સાચી પ્રેમ કહાનીઓ માત્ર ફિલ્મો અને વાર્તાઓમાં જ સાંભળવા મળતી હોય છે, જવલ્લે જ એવા કિસ્સાઓ હકીકતમાં બનતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ એક ફિલ્મ આવી હતી “વિવાહ” જેમાં ફિલ્મની નાયિકા દાઝી ગઈ હોવા છતાં પણ નાયક તેની સાથે લગ્ન કરે છે. આ પ્રેમ કહાનીને લોકો ફિલ્મો સુધી જ માનતા હતા, પરંતુ હાલમાં જ એક એવી હકીકત સામે આવી છે. જેને જોઈને એ કહી શકાય કે હજુ સાચો પ્રેમ જીવે છે.

આ ઘટના બની છે યુપીના પ્રયાગરાજમાં. જેમાં હાથમાં મહેંદી લગાવીને હોસ્પિટલના બેડ ઉપર પડેલી નવી નવેલી દુલ્હન આરતી પાસે તેનો પતિ અવધેશ પોતાની પત્નીની દેખરેખમાં લાગી ગયો છે.આરતીના લગ્નની બધી જ તૈયારીઓ થઇ ચુકી હતી અને 8 ડિસેમ્બરના રોજ જાન આવવાની હતી. પરંતુ બપોરમાં ધાબા ઉપર રમી રહેલા પોતાના ત્રણ વર્ષના ભત્રીજાને બચાવવાના ચક્કરમાં આરતી ધાબા ઉપરથી નીચે પડી ગઈ.
આ દુર્ઘટનામાં તેના કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું જેના કારણે તેના બંને પગે ચાલવાની તાકાત પણ ચાલી ગઈ. ઘરવાળાએ તેને પ્રયાગરાજની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરાવી. જ્યાં આરતીની સારવાર ચાલી રહી છે.
દુલ્હા અવધેશને અને તેના ઘરના લોકોને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેના ઘરેથી બે લોકો તપાસ કરવા માટે પણ પહોંચ્યા, ઘટનાની સચ્ચાઈ અવધેશને પણ મળી ગઈ. આરતીના ઘરવાળાએ આરતીની નાની બહેન સાથે અવધેશના લગ્ન કરવાની વાત કરી, પરંતુ અવધેશે નક્કી કરી લીધું હતું કે આરતીને જ પોતાની જીવનસાથી બનાવશે. ભલે કંઈપણ થાય. પરંતુ તે જીવનભર તેનો સાથ આપશે.

અવધેશ પણ તરત હોસ્પિટલમાં પહોંચી ગયો અને આરતીની દેખરેખ રાખવા લાગ્યો, અવધેશ અને આરતી વચ્ચેના આ પ્રેમને જોઈને ત્યાં ઉભેલા લોકો અને સંબંધીઓ પણ તે બંનેને સલામ કરે છે.તો બીજી તરફ આરતીના ઘરવાળાએ ડોક્ટર સાથે વાતચિત કર્યા બાદ એક દિવસ માટે એમ્બ્યુલન્સ દ્વારા આરતીને પોતાના ગામ પાછા લઇ ગયા જ્યાં અવધેશ અને આરતીના લગ્નના ફેરા અને બીજા રિવાજો પણ પૂર્ણ કરવામાં આવ્યા. ત્યારબાદ આરતીને પરત પ્રયાગરાજની હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવી.

મુશ્કેલ સમયમાં જયારે પોતાનો પડછાયો પણ પોતાનો સાથ છોડી દે છે, એવા સમયમાં આરતીની પડખે અવધેશ આવીને ઊભો રહી ગયો. આરતી પણ પોતાની જાતને ખુબ જ ભાગ્યશાળી સમજે છે. આરતી અને અવધેશે એ સાબિત કરી આપ્યું કે હજુ પણ સાચો પ્રેમ જીવે છે. તેમના લગ્ન પ્રેમમાં નાસીપાસ થનારા લોકો માટે એક મોટું ઉદાહરણ બની ગયું છે.