાએ અસ્થાયી પુલનો ઉપયોગ કરીને લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી. જે જગ્યાએ સેનાએ ટેંપરરી પુલ બનાવ્યો હતો તે જગ્યાએ મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે પુલ ધોવાઈ ગયો. અંધારું થઈ રહ્યું હોવાથી બચાવ કામગીરી રોકવાનું પણ સૂચન કરાયુ હતું.

ડીએસસી સેન્ટરના કમાન્ડન્ટે જણાવ્યું કે પહાડી જિલ્લામાં વિનાશક ભૂસ્ખલન બાદ સેના છેલ્લા 15 દિવસથી એલર્ટ પર હતી અને કેરળ સરકાર દ્વારા મંગળવારે સવારે સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તે એક મોટી આપત્તિ હતી, NDRF અને રાજ્યની ટીમો પણ સક્રિય રીતે સામેલ હતી. નેવી અને એરફોર્સ પણ સમાન રીતે ફાળો આપી રહ્યા હતા.

બચાવ કામગીરી માટે નવી દિલ્હીથી કેટલાક સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવી રહ્યા છે. પુલના કેટલાક સાધનો પણ લાવવામાં આવી રહ્યા છે, ટૂંક સમયમાં વાયનાડ પહોંચશે. કેરળના વાયનાડમાં મંગળવારે સવારે બે મોટા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 150 થઈ ગયો છે. લગભગ 197 ઘાયલ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 90 લોકો હજુ પણ ગુમ છે.

ચૂરામલામાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 70 મકાનોને સંપૂર્ણપણે નુકસાન થયું છે. જ્યારે વેલ્લારામલા GVHSS શાળાને આંશિક નુકસાન થયું હતું અને ઘણી દુકાનોને સંપૂર્ણ કે આંશિક નુકસાન થયું છે. ઘણા પરિવારના સભ્યોએ જાણ કરી છે કે તેમના પ્રિયજનો મળતા નથી. વાયનાડમાં 45 રાહત શિવિરની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 3,069 લોકો રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેરળ સરકારે નાગરિકો માટે ઇમરજન્સી કૉલ્સ પર ધ્યાન આપવા બે કંટ્રોલ રૂમ (9656938689 અને 8086010833) ખોલ્યા છે.

Shah Jina