ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબરો સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે, ઉના શહેરમાં ખાઉગલી પાસે આવેલ નાઘેર પાંઉભાજીની દુકાનમાં વહેલી સવારે એક કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર દુકાનમાં ધૂસી ગઈ હતી અને દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ પર ફરી વળી.
ત્યારે આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદ રહેતો પરિવાર રાતના કાર લઇ ઉનાથી દીવ તરફ જતો હતો ત્યારે શિવાજી પાર્કની સામેના ભાગે ખાઉગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતા કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો.
આ પછી કાર સીધી નાઘેર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ અને બહાર ઓટલા પર સૂતેલા એક અસ્થિર મગજના દિનેશભાઈ ગાંધી નામના વૃદ્ધ પર ફળી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ અકસ્માતની ઘટનામાં દુકાનનું શટર, કાચ, ટેબલો અને દીવાલના પિલરોમાં ભારે નુકસાન થયું હતું અને બહાર પાર્ક એક બાઇક હવામાં ફંગોળતા તેનો કચ્ચરધાણ વળી ગયો હતો.
જો કે કારમાં સવાર બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ બચી ગયા હતા, જેમને નાની-મોટી ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતની જાણ નાઘેર પાંઉભાજી દુકાનના માલિક તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. એવું સામે આવ્યુ છે કે કાર પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ હતું અને ડોક્ટરનો સિમ્બોલ પણ મારેલો જોવા મળ્યો હતો.