“ વટ અને વળ ” – ખાનદાની ઈ ખાનદાની!! ગોળ અંધારામાં ખાવ તો ય ગળ્યો જ લાગે એમ ગમે તેવી પરિસ્થિતિ હોય ખાનદાની માણસ અછતું જ ના રહે!!

0

રાતના આઠેક વાગ્યે ગામને પાદર એક કેબીને ચર્ચા થતી હતી.

“અલ્યા સાંભળ્યું કાઈ પીટી શેઠ એના દીકરા અને દીકરીના લગ્ન અહી ગામડે કરવાના છે. આ ગણેશ ભગતની પાદરડીમાં મોટો ડોમ બનાવવાનો છે. ત્રણ દિવસનો જલસો છે જલસો. આખું ગામ નોતરવાના છે આખું ગામ!! ગામમાં આવા લગ્ન પહેલીવાર જ થવાના છે!!” મગનો બોલતો હતો અને બાકીના સાંભળતાં હતા.

“વાત તો મેય સાંભળી છે અને એય સાંભળ્યું છે કે આજુબાજુના ગામના બધા ઢોલીને કહેવાઈ ગયું છે કે એક એક નવો ઢોલ બે જોડી નવા રજવાડી કપડા અને દસ દસ હજાર રોકડા દેવાના છે અને એના બદલામાં ત્રણ દિવસ ઢોલ વગાડવાનો છે” કનીયો બોલ્યો.
“ આ બધી પૈસાની ગરમી બાકી આજથી વીસ વરસ પહેલા એ પીટી પાસે શું હતું..?? છેલ્લે છેલ્લે ગામમાં એને કોઈ ગણતું પણ નહિ.. મારી સાથે જ ખેતરમાં શીંગનો સલ્લો કરવા આવતો.. માંડ કિલો બે કિલો શીંગ થતી એ ય ભોપાની દુકાને શીંગ દઈને અમે બેય તળાવની પાળે ગાંઠીયા અને પેંડા ખાતા!! ઈ તો અત્યારે પીટી શેઠ પીટી શેઠ થાય છે બાકી મૂળ તો પવલો ને!! હા એના બાપનો એક વખત જમાનો એમાં ના નહિ પણ પણ પવલાનો બાપ તળશીનો રોટલો મોટો હતો. ગામમાં એની આબરૂ પણ હતી. પણ પવલામાં એ વખતે બુદ્ધિ જ નહોતી અથવા કહો તો જાડી બુદ્ધિ હતી. બાપ ગયા પછી એના કુટુંબી ભાઈઓ પણ જાને લાગ જોઇને બેઠા હોય એમ કોઈએ સામું ના જોયું. આ તો વળી સુરત હીરા ઘસવા ગયોને મેળ પડી ગયો એટલે આ બધા પીટી શેઠ પીટી શેઠ કરે છે બાકી મૂળતો પ્રવીણ તળશી જ ને” ધનજી ઉર્ફે ધનો ઉર્ફે ધુમાડિયું બોલ્યું.. આ ધનાને એક ખોટી ટેવ હતી.. એ વાત વાતમાં ધુમાડા કાઢવા માંડે.. એને લગતી વાત ના હોય તો પણ મંડે નસો ફૂલવા..!! આંખો લાલ થઇ જાય..!!! અને એકવાર બોલવાનું શરુ કરે પછી એ બંધ જ ના થાય..!!! ગામ આખાએ એનું નામ ધુમાડિયું પાડી દીધેલું!! કુવા પર નાના ઉભા એન્જીનો પાણી ખેંચવા એ વખતે વપરાતા..!! એ એન્જીન જયારે બહુ ગરમ થાય ત્યારે ધુમાડા કાઢી જતું બસ!! આ ધનો જોઈ લ્યો અને એ ધુમાડા કાઢતું એન્જીન જોઈ લ્યો!! બેય સરખા!!
અને આમ જુઓ તો ધનજી ની વાત ખોટી તો નહોતી જ.. તળશીનો એક વખત જમાનો હતો.. પણ એના ગયા પછી પ્રવીણને કોઈ ગણતું નહિ.. સારા મોળા પ્રસંગે તો ગામના તો ઠીક કુટુંબે પણ વહેવાર કાપી નાંખેલો હતો.. કદાચ એમાં કુટુંબને અગાઉ તળશીએ દબાવેલા હતા એ પણ ગુસ્સો હોય અને ગામડા ગામમાં આવું વરસોથી ચાલ્યું આવે છે કે જે લોકો બાપને કાઈ ન કહી શકે એની દાઝ પછી એના છોકરા પર ઉતારતા હોય છે.!!

પ્રવીણ તળશી નો બાપ તળશી ઉકા આખા ગામમાં જાગતું પડ ગણાતું!! ઈ ગમે એને ઘચકાવી નાંખે!! લોકો એની વાત સાંભળતાં પણ ખરા!! કારણકે તળશી ઉકાની વાત વહેવારુ અને વાજબી જ હોય!! ગામમાં ભાયું ભાયું ને વાંધો પડ્યો હોય કે બાયું બાયું ને!! તળશી ઉકાને બોલાવો.!! તળશી ઉકા આવે..પેલા વાત સાંભળે પછી જેની જેટલી ભૂલ હોય એટલા એને જાહેરમાં ઘચકાવે!! ઈ વખતે ગામડા ગામમાં લગ્ન પ્રસંગ ખુબ જ મોટો ગણાતો.. મહિના અગાઉ બધા આયોજન થતા.. માંડવા થી લઈને જાન વળાવવા સુધીના આયોજન તળશી ઉકા જ કરે!! એક વખત એના સગા મોટાબાપાને ત્યાં લગ્ન પ્રસંગ!! બે જાન આવેલી.. એક બાજુ ફળીયામાં માંડવો નાંખેલો.. સામેના ઘરે રસોડું હતું.. ગામના જુવાન અને વડીલો રસોડે હતા.
આ બાજુ વરઘોડો ચડ્યો અને તળશી ઉકા રસોડે હતો. બધાયને ભેગા કરીને કીધું. આ મારો મોટો બાપો અને એના છોકરા ક્યાય વાંકા વળ્યા છે?? કોઈ દિવસ કોઈના પ્રસંગમાં કામ કર્યું છે?? નહીને?? તમે બધા મારી આબરૂ રાખીને આવ્યા છો પણ આજ મોકો છે બતાવી દેવાનો!! હાલો બધાય વરઘોડો જોવા!! કોઈએ પીરસવા રોકવવાનું નથી. એ ભલેને મારો મોટો બાપો એકલો બધાને પીરસે!! અને સહુ હડેડાટ કરતાં રસોડામાંથી નીકળી ગયા.રસોડામાં બે રસોઇયા અને તપેલા જ વધ્યા. મોટાબાપાને ખબર પડી અને એના મોતિયા મરી ગયા.. આજ એની આબરૂ હવે ધૂળ ધાણી થવાની હતી. એણે તળશી ઉકા આગળ માથા પછાડ્યા.ગામની માફી માંગી અને ભૂલ કબૂલ કરી અને એ પણ ખાતરી આપી કે આજથી કુટુંબના દરેક નાના મોટા પ્રસંગમાં હું હાજર રહીને કામ કરીશ. અને છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું..!! આવા તો ઘણાં પ્રસંગો તળશી ઉકાને નામ હતા!!

તળશી ઉકા અને એના ઘરના અવસાન પામ્યા પછી ઘરમાં આ એક પ્રવીણ વધ્યો હતો. બેનું બેય સાસરીયે હતી. એ વળી પહેલા તો જાતરે ખાતર આંટો મારી જતી.પણ બા બાપા ગયા પછી બેનો પણ ડોકાતી બંધ થઇ ગઈ અને કુટુંબ પણ લાગ જોઇને જ બેઠેલું કે હવે પવાલાને જોઈ લેવો છે!! એવામાં ગામમાં કુટુંબમાં લગ્ન હતા.આગલા દિવસે માંડવો સાંજે જમણવાર અને બીજે દિવસે સવારમાં જાન જવાની હતી. પ્રવીણ કામમાં લાગી ગયો હતો. સાંજે જમણવાર પૂરો થઇ ગયા પછી એ પોતાને ઘરે મહેમાન લઈને સુવા આવ્યો હતો. સવારમાં એને કહેવામાં આવ્યું કે મોટી ધારે ચારેક મહેમાનો છે એને તું ગાડામાં બેસાડીને લઇ આવ્ય. પ્રવીણ તો ગાડું લઈને ઉપડ્યો.એને એમ કે કલાકમાં મહેમાનોને લઈને પાછો આવી જઈશ. પણ વાડીએ મહેમાનો હોય તો મળે ને?? પ્રવીણે આજુબાજુની વાડીમાં તપાસ કરી અને એમને એમ ગાડું લઈને પાછો આવ્યો ત્યાં ગામમાંથી જાન ઉપડી ગઈ હતી!! મૂળ તો પ્રવીણની ઠેકડી ઉડાડાડવાની હતી એને જાનમાં નહોતો લઇ જવો એટલે અમુક રોનકી યુવાનોએ આવું ગોઠવ્યું હતું.. પ્રવીણનું તો માથું છટકી ગયું હતું. એમાય સવારે ગામે એને બરાબરનો ખીજ્વ્યો!!
“કેમ અલ્યા પવલા તું જાનમાં ન ગયો?? તારી ઘરે રાતે મહેમાન રહ્યા. સવારમાં એ બધા જ તારી ઘરે નાહ્યા ધોયા અને તને જ ના લઇ ગયા!! આવું થોડું હાલે?? આ તો તળશી ઉકા નથીને એટલે બાકી ઈ હોય ને તો બસનું પૈડું જ ના હાલે!! પણ દીવા પાછળ અંધારું તે આનું નામ” એક આમ કહે તો બીજો વળી વાતને વધારે વળ ચડાવે.
“એમાં એવું છે ને પવલાને આહી ઘરનું ધ્યાન રાખવા રાખ્યો છે. વરઘોડિયા પરણીને આવે એટલે એનો શણગારેલો રૂમ પવલો આજે તૈયાર કરવાનો છે. પવલા જેવો માંડવો કે રૂમ કોઈ શણગારી જ ન શકે” કેમ સાચુંને પવલા”??

ગામ આખાને રમત થાય અને આ બાજુ પવલાનું આખું શરીર કાંપે. એ કાઈ બોલ્યા વગર ઘરે આવીને સુઈ ગયો. પડખેના ઘરે કાન્તુમાની ઘરે એ કાયમ જમી લેતો. આજ તો કાંતુ મા પણ જાનમાં ગયા હતા. અને આજે એને ભૂખ પણ નહોતી. પથારીમાં લાંબો થઈને સુઈ ગયો. પાંચ વાગ્યે ગામને પાદર ઢોલ ઢબુક્યાં. જાન આવી પહોંચી હતી. ઢોલ નો અવાજ નજીક અને નજીક આવી રહ્યો હતો. આ બાજુ પવલાની નસો ફૂલતી હતી.પણ એણે નક્કી કર્યું કે આજે તો ગમે એમ થાય ઘરની બહાર નીકળવું જ નથી. પણ એમાં સવારે જેણે બળદગાડું લઈને એને વાડીએ મહેમાન લેવા મોકલ્યો હતો એ જુવાનીયા હવે એની ડેલી પાસે ફટાકડા ફોડતા હતા.. પવલો એના ખીખીયાટા ઓળખી ગયો. અને વગર વિચાર્યે એ ઉભો થયો.!! પડખે એક લાકડી પડી હતી એ લઈને નીકળ્યો બહાર!! એને જોઈને પેલા સમજી ગયા કે આજ આવી બન્યું છે. એ ભાગ્યા અને પવલો એની પાછળ!! અને પછી તો રમઝટ બોલી..કોકના નળા સોજી ગયા તો કોઈકના હાથ ભાંગી ગયા.ત્રણેક જણા ના બરડા પણ સોજવાડી દીધા અને લાકડીના બે કટકા થઇ ગયા અને ગામના પાંચ માણસોએ પવલાને ઝાલી લીધો. ઢોલ પણ બંધ થઇ ગયા અને લગ્ન ગીતો પણ બંધ. વાતાવરણ ગંભીર થઇ ગયું. મહેમાનોએ પણ વાત જાણી અને અમુક પવલાને ખીજાણા અમુક સામેવાળાને!! બસ આટલી જ વાત અને કુટુંબ સાથે વેવાર કપાઈ ગયો. ગામમાં હવે કોઈ એને બોલાવતું નહીં. બે વરસ આમને આમ કાપી ને પોતાની જમીન ભાગીયાને આપીને પ્રવીણ તળશી ઉર્ફે પવલો સુરત આવ્યો!!
સુરતમાં પણ એના પરાક્રમ એની પહેલા પહોંચી ગયા એટલે ઓળખીતું એને ઝટ દઈને કામ શીખવાડવા રાજી નહિ. પણ એની જ જેવો એક શેઠિયો એને ભટકાઈ ગયો. પ્રવીણ તળશીને એણે કારખાને રાખ્યો. રહેવાની પણ વ્યવસ્થા કારખાનામાં થઇ ગઈ. સબરસની કઢી ખાઈ ખાઈને છ મહિનામાં જ પ્રવીણ હીરાને પારખતા થઇ ગયો. શેઠે પણ એની એ આવડત જાણી ગયા. કાચી રફ્નું એસોરટીંગ કામ હવે પ્રવીણ તળશી માથે હતું. બે વરસમાં તો એક એક જોંગો કારીગર બની ગયો!! શેઠ હવે એક બીજું કારખાનું શરુ કરી રહ્યા હતા અને તેની જવાબદારી એણે પ્રવીણ ને આપી. નફામાં પચાસ ટકા ભાગ અને આ રીતે પ્રવીણ તળશીની જીવનની સરેણે સ્પીડ પકડી.. રૂપિયો આવતો ગયો અને હિમત તો પહેલેથી જ હતી. સુરતનું વાતાવરણ એને સદી ગયેલું.એવામાં એક પાર્ટી ઉઠી ગઈ હતી,કોઈને સરખા જવાબ પણ ના આપે.શેઠની ઘણી બધી રકમ એમાં સલવાણી હતી.પ્રવીણ તળશી સવારના પહોરમાં જઈને ઉઠી ગયેલ પાર્ટીને ઉઠાડી બેઠી કરીને થોડી સર્વિસ પણ કરી અને પૈસા પતાવી લીધા!! આ એક ઘટનાએ પ્રવીણ તળશીની નામના વધી ગઈ. પોતાના જ કારખાનામાં કામ કરતી એક છોકરી સાથે પ્રવીણે લગ્ન પણ કરી લીધા.. અને હવે એ પીટી શેઠ કહેવાતા હતા.. મીની બજાર અને કાપોદ્રામાં પીટી શેઠના સિક્કા પડતા થઇ ગયા!! સમય વીતતો ચાલ્યો.. પછી તો પીટી શેઠે સુરતમાં પોતાના સ્વતંત્ર ચાર હીરા ઘસવાના ફેકટરા શરુ કર્યા.!! ગામમાં તો એ એક જ વખત આવ્યા પછી ક્યારેય આવ્યા નહીં. ભાગીયો હતો એ મકાન અને વાડી સાચવતો હતો.કાંતુ માં ને ત્યાં એ જમતા એ માડી ઓફ થયા ત્યારે પીટી શેઠ વાદળી રંગની કોન્ટેસા લઈને આવેલા. કાંતુમાના કુટુંબીજનોને માડીના કારજ નો ખર્ચ આપીને બે કલાકમાં એ જતા રહેલા.!! બસ પછી બાવીસ વરસના વહાણા વાઈ ગયા અને હવે પીટી શેઠના દીકરા અને દીકરીના લગ્ન ગામડે થવાના હતા એની તડામાર તૈયારીઓ થઇ રહી હતી. બધી જ વસ્તુનો કોન્ટ્રાકટ અપાઈ ગયો હતો!! ગામલોકો ને ફક્ત નેટે નેટ આરામ કરવાનો હતો!!
બે મહિના અગાઉ પી ટી શેઠના માણસો આવી ને પ્લાનિંગ કરી ગયા હતા. મકાનનું રીનોવેશન થઇ ગયું હતું. આજુબાજુના ચાર ખાલી મકાન પી ટી શેઠે સુરત થી વહીવટ કરીને ખરીદી લીધા હતા. એને પાડીને એક વિશાલ જગ્યા તૈયાર થઇ ગઈ હતી. બે મોટા જનરેટર આવી ગયા હતા. પાદરડીમાં ગણેશ ભગતના ખેતરમાં એક મોટો ડોમ બની ગયો હતો. ત્યાં મોટું એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. મુંબઈના કલાકારો ગીતો ગાવા માટે આવવાના હતા. રસોડા વિભાગ માટે સુરતથી એક ભૈયાની મોટી ગેંગ આવવાની હતી. તમામ સગા સંબંધીઓને સાગમટે ત્રણ દિવસ માટે આવવાનું હતું!! બધા આનંદમાં હતા પણ એના પેલા કુટુંબીજનો મૂંઝવણમાં હતા. એ બધા લગભગ હવે જેમ લગ્ન નજીક આવતા ગયા એમ આડા અવળા થતા જતા હતા. એવા માં પીટી શેઠ લગ્નની કંકોત્રી લઈને પધાર્યા અને રાતે એના ઘરના વિશાળ પટાંગણમાં ડાયરો રાખ્યો હતો. બધા ચા પીને બેઠા હતા. અને બધાએ કંકોત્રી જોઈ અને નવાઈ પામ્યા!!

કંકોત્રીમાં ઉપર કુટુંબના તમામ ભાઈઓના નામ હતા. બાવીસ વરસથી જેની સાથે વાંધો હતા એ બધાના નામ હતા. અત્યાર સુધીના પ્રસંગોમાં કુટુંબ વાળા એ પી ટીનું તો ઠીક પણ એના બાપા તળશી ઉકાનું નામ પણ લખ્યું નહતું!!
“ મારા ભાઈઓ હજુ નથી આવ્યા લાગતા. હું સવારે જ એ બધાની ઘરે જઈને રૂબરૂ કહી આવ્યો છું.સુરતથી ફોન કરી દીધો હતો.. તું જા જગલા એ બધાને કહે કે પીટી બોલાવે છે નહિ આવો તો હવે મારે રૂબરૂ આવવું પડશે” અને જગલો ગયો. બધા હવે વિચારમાં પડી ગયા કે ન કરે ને નારાયણને કઈ ડખો થાય તો!!?? હવે તો પી ટી ની
કેડે લાઈસન્સ વાળી ફટાકડી પણ ટીંગાતી હતી.

થોડી વારમાં એના કુટુંબના મોભીઓ આવી ગયા. થોડા સોખમણને લીધે દૂર બેઠા પણ પીટી એ ઉભા થઈને આગ્રહ કરીને પોતાની પાસે બેસાર્યા. વળી પાછી આડા અવળી વાતો થઇ. લગ્નનું આયોજન કેમ કરવાનું છે એની ચર્ચા થઇ અને છેલ્લે પી ટી બોલ્યાં.
“એ વખતે મને કઈ સમજણ પણ નહિ અને બુદ્ધિ પણ નહિ એટલે જે બન્યું એ ખરું?? ઈ વખતે વટ અને વળ બેય હતા. બેય પક્ષે હતા એની પણ ના નહિ. પણ હવે જમાનો બદલાયો. ભગવાને મારી સામે જોયું. થોડું કમાયો છે.. હું હવે એવું માનું છું કે જેમ તમારી પાસે પૈસા વધતા જાય એમ વળ ઘટતો જવો જોઈએ!! મને અત્યારે વળ કરવો પોસાય એમ નથી. સમય જ નથી એવા ખોટા વળને સાચવવા માટે!! કમાણી જે એવડી છે કે એને ક્યાં વાપરવી કે ક્યાં સંઘરવી એમાં જ મારો સમય જતો રહે છે એમાં ખાલી ખોટા વળને અને વટને રાખીને મારી માથે ભારણ શું કામ રાખવું. હું કાયમ માટે એ ભારમાંથી આ જ મુક્ત થાવ છું. મને કોઈની સામે નારાજગી નથી કે કોઈની સામે નથી ફરિયાદ!! મારે નથી કોઈની માફી મંગાવવી કે નથી કોઈ ખુલાસા કરાવવા.. બસ મારા બાપા તળશી ઉકાની લાજ રાખીને તમારે બધાએ આ પ્રસંગ દીપાવી દેવાનો છે.. તમારો જ પ્રસંગ છે અને તમારે જ ઉજળો કરી બતાવવાનો છે!!” પી ટી શેઠ આટલું બોલ્યા અને તાળીઓનો ગડગડાટ થયો.. ગડગડાટ પૂરો થયો અને વળી તળશી શેઠ બોલ્યા.!!
“હું આ કોઈ માટે ઉપકાર નથી કરતો.. બસ મારા પુત્રો અને એના પુત્રો સુખી થાય એના માટે આ કરું છું..!! છેલ્લા ૨૫ વરસ થયા સુરતમાં છું.. એવા સેંકડો પાર્ટીઓ જોઈ કે જે કરોડપતિ હતી અને રોડ પર આવી ગઈ હોય!! બહુ ઓછા લોકો એમને એમ પૈસાવાળા જ રહ્યા!! એમાંથી એક વસ્તુ મેં નોંધી છે!! કે સંપતી અને વળને કાયમ માટે આડવેર છે!! આ બેય વસ્તુ તમારી કાયમ સાથે ના રહે!! કા તમારે વળ કાઢી નાંખવાનો અને કા સંપતિ!! બાકી ઘણા કરોડપતિઓ હતા પણ વળમાં ને ખોટી હવામાં માં બધુજ ગુમાવી બેઠા છે એનો હું સાક્ષી છું!! આ બધું ગરીબને પોસાય!! આ યુગમાં પૈસાવાળા ને ના પોસાય!! આ યુગમાં કોઈની પણ સાથે ન બગાડે એ જ જીતી જાય છે!!!”
બસ પછી તો ગામ આખામાં હરખની હેલી ઉમડી.. વરસોથી જે કુટુંબ સાથે સંબંધો કપાયા હતા એ ફરી તાજા થયા. કુટુંબની તમામ બહેન દીકરીઓને પણ વાજતે ગાજતે બોલાવી. ત્રણ દિવસનો ભપકાદાર લગ્નોત્સવ ઉજવાયો..!! ગામ વાતો કરતુ હતું.

“આ તો તળશી ઉકાનું લોહી ભાઈ!! એમાં થોડો ફેર પડે??? ખાનદાની ઈ ખાનદાની!! ગોળ અંધારામાં ખાવ તો ય ગળ્યો જ લાગે એમ ગમે તેવી પરિસ્થિતિ હોય ખાનદાની માણસ અછતું જ ના રહે!!
જીવનમાં જેમ જેમ સંપતી વધતી જાય એમ ખોટી હવા અને વળ ઓછા થતા જાય તો એ સંપતી સદીઓ સુધી ચાલે છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ, મુ.પો. ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here