લક્ઝુરિયસ કાર બળીને ભડથું થઇ ગયા બાદ માંડ માંડ પોતાનો જીવ બચ્યો, ડોક્ટરોએ ક્રિકેટ રમવા વિશે કહ્યું….

ક્યાં સુધી ક્રિકેટથી દૂર રહેશે ઋષભ પંત ? જાણો ડોકટરના મોઢે…ઘટના બાદનો પહેલો વીડિયો આવ્યો સામે

આજે વહેલી સવારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટ કીપર ઋષભ પંતને એક જોરદાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેની કાર બળીને રાખ થઇ ગઈ, અને ઋષભ માંડ માંડ પોતાનો જીવ બચાવીને કારના કાચ તોડીને બહાર નીકળ્યો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ઈજાઓ પણ થઇ છે. ત્યારે તેના ચાહકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે, સાથે જ તેના ક્રિકેટ રમવાને લઈને પણ તે ખુબ જ ચિંતિત છે.

દરેકના મનમાં એક સવાલ ફરી રહ્યો છે કે આ અકસ્માત બાદ શું ઋષબ ક્રિકેટથી દૂર થઇ જશે ? ત્યારે હવે આ મામલામાં તેની સારવાર કરી રહેલા ડોક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે. પંતને સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, ઈમરજન્સી યુનિટમાં તેની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે કહ્યું કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવાની જરૂર છે.

તેમણે આગળ જણાવ્યું કે કે જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી હતી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેને માથામાં ઈજા છે પરંતુ મેં તેને ટાંકા નથી લીધા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રે દર્શાવે છે કે કોઈ હાડકું તૂટ્યું નથી.

ઋષભ પંતના જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે કેટલી ગંભીર છે તે એમઆરઆઈ અથવા આગળના ટેસ્ટ દ્વારા જાણી શકાશે. હાલમાં, લિગામેન્ટની ઇજાને સાજા થવામાં બે થી છ મહિનાનો સમય લાગે છે. જો આવું થાય તો પંત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અથવા તો IPLની શરૂઆતની મેચો પણ ચૂકી શકે છે. પરંતુ આ અંગે ફાઇનલ મેડીકલ રિપોર્ટ આવે તે પહેલા હજુ કંઇ કહેવું વહેલું ગણાશે.

તેમણે આગળ જણાવ્યું કે પંતની પીઠ પર મોટો ઘા છે અને સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ છે તે દાઝી ગયેલી ઈજા નથી. ડો. નાગરે વધુમાં જણાવ્યું હતું કે પીઠમાં ઈજા થઈ હતી કારણ કે તેણે કારમાં આગ લાગતાની સાથે જ બારી તોડીને બહાર કૂદી પડ્યો હતો. તેની પીઠ પર પડવાથી તેની ચામડીની છાલ ઉતરી ગઈ હતી પરંતુ તે આગમાં બળવાની ઈજા નથી અને તે ગંભીર પણ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે જેમાં પંત પોતે ઘટના પછી ઉભો જોવા મળી રહ્યો છે. તે ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી રહ્યો છે.

બીજી તરફ, દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિશાંત યાજ્ઞિકે જણાવ્યું હતું કે પંતની દેખરેખ ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તેમની સ્થિતિ અંગે ટૂંક સમયમાં મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે કારણ કે તેણે ફેબ્રુઆરીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ પ્રોગ્રામ માટે NCAમાં જોડાવાનો છે.

Niraj Patel