લેખકની કલમે

“સેવા…મેવા જરૂર આપે છે – ક્યારેય અજાણતા જ કોઇની મદદ માટે લંબાવેલ હાથ વરદાન બની ફળ આપે છે…વાંચો આવી જ એક સમજવા જેવી વાત લેખકની કલમે….

  • “નાનકડી મદદનું બીજ, વટવૃક્ષ બની જાય છે.
  • ઈશ્વરના દરબારમાં એની, નોંધ પણ લેવાય છે.
  • એણેજ આપેલું જ્યારે,તું કરે અન્યને અર્પણ,
  • સ્વર્ગસદનમાં બેઠા બેઠા, સર્વેશ્વર હરખાય છે…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

રાત્રીના લગભગ આઠેક વાગ્યે ધોધમાર વરસાદ વરસી ચુક્યો હતો અને હજી પણ એના ફોરા પડવાના ચાલુ હતા. બરાબર એજ સમયે એક યુવાન મંદિરમાં દર્શન કરી બહાર નીકળ્યો અને પોતાના ઘેર જઇ રહ્યો હતો. વરસાદના કારણે બજારમાં કોઈ માણસ દેખાતું ન હતું. કાયમ રાત્રે મોડા સુધી ધમધમતી બજાર પણ આજે વહેલી બંધ થઈ ગઈ હતી અને સુમસામ લાગતી હતી.
રસ્તા પર જતાં જતાં એ યુવાનની નજર એક દુકાનના સાયબન નીચે ઉભેલા એક વૃદ્ધ દંપતી પર પડી. અંતરમાં કોઈ ઇશ્વરીય આદેશ કે પછી સાહજિક ભાવે એ યુવાન પેલા દંપતી પાસે ગયો અને એમને ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે એ શહેરમાંથી આવે છે. આવતી કાલની પૂનમની માનતા પુરી કરવા એ આજે બપોરના ગામમાં આવ્યા હતા. બીજા દિવસે પૂનમ હોવાથી આજથી યાત્રિકોની ગામમાં ભારે ભીડ હતી જેથી ખૂબ તપાસ કરવા છતાં એમને કોઈ ધર્મશાળામાં રાતવાસો કરવા માટે એકેય રૂમ મળી ન હતી. બધીજ ધર્મશાળાઓ હાઉસફુલ હતી. જેથી હવે એ બન્ને ભગવાન ભરોશે મંદિરની બહાર અહીં ઉભા છે… એમની આખી વાત જાણ્યા પછી પેલા યુવાને વૃદ્ધ દંપતી ને તરત કહ્યું…”કાકા… જો આપને કોઈ વાંધો ન હોય તો આપ બંને મારા ઘેર આવી શકો છો. મારું ઘર નાનું છે પણ તમને એક રાત ગાળવા કોઈ તકલીફ નહિ પડે. અને કાલે તમારી પૂનમની માનતા પુરી કરી લેજો…મારાથી બને એટલી તમારી વ્યવસ્થા હું કરીશ…”
કોઈ પણ જાતની ઓળખાણ વિના એ યુવાને એ દંપતી તરફ મદદનો હાથ લંબાવ્યો અને કુદરતી રીતેજ જાણે એમને યુવાન પર વિશ્વાસ પણ બેઠો અને બન્ને એ યુવાનના ઘેર ગયા. ત્યાં રાત રોકાયા અને પૂનમના દિવસે સવારે વહેલા ઉઠી નાહીં ધોઈ પોતાની માનતા પુરી કરવા મંદિરે ગયા. ખૂબ સારી રીતે ભગવાનની ભક્તિ થઈ અને બપોરના પાછા એ યુવાનના ઘેર આવી ગયા.
એકબીજાનો પરિચય હવે ગાઢ બની ચુક્યો હતો. પોતાની રહેવાની વ્યવસ્થા કરવા બદલ એ દંપતીએ યુવાનનો હૃદયથી આભાર માન્યો. એકબીજાના સંપર્ક નંબર અને શહેરમાં પોતાના ઘરના સરનામાની પણ આપણે થઈ. જતાં જતાં એ વૃદ્ધ દંપતીએ કોઈ પણ મદદની જરૂર હોય તો સંપર્ક કરવાનું પણ યુવાનને જણાવ્યું. રાજી થતાં થતાં એ દંપતીએ વિદાય લીધી. પોતાના ઘેર જઇ પોતાના દીકરા અને વહુ ને આ આખી વાત જણાવી અને મદદ કરનાર યુવાનનું નામ પણ જણાવ્યું. એજ સમયે વૃદ્ધના દીકરાએ પણ પેલા યુવાનને ફોન લગાવી પોતાના માતા પિતાને મદદ કરવા બદલ એનો આભાર માન્યો…
આ ઘટનાના છ એક મહિના પછી શહેર ની હોસ્પિટલના કેશ કાઉન્ટર પર એજ યુવાન ઉભો હતો. હોસ્પિટલના કેશિયર એને કહી રહ્યા હતા કે પહેલા પચાસ હજાર રૂપિયા જમા કરાવો પછીજ તમારા પિતાશ્રી નું ઓપરેશન થશે. આ અમારી હોસ્પિટલનો નિયમ છે. એ યુવાન પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાની વાત કરી રહ્યો હતો. પણ કેશિયર પોતાની વાત પરજ અડગ હતા કારણ એ પણ નિયમથી બંધાયેલા હતા.

બરાબર એજ સમયે એપરોન પહેરેલું અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવેલ એક યુવાન ડોકટર ત્યાંથી પસાર થતા હતા. એમને આ બોલાચાલી સાંભળી અને એ પણ કાઉન્ટર પર ગયા અને એમની નજર દાખલ કરેલ પેલા યુવાનના પિતાશ્રી ની ફાઇલ પર ગઈ. ગામનું નામ વાંચ્યું અને તરત ફાઇલ હાથમાં લીધી. બધી ડિટેલ વાંચી પેલા યુવાનને એનું નામ પૂછ્યું. નામ સાંભળતાજ ડોક્ટરે કેશિયરને એક બાજુ બોલાવી એ દર્દીને ઓપરેશન માટે દાખલ કરી દેવા જણાવ્યું અને ભરવાની થતી પચાસ હજારની રકમ પોતાના પગારમાંથી ડેબિટ કરી લેવા જણાવ્યું. ડોક્ટરની સૂચના મુજબ કેશિયરે બધી વિધિ પતાવી અને યુવાનના પિતાને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. અને એમનું ઓપરેશન પણ થઈ ગયું.
ઓપરેશન બાદ વોર્ડમાં પોતાના પિતા ની પથારી પાસે બેઠેલો યુવાન હજી પણ વિચારતો હતો કે આ બધું કઈ રીતે શક્ય બન્યું…!!! ડોક્ટરે પેલા કેશિયરને એક બાજુ બોલાવી એવું તે શું કહ્યું હશે કે પૈસા જમા કરાવ્યા વિનાજ એના પિતાનું ઓપરેશન થઈ ગયું…!!! બરાબર એજ સમયે હોસ્પિટલનો એક વોર્ડબોય હાથમાં એક કવર લઈને આવ્યો અને એને કવર પેલા યુવાનના હાથમાં મૂક્યું. કવર જોઈ તરત યુવાનને થયું કે ચોક્કસ એમાં ઓપરેશનનું બિલ હશે. એને કવર ખોલ્યું અંદર રહેલ એક કાગળ બહાર કાઢ્યો તો અંદર લખેલું હતું…
“એક અજાણ્યા વૃદ્ધ દંપતીને પોતાના ઘેર રાતવાસો કરાવનાર દેવદૂત સમાન યુવાનના પિતાશ્રીનું ઓપરેશન કરાવવાનું સૌભાગ્ય પામનાર એક ડોકટરના આપને કોટી કોટી વંદન…
મારા માતા પિતાની માનતા પુરી કરાવવા તમે એમને એક રાત આપી હતી. હું તમારા પિતાશ્રી નું ઓપરેશન કરાવી એમને જિંદગી આપું છું…
લિ. આપની સેવા લેનાર વૃદ્ધ દંપતિનો ડોકટર દીકરો…”કાગળ વાંચી પેલા યુવાનનું હૈયું ભરાઈ ગયું અને હર્ષના આંસુથી એની આંખો છલકાઈ ઉઠી…

● POINT :- કોઈ અજાણ્યાને કોઈ પણ અપેક્ષા વિના આપણા તરફથી લંબાવેલ મદદનો એક હાથ સમય આવ્યે પ્રભુના હજાર હાથ બની આપણી ઉપર રહેમ કરી જાય છે..

Author: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (GujjuRocks Team)
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.