TV પર ગરમીની ખબર સંભળાવતા સંભળાવતા બેહોંશ થઇ ન્યુઝ એન્કર, વીડિયો થયો વાયરલ

ભારતના ઘણા ભાગો હીટ વેવની ચપેટમાં છે અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે લાઈવ પ્રસારણ દરમિયાન હીટવેવ અપડેટ્સ વાંચતી વખતે એક ટીવી એન્કર બેહોશ થઈ ગઇ હોવાની ખબર સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે કોલકાતાના એક ન્યૂઝ સ્ટુડિયોમાં હીટવેવના સમાચાર વાંચતી એન્કર લાઈવ શો વચ્ચે અચાનક બેહોશ થઈ ગઈ.

દૂરદર્શનની એન્કર લોપામુદ્રા સિન્હાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે સમાચાર વાંચતી વખતે તે ખુરશી પર બેભાન થઈ જાય છે. આ ઘટના બાદ લોપામુદ્રા સિન્હાએ ફેસબુક પર પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. લોપામુદ્રાએ જણાવ્યું કે તે અતિશય ગરમી અને લો બ્લડ પ્રેશરને કારણે બેહોશ થઈ ગઈ હતી. એન્કરે જણાવ્યું કે ઘટનાના દિવસે તેના સ્ટુડિયોની કૂલિંગ સિસ્ટમમાં કોઈ ખામી હતી.

લોપામુદ્રાએ ફેસબુક પર વીડિયો શેર કર્યો જેમાં તે બંગાળીમાં કહી રહી હતી કે હું ક્યારેય મારી સાથે પાણીની બોટલ નથી રાખતી. પછી તે પંદર મિનિટનો બ્રોડકાસ્ટ હોય કે અડધા કલાકનો. મારી 21 વર્ષની કારકિર્દીમાં મેં પ્રસારણ દરમિયાન ક્યારેય પાણી પીવાની જરૂર નથી અનુભવી, પરંતુ આ દિવસે મને ખૂબ તરસ લાગી. લાઈવ દરમિયાન મેં ફ્લોર મેનેજરને સંકેત આપવાની તક ઝડપી લીધી અને પાણીની બોટલ માંગી. થોડી વાર પછી મેં પાણી પીધું.

એન્કરે આગળ કહ્યું, આ પછી હીટ વેવની ખબર વાંચતી વખતે મારી જીભ લડખડાવા લાગી. મેં સમાચારને સંપૂર્ણ રીતે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ પછી ટેલિપ્રોમ્પ્ટર અસ્પષ્ટ દેખાવા લાગ્યું અને હું બેહોશ થઈ ગઇ. સદભાગ્યે તે સમયે ટીવી પર 30 થી 40 સેકન્ડનું એનિમેશન ચાલી રહ્યું હતું. હું મારી ખુરશી પડી, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવું કંઇ થશે. આ દુર્ઘટના માટે એન્કરે ચેનલની માફી માંગી અને તે બેહોશ થઈ ગયા પછી બ્રોડકાસ્ટ મેનેજ કરવા માટે પ્રોડ્યુસર્સનો આભાર માન્યો.

જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર 24 પરગના, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા, ઝાડગ્રામ, બીરભૂમ, મુર્શિદાબાદ અને બાંકુરા જિલ્લામાં લૂની સ્થિતિ બનેલી છે.

Shah Jina