ભારતની હાર માટે આખરે કોણ જવાબદાર ? ક્યાં આગળ થઇ ગઈ ભૂલ ? કપ્તાન રોહિત શર્માએ મેચ બાદ આપી અપડેટ… જુઓ શું કહ્યું ?
Rohit’s statement after the loss in the final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સતત 10 મેચ જીતીને વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાઈ ટીમ પણ કમ નહોતી. તે પણ પાંચ વાર વિશ્વ વિજેતા બની ચુકી હતી અને મેચનું પરિણામ પણ ઓસ્ટ્રેલિયા તરફી આવ્યું અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. ભારતની આ હાર બાદ કરોડો ક્રિકેટ પ્રેમીઓને આઘાત પહોંચ્યો હતો.
રોહિત શર્માનું નિવેદન :
ભારતની હાર બાદ મેદાન પર પણ ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના તમામ ખેલાડીઓની આંખો આંસુઓથી પણ છલકાઈ ઉઠી હતી. કારણ કે વર્ષ 2011 બાદ ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપનું સપનું જોયું હતું, પરંતુ હાર સાથે જ આ સપનું પણ તૂટી ગયું. ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ સારી ન હતી જેના કારણે પરિણામ તેની તરફેણમાં આવ્યું ન હતું પરંતુ તેને આખી ટીમ પર ગર્વ છે.
હાર બાદ પણ ટીમ પર ગર્વ છે :
રોહિતે કહ્યું કે, “”(ફાઇનલનું) પરિણામ અમારા મુજબનું ના રહ્યું અને અમે જાણીએ છીએ કે અમે સારું નથી રમ્યા. ઈમાનદારીથી કહું તો 20-30 રન વધારે હોત તો સારું રહેતું. કોહલી અને રાહુલ રમતા હતા ત્યારે હતું કે 270 કે 280 રન થઇ શકશે, જે સારો સ્કોર રહેશે. પરંતુ અમારી વિકેટો પડતી જ ગઈ ! મેચનું પરિણામ ભલે અમારા પક્ષમાં ન હતું, પરંતુ અમે જાણીએ છીએ કે આજનો દિવસ અમારા માટે સારો ન હતો, મને ટીમ પર ગર્વ છે.”
છઠ્ઠી વાર વિશ્વ વિજેતા બન્યું ઓસ્ટ્રેલિયા :
વર્લ્ડ કપ ટ્રોફી ના મળવાથી નિરાશા રોહિત અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર દર્શકોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કપ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી, બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 240 રનનો સ્કોર બનાવ્યો, જવાબમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ જલ્દી જ પાડી દીધી હતી, પરંતુ પછી મોટી ભાગીદારી થઇ અને ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હાર આપી સતત છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયું.