ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે દિલ્હીથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં કારમાં આગ પણ લાગી હતી. આ અકસ્માતમાં ઋષભ પંતને ઘણી ગંભીર ઇજાઓ પહોંચી છે. તે જાતે જ ગાડીની બારીના કાચ તોડીને બહાર આવ્યો.
પંત માત્ર ક્રિકેટની પીચ પર જ નહીં પરંતુ જીવનની પીચ પર પણ કેવી રીતે લડવું તે જાણે છે. તેણે ઘણી વખત ભારતીય ક્રિકેટ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. આજે સવારે જ્યારે તે મુશ્કેલીમાં હતો, ત્યારે તેણે ફરી એક વાર પોતાની જાતને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને આગ વધે તે પહેલા ઈજાગ્રસ્ત ઋષભ પંતે બારીનો કાચ તોડીને પોતાની જાતને બહાર કાઢી હતી.
અકસ્માત બાદ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે તે ખતરાની બહાર છે.ત્યારે ઋષભ પંતની કારના અકસ્માત બાદ ત્યાં હાજર એક બસ ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યું છે. બસ ડ્રાઈવર સુશીલ કુમારે દાવો કર્યો હતો કે તેણે પંતને કારમાંથી બહાર કાઢ્યો હતો. આજતક સાથે વાત કરતા સુશીલે કહ્યું કે ઋષભ પંતે તેને કહ્યું કે “હું ઋષભ પંત છું”.
સુશીલે જણાવ્યું કે જ્યારે તેણે પંતને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ખરાબ રીતે લોહીથી લથપથ હતો અને લંગડાતો ચાલી રહ્યો હતો. સુશીલે એ પણ જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો. તેણે કહ્યું કે તે હરિદ્વારથી આવી રહ્યો છે. પંત દિલ્હીથી હરિદ્વાર જઈ રહ્યા હતા. સુશીલના કહેવા પ્રમાણે, પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈને બીજી બાજુ આવી ગઈ.
જે બાદ તેણે પોતાની બસ રોકી. તે કહે છે કે તે હરિયાણા રોડવેઝની બસમાં ડ્રાઈવર છે. તે 4:25 વાગ્યે હરિદ્વારથી નીકળ્યો હતો અને ત્યારે દિલ્હી તરફથી એક કાર આવી અને ડિવાઈડરને ટક્કર માર્યા બાદ બીજી બાજુ આવી ગઈ. તેમણે બસને બ્રેક લગાવી અને તરત જ બહાર નીકળી ત્યાં જઇ જોયુ તો કારમાંથી એક વ્યક્તિ અડધી બહાર જોવા મળી હતી. મને લાગ્યું કે તે મરી ગયો છે. કારમાં આગ લાગી હતી. પછી મેં તેને પૂછ્યું કે શું કારમાં બીજું કોઈ છે ?
તો તેણે કહ્યું ના, હું એકલો છું અને તેનું નામ કહ્યું. સુશીલે વધુમાં જણાવ્યું કે તે પંતને બહાર લઈ ગયો અને તેને ડિવાઈડર પર સૂવા માટે કહ્યું પરંતુ તે જાતે જ ઉભો થઈ ગયો. તેના શરીર પર કપડા નહોતા. મેં તેને ચાદર આપી. તે એક પગ પર લંગડાતો હતો. આ પછી મેં પોલીસ અને નેશનલ હાઈવેના લોકોને જાણ કરી હતી. સુશીલના કહેવા પ્રમાણે આ અકસ્માત ભયંકર હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ છે. રિપોર્ટ અનુસાર પંતને માથામાં ઈજા છે અને પગમાં ફ્રેક્ચર છે. જણાવી દઇએ કે, રિષભ પંતની ભારતીય ક્રિકેટ ટીમના ફિટ ક્રિકેટરોમાં ગણતરી થાય છે. પંતે અત્યાર સુધીમાં 33 ટેસ્ટમાં પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 2,271 રન બનાવ્યા છે. તેણે 30 વનડે અને 66 ટી-ટ્વેન્ટીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. રિષભ પંત IPLમાં દિલ્હીનો કેપ્ટન પણ છે.
View this post on Instagram