રકુલ પ્રીત સિંહ, કૃતિ ખરબંદા અને તાપસી પન્નુ બાદ 37 વર્ષિય સોનાક્ષી સિન્હા બનશે દુલ્હન, જાણો કોણ છે દુલ્હો…

રકુલ પ્રીત સિંહ, કૃતિ ખરબંદા અને તાપસી પન્નુ પછી બી-ટાઉનની વધુ એક અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ સોનાક્ષી સિન્હા છે. 37 વર્ષિય સોનાક્ષી દુલ્હન બનવા માટે તૈયાર છે. સોનાક્ષી ઘણા સમયથી એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. ભલે બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હોય, પરંતુ તેમની બોન્ડિંગ અને પ્રેમથી ભરેલી તસવીરો અને પોસ્ટ્સ ચોક્કસપણે તેમના સંબંધોને જાહેર કરે છે.

ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે સોનાક્ષી સિન્હા વર્ષો સુધી ડેટ કર્યા બાદ ઝહીર સાથેના પોતાના સંબંધોને લગ્નનું નામ આપવાની તૈયારી કરી રહી છે. રીપોર્ટ્સ અનુસાર, ‘દબંગ’ એક્ટ્રેસ 23 જૂને ઝહીર સાથે લગ્ન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન મુંબઈમાં જ થશે.

લગ્નની ઉજવણી શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં કરવામાં આવશે. આમાં અભિનેત્રીનો પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે. આ ઉપરાંત ‘હીરામંડી’ની કાસ્ટ ભાગ લઈ શકે છે. કપલના લગ્નનું કાર્ડ પણ બની ગયુ છે, જેને મેગેઝીનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેના પર લખેલું છે- ‘અફવાઓ સાચી છે.’

જણાવી દઇએ કે, હજુ સુધી સોનાક્ષી સિન્હા કે ઝહીર ઈકબાલે તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેએ આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઝહીરની વાત કરીએ તો, તે એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ઈકબાલ રતાંસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. સલમાન ખાનના પરિવાર સાથે પણ તેની ગાઢ મિત્રતા છે.

સલમાન ખાને ઝહીરને વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી લોન્ચ કર્યો હતો. સોનાક્ષીએ પહેલીવાર ઝહીર સાથે ફિલ્મ ‘ડબલ એક્સેલ’માં કામ કર્યું હતું. ઝહીરે મુંબઈ સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની લવસ્ટોરીની વાત કરીએ તો બંનેની મુલાકાત સલમાન ખાન દ્વારા થઈ હતી.

Shah Jina