અમદાવાદના રિવરફ્રન્ટને ટક્કર આપે એવું રાજકોટનું અટલ સરોવર, ઉમટી પડ્યા સહેલાણીઓ- લેસર શોએ લગાવ્યા ચાર ચાંદ

રંગીલા રાજકોટનું નવું નજરાણું અટલ સરોવર જાહેર જનતા માટે મૂકાયુ ખુલ્લુ ! ગુજરાત સ્થાપના દિવસે મળી રાજકોટવાસીઓને મળી મોટી ભેટ

1 મે 2024ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે રાજકોટની રોનકમાં વધારો થયો. રંગીલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયુ. 7 માર્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને બનાવવા પાછળ અંદાજે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે અટલ સરોવરની રાહ જાહેર જનતા ઘણા સમયથી જોઇ રહી હતી. 2,93,457 ચોરસ મીટરમાં નિર્માણ પામેલ અટલ સરોવરમાં ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટનિકલ ગાર્ડન, સાયકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેન, ફેરી વ્હીલ, એમ્ફી થિયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટ ફલેગ વગેરે જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

અટલ સરોવરની ફીની વાત કરીએ તો મોટા લોકોની 25 રૂપિયા અને 12 વર્ષથી નાના બાળકો માટે 10 રૂપિયા. લોકમેળા દરમિયાન કલેક્ટરે જે ફેરી વ્હીલ્સ રાઈડ્સનાં 40 રૂપિયા મંજૂર કર્યા હતા, તેના જ અહીં 80 રૂપિયા વસુલવાની છૂટ મનપા દ્વારા આપવામાં આવી છે. જો કે, લેસર-શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એટલ સરોવર જાહેર જનતા માટે ખુલતાની સાથે જ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટ જ નહીં પણ મુંબઇ અને વડોદરા સહિત અન્ય શહેરોના લોકોએ પણ અટલ સરોવરનાં અદ્ભૂત સૌંદર્યની પ્રશંસા કરી હતી.

મોડીસાંજે ફાઉન્ટેન શો શરૂ થતાં જ લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ફાઉન્ટેન શોમાં વિવિધ દેશભક્તિનાં તેમજ ગરબાના ગીતો પર ફાઉન્ટન ડાન્સ કરતા જોઈને લોકોએ મોજ કરી હતી. ઘણા યુવક-યુવતીઓ તો ગરબે પણ ઘુમ્યા હતા. જો કે, હજી તો મોટાભાગની સુવિધાઓ પૂરી રીતે તૈયાર થઈ નથી. લેસર ફાઉન્ટેન શો એટલો અદ્ભૂત છે કે અત્યારથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સાંજે 7 વાગ્યા બાદ ફાઉન્ટેન શો શરૂ થાય છે. જો કે, હાલ તો બે શો યોજવામાં આવે છે. જેમાં એક શો માટેનો ટાઈમ 1 કલાકનો હોય છે.

અટલ સરોવરમાં પાર્ટીપ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેનો પ્રતિ ઇવેન્ટ ચાર્જ 1 લાખ રૂપિયા વસુલવામાં આવશે અને આ ચાર્જ અન્ય પાર્ટીપ્લોટ કરતા થોડો ઓછો છે જેને કારણે હવે લોકો લગ્ન સહિતનાં પ્રસંગો અહીંના પાર્ટીપ્લોટ ખાતે કરે એવું બની શકે છે. આ ઉપરાંત અહીં એમ્ફીથિયેટર પણ છે, જેની ફી પ્રતિ ઇવેન્ટ રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે.

પાર્કિંગની વાત કરીએ તો ટુ-વ્હીલરનાં 10 રૂપિયા અને ફોર વહીલરનાં 20 રૂપિયા છે. જે પણ સુવિધાઓ બાકી છે તેને શરૂ થવામાં અંદાજે બે મહિના જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત અહીં ફૂડકોર્ટ માટેની દુકાનો પણ બનાવવામાં આવી છે. જેની હરાજી થયા બાદ ટૂંક સમયમાં ફૂડકોર્ટ કાર્યરત થશે. મનપા દ્વારા હાલ અટલ સરોવરનું સંચાલન 15 વર્ષ માટે ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું છે, કંપની પાસેથી મનપા દ્વારા પ્રથમ પાંચ વર્ષ સુધી દર વર્ષે 51 લાખ અને બીજા પાંચ વર્ષ સુધી દર વર્ષે 70 લાખ વસૂલવામાં આવશે.

આ ઉપરાંત ત્રીજા પાંચ વર્ષ સુધી દર વર્ષે 80 લાખ વસૂલવામાં આવશે. કંપનીને રાઈડ્સ, પાર્કિંગ, ઇવેન્ટ સહિતના માધ્યમોથી આવક થશે. આ ઉપરાંત દર પાંચ વર્ષે કંપની તમામ દરોમાં 5%નો વધારો કરી શકશે. જેમાં પણ એન્ટ્રી ફી ત્રણ વર્ષ બાદ બાળકો માટે રૂ. 20 અને મોટા માટે રૂ. 40 કરવાની છૂટ આપી દેવામાં આવી છે. જોકે, મનપા સંચાલિત સ્કૂલો- આંગણવાડીનાં બાળકોને પ્રવેશ તેમજ ત્રણ રાઈડ્સ ફ્રી આપવાની રહેશે.

 

View this post on Instagram

 

A post shared by OUR RAJKOT (@our_rajkot)

Shah Jina