વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલ શ્રી નારાયણ વિદ્યાલયના વર્ગખંડની દિવાલ ગઈકાલના રોજ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થવાને કારણે વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2ને ઈજા પણ પહોંચી છે. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. એવું સામે આવી રહ્યુ છે કે ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચતા ટાંકા આવ્યા છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે સારી વાત તો એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ બપોરે 12:30 વાગ્યાની આસપાસ વડોદરામાં નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થઇ હતી. એવુ કહેવાઇ રહ્યુ છે કે ચાલુ ક્લાસે ક્લાસરુમની દીવાલ ધરાશાયી થતા 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.
જો કે, આ મામલે શાળા સંચાલકોનું એવું કહેવુ છે કે આ દુર્ઘટના રિસેસ સમયે બની હતી. દિવાલ ધરાશાયી થયા બાદ DEO દ્વારા સ્કૂલને સોમવાર સુધી બંધ કરાવાઈ છે. એવું સામે આવ્યુ છે કે કોર્પોરેશનની ટીમે શાળાની તપાસ કરતાં બાલ્કનીનો ભાગ જર્જરિત નોંધાયો હતો. આ પછી હવે સ્કૂલનો બાંધકામનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ફરી એન્જિનિયર મારફતે કરાવવા પાલિકાએ નોટિસ આપી છે.
View this post on Instagram