પોઈચાની નર્મદા નદી ન્હાવા માટે ગયેલ સુરતના પરિવાર સાથે હાલમાં જ ગોઝારી દુર્ઘટના સર્જાઈ, અને એક જ પરિવારના 4 સહિત 8 સભ્યો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 8 પૈકી 7 વ્યક્તિઓ ડૂબી ગયા અને એકનો આબાદ બચાવ થયો. ત્યારે હવે ડૂબી ગયેલા 7 પૈકી 3ના મૃતદેહ મળી આવ્યા છે અને એક કિશોરનો મૃતદેહ સુરતના સનિયા હેમાદ ગામ ખાતે તેના ઘરે પણ લાવવામાં આવ્યો. આ પછી તેની અંતિમયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 18 વ્યક્તિઓ પોઈચા નર્મદા નદી કિનારે નહાવા માટે ગયા હતા અને અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ 8 સભ્યો પાણીમાં ગરકાવ થવા લાગ્યા. જેને કારણે કાંઠે બેઠેલાં પરિવારજનોએ બૂમાબૂમ કરી અને સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યા.
જો કે 7 સભ્યો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા બાદ રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરી અને સવારે ભાવેશ હડિયાનો મૃતદેહ મળી આવ્યો. ત્યારે ભરૂચ ખાતે પીએમ બાદ તેનો મૃતદેહ સુરત ઘરે લવાયો અને તેના નિવાસ્થાનેથી અંતિમયાત્રા નીકળી.
ભાવેશ હડિયા પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ-10મા આવ્યો હતો. તે સોસાયટીના લોકો સાથે એકલો ગયો હતો, તેના તો માતા-પિતા ઘરે હતા. જો કે, ભાવેશની અંતિમયાત્રા નીકળ્યા બાદ આખું ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શોકની કાલિમા છવાઈ.