રન મશીન ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલીને છોડ્યો પાછળ, ધોનીને પણ પછાડ્યો…આવું કરનાર CSKનો પહેલો કેપ્ટન

IPL 2024: વિરાટ કોહલી પાસેથી આ ધુરંધર ખેલાડીએ છીનવી ઓરેન્જ કેપ, જુઓ રેકોર્ડ

IPL 2024ની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભલે પંજાબ કિંગ્સનો 7 વિકેટે વિજય થયો હોય અને ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે તે IPL 2024માં ઓરેન્જ કેપ હોલ્ડર બની ગયો છે. તેણે ચેન્નાઈ માટે 10 મેચમાં 509 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને પાછળ છોડીને ગાયકવાડ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.

બુધવારે પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 48 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં પંજાબ કિંગ્સ ટીમે ત્રણ વિકેટના નુકસાને 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને 7 વિકેટે જીત મેળવી હતી. જો કે, રુતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો અને IPL સિઝનમાં 500થી વધુ રન બનાવનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ કેપ્ટન બન્યો.

આ પહેલા વર્ષ 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 461 રન બનાવ્યા હતા અને તે વર્ષે ધોની ઓરેન્જ કેપ ધારક બન્યો હતો. જો કે આ વખતે ઋતુરાજ ગાયકવાડે માત્ર 10 મેચમાં જ 509 રન બનાવ્યા, જેમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ 108 રન છે. રુતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની સોંપવામાં આવી છે અને તેની કેપ્ટનશીપ હેઠળ તેણે પોતાની ટીમને 10 માંથી 5 મેચમાં જીત અપાવી છે. CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે રાજસ્થાન રોયલ્સ પ્રથમ સ્થાને છે.

રાજસ્થાને પોતાની 9 મેચમાંથી 8 મેચ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા સ્થાને છે અને લખનઉ સુપરજાયન્ટ્સ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જો કે હજુ સુધી કોઈ જસપ્રિત બુમરાહ પાસેથી પર્પલ કેપ છીનવી શક્યું નથી. ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ રસપ્રદ બની રહી છે. ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલીને મોટો ઝટકો આપ્યો છે અને તેની પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી છે. જો કે, પર્પલ કેપ રેસમાં ટોપ 5માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. IPL 2024ની પર્પલ કેપ હજુ પણ જસપ્રિત બુમરાહ પાસે જ છે.

એવી અપેક્ષા હતી કે હર્ષલ પટેલ અથવા મુસ્તાફિઝુર રહેમાન એક વિકેટ લઈને તેને પાછળ છોડી શકે છે, પરંતુ CSK vs PBKS મેચમાં આ ખેલાડીઓ ખાલી હાથે પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં બુમરાહ આ સિઝનમાં હજુ પણ નંબર વન બોલર છે. બુમરાહ પછી CSKના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છે, જેમણે 14-14 વિકેટ લીધી છે. ચોથા નંબર પર મથિશા પથિરાના છે, જે પંજાબ સામે રમ્યો નહોતો. તેણે 6 મેચમાં 13 વિકેટ લીધી છે.

Shah Jina