ધોતીમાં ખેડૂતને ના અપાઇ એન્ટ્રી, 7 દિવસો માટે કર્યો મોલ સીલ- જાણો પૂરો મામલો

કર્ણાટકના બેંગલુરુમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક ખેડૂતને મોલમાં જતા અટકાવવામાં આવ્યા કારણ કે તેમણે ધોતી પહેરી હતી. આ પછી શું થયું, હોબાળો મચી ગયો. પોલીસે આ અંગે મોલના મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધ્યો છે. સરકારે મોલને 7 દિવસ માટે બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. આ ઘટના કર્ણાટકની રાજધાની બેંગલુરુની છે. દીકરાએ વિચાર્યું કે વૃદ્ધ પિતા ફકીરાપ્પાને મોલમાં ફિલ્મ બતાવીએ.

દીકરો મૂવીની ટિકિટ ખરીદી જીટી વર્લ્ડ નામના શોપિંગ મોલમાં પહોંચ્યો. તે મૂવી હોલમાં જ્યારે ગયા ત્યારે સિક્યોરિટી ગાર્ડે તેમને ડ્રેસ કોડનો હવાલો આપીને પ્રવેશતા અટકાવ્યા. વૃદ્ધે ધોતી પહેરી હતી અને સાથે માથા પર પાઘડી પણ પહેરેલી હતી. સિક્યોરિટી ગાર્ડે સ્પષ્ટ કહ્યું કે વૃદ્ધ વ્યક્તિએ ધોતી પહેરેલી હોવાથી તેને મોલમાં જવાની મંજૂરી આપી શકાય નહીં.

સ્વાભાવિક છે કે પિતાને આ રીતે રોકવાથી પુત્રને ખૂબ જ દુઃખ થયું હતું. તેણે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. આ જોઈને ખેડૂતોના એક સમૂહે કન્નડ સમર્થક સંગઠન સાથે મળી બેંગલુરુના એ જીટી વર્લ્ડ મોલ બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો. વિરોધીઓનો સવાલ હતો કે ધોતી પહેરેલ ખેડૂતને મોલમાં કેમ પ્રવેશ ન આપી શકાય?

આ પછી ઘણા રાજનેતાઓ પણ આ અભિયાનમાં જોડાયા અને ધીરે ધીરે બેંગલુરુ માટે આ મોટો મુદ્દો બની ગયો. આ મુદ્દાએ વેગ પકડતા જ લોકોના વલણને જોતા કર્ણાટક સરકારે આ મામલે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. આ મોલને તાત્કાલિક સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં સરકારના આદેશ પર પોલીસે મોલના મેનેજર વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.

Shah Jina