આખું વિશ્વ ૮ માર્ચને રોજ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ તરીકે ઉજવે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા કરાયેલાં કામની, એમનાં પ્રદાનની વાતો કરવામાં આવે છે. ભારત પ્રાચીનકાળથી જ સ્ત્રીને ‘શક્તિ’ સ્વરૂપે પૂજતું આવ્યું છે. ઇસ્લામિક આક્રમણો બાદ આવેલી અરાજકતામાં હિન્દુ પ્રજાની માનસિક વૃત્તિ થોડી સંકોચાઈ જેના પરિણામ સ્વરૂપ સ્ત્રીઓનું મહત્ત્વ ઓછું અંકાયું હોય તેવું લાગે છે. જો કે, આવા દાખલા માત્ર અમુક જ છે. અને પછી તો ઘણાખરા ઉપજાવી કાઢેલા પણ છે!
ભારતમાં પાકેલાં સ્ત્રીરત્નોનું વર્ણન કરવામાં આવે તો ગ્રંથો ભરાય જાય એમ છે. પ્રાચીનકાળથી આર્યનારીઓ દરેક બાબતમાં પુરુષ સમોવડી બની ઊભી છે. અહીં વાત કરવી છે એક એવી નારી વિશે, જેની ગાથા વાંચીને ખરેખર અભિભૂત થઈ જવાય છે! વાંચો ત્યારે ‘તારાબાઈ’ના પરાક્રમની અદ્ભુત વાત :

ભરયુવાનીમાં બેઘર બનેલી તારાબાઈ:
રાજા હમીરસિંહ ‘મહારાણા’નો ખિતાબ ધરીને મેવાડની ગાદી પર બેઠા એ પ્રસંગને ૧૦૦ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો. મેવાડ પર રાણા કુંભાના પુત્ર રાણા રાયમલ્લનું શાસન હતું. રાણા રાયમલ્લ એટલે કઠોર પરિશ્રમી, નિપૂણ યુદ્ધબાજ અને લક્ષ્મણ જતિ જેવા ચારિત્ર્યવાળા માણસ! રાયમલ્લને ત્રણ પુત્રો હતા : સંગ્રામસિંહ, પૃથ્વીરાજ અને જયમલ્લ. (એમાના સંગ્રામસિંહ એટલે રાણા સાંગા! જેણે આગળ જતા મુઘલ રાજા બાબરના દાંત ખાટા કરી નાખ્યા હતા.)
મેવાડની રાજધાની ઉદયપુરથી આશરે ૪૫૦ કિલોમીટર દૂર ટોડા નામની રિયાસત આવેલ છે. ટોડા પર એ વખતે રાવ રત્નસિંહનું શાસન હતું. તેની કુંવરી તારાબાઈ સ્વર્ગની અપ્સરા જેવી રૂપરૂપનો અંબાર હતી. તારાબાઈ જેટલી રૂપવાન એટલી જ ગુણવાન અને એટલી બળવાન હતી. પટ્ટાબાજી, ધનુષ્યવિદ્યા અને ઘોડેસ્વારીમાં તે રાજપૂતાનાના ખૂંખાર યુદ્ધવીરોને હંફાવે તેવી હતી.
એક વખત લલ્લા નામના પઠાણ બાદશાહે મસમોટી સેના સાથે ટોડા પર આક્રમણ કર્યું. રાવ રત્નસિંહનું ટોડા બહુ મોટું રાજ્ય તો હતું નહી કે તેની પાસે વિશાળ સૈન્ય હોય. આથી ટોડાની સેના લલ્લા પઠાણનો પ્રતિકાર ન કરી શકી. રત્નસિંહને પુત્રી તારાબાઈ સાથે મેવાડમાં આશરો લેવો પડ્યો.

આંખ ઊંચી કરનારનું માથું વઢાયું!:
રત્નસિંહ અને દીકરી તારાબાઈ મેવાડમાં આવીને રહ્યા. તારાબાઈને આવો પરઘરનો આશરો જરા પણ પસંદ નહોતો. રત્નસિંહને દીકરો નહોતો. તારાબાઈને દુ:ખ થતું કે મારા બાપને શેરમાટીની ખોટ છે એટલે દ્વાર-દ્વાર ભટકવું પડે છે ને! એને ઘણીવાર થતું કે ભલે મારો જીવ જતો રહે પણ એકવાર લલ્લા પઠાણને ચીરી નાખવો છે! પણ એ વિચાર વ્યાજબી નહોતો. આખરે તારાબાઈ દીકરી હતી. એને જો કોઈનો સાથ મળે તો ટોડા પાછું મેળવવું શક્ય બને.
રત્નસિંહે જાહેરાત કરી કે, કોઈ પણ રાજપૂતનો દીકરો મલેચ્છોના હાથમાંથી ટોડા પાછું મેળવી આપશે એને હું મારી દીકરી પરણાવીશ! દેવાંગી તારાબાઈને વરવાનો વિચાર તો એ વખતે અનેક રાજકુમારોને હતો. પણ સામે શરત પણ એટલી જ આકરી હતી.
રાણા રાયમલ્લના સૌથી નાના પુત્ર જયમલ્લે આ બીડું ઝડપ્યું. એણે ટોડા પર આક્રમણ કર્યું. પણ લલ્લા પઠાણને હાથે હારીને પાછો આવ્યો. જયમલ્લને લાગ્યું કે આમ સીધી રીતે તો તેની ઇચ્છા કદી પૂરી નહી થાય! સિસોદિયા કુળને કલંક લગાડતો વિચાર એનાં મનમાં આવ્યો : તારાબાઈનું અપહરણ કરવાનો! તેઓ હતા પણ મેવાડને જ આશરે ને! આથી, જયમલ્લને લાગ્યું કે આ કામ કરતા પોતાને કોઈ નહી રોકે.
તારાબાઈનાં રૂપ પાછળ ગાંડો થયેલો જયમલ્લ એ વાતનું ભાન ભૂલ્યો હતો કે, રત્નસિંહ ભલે પોતાને ઘેર આશરે હતા પણ દીકરીની આબરૂનું રક્ષણ કરવા તેઓ ગમે તે હદે જઈ શકતા હતા! જયમલ્લે તારાબાઈનું હરણ કરવાનો પ્રયાસ કર્યો એની જાણ રત્નસિંહને થઈ. પળવારમાં જ તેણે તલવારના ઘાથી જયમલ્લની ડોક ઉડાડી દીધી!
મેવાડમાં હાહાકાર મચી ગયો. આશરે આવેલા મહેમાને જ સિસોદિયાના કુળદીપકને કાપી નાખ્યો. પણ ખબર રાણા રાયમલ્લ પાસે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે, જયમલ્લે મેવાડનું પાણી લજવ્યું છે! તે મર્યો એ જ સારું થયું. હવે તો ટોડા પણ મેવાડની ફોજે જ જીતીને રત્નસિંહના હાથમાં આપવું પડશે! – પોતાનો દીકરો મર્યો ત્યારે એક બાપની આ વાણી હતી! એને અફસોસ દીકરાનાં મરણનો નહોતો, તારાબાઈની આબરૂ પર જયમલ્લે હાથ નાખ્યો એ વાતનો હતો!

લલ્લા પઠાણને વીંધી માર્યો!:
રાણા રાયમલ્લનો વચલો દીકરો પૃથ્વીરાજ યુદ્ધકળામાં નિપૂણ હતો. યુદ્ધ વગર એને ન અન્ન ભાવતું કે ન ઊંઘ આવતી! આ પૃથ્વીરાજે લલ્લા પઠાણના હાથમાંથી ટોડા જીતી લેવાનું બીડું ઝડપ્યું. તારાબાઈની નજર પણ પૃથ્વીરાજ ભણી હતી. એને આ પુરુષમાં રણવીરનાં દર્શન થતાં હતાં. અંદરખાનેથી તેઓ પણ ઇચ્છતા કે પૃથ્વીરાજ જ તેની સાથે વરે! આથી જ્યારે પૃથ્વીરાજે ટોડા પર ચડાઈ કરી ત્યારે ફોજ સાથે પોતે પણ જશે એવી તેણે પિતા પાસે પરવાનગી માંગી. રત્નસિંહે રજા આપી. તારાબાઈ અને પૃથ્વીરાજે ટોડા ભણી કૂચ આદરી.
યુદ્ધ જીતવા માટે બળની સાથૈ જ કરની પણ જરૂર હોય છે. ટોડાના ગઢની બહાર સેના છૂપાઈ ગઈ. મહોરમનો તહેવાર હતો. આસપાસનાં ગામોમાંથી મુસલમાનોનાં અનેક જૂથો તાજીયાં લઈને ટોડામાં દાખલ થતાં હતાં. એક અનુચર સાથે પૃથ્વીરાજ અને તારાબાઈ હથિયારો છૂપાવી, વેશ બદલીને આ તાજીયામાં સાથે ચાલવા લાગ્યાં. લલ્લા પઠાણ પણ એના મહેલ આગળ સફેદ વસ્ત્રોમાં તૈયાર થઈને તાજીયાં સાથે જોડાવા માટે ઊભો હતો. તારાબાઈ અને પૃથ્વીરાજે તેને જોતાવેંત છૂપાવી રાખેલાં ધનુષ્ય બહાર કાઢ્યાં અને વીજળીની ઝડપે બાણોનો મારો ચલાવીને લલ્લાને ત્યાંને ત્યાં જ વીંધી નાખ્યો!
એક ઘાએ હાથી માર્યો!:
લલ્લાનાં મૃત્યુની ચોતરફ ભાગદોડ મચી ગઈ. આ તકનો લાભ લઈ તારાબાઈ અને પૃથ્વીરાજ ગઢના દરવાજા ભણી દોડ્યા. રસ્તામાં અમુક લોકોને શક જતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો એને પણ ઠામ કરી નાખ્યા. ગઢના દરવાજા પાસે જ એક ગાંડો હાથી રસ્તો રોકીને ઊભો હતો. ઇતિહાસ કહે છે, કે તારાબાઈએ એ મદઘેલા હાથીની સૂંઢ તલવારને એક જ ઝાટકે ઉડાડી દીધી અને ગઢ પાર કરી લીધો! બહાર જઈને છૂપાયેલી સેનાને ઇશારો કર્યો. એકસાથે જબરદસ્ત હલ્લો થયો. સરદારના મરવાથી ઘાંઘાવાંઘા થયેલા પઠાણો માટે હવે આ આક્રમણ ખમી શકાય એમ નહોતું. થોડીવારનાં યુદ્ધ પછી ટોડા પર રાવ રત્નસિંહનો ધ્વજ ફરકતો હતો! રાવ રત્નસિંહે ત્યારબાદ તારાબાઈનો હાથ પૃથ્વીરાજના હાથમાં સોંપી દીધો.

બગાડજે મા તું કોઈની બાજી!:
પૃથ્વીરાજ અને તારાબાઈનું પવિત્ર લગ્નજીવન આનંદથી પસાર થતું હતું. એક દિવસ સિરોહીથી પૃથ્વીરાજની બહેનનો સંદેશો આવ્યો. (સિરોહી આબુની બાજુમાં આવેલ રજવાડું હતું.) પૃથ્વીરાજની બહેન સિરોહીના રાજાની પત્ની હતી. રાજા અફીણનો હરેડ બંધાણી થઈ ગયો હતો અને નશામાં તે પૃથ્વીરાજની બહેન પર સખત જુલ્મ ગુજારતો. આમ તો રાજપૂતાણી ધણીની ફરિયાદ ન કરે પણ ધણી જ હદ કરે ત્યારે શું થાય?
પૃથ્વીરાજ સિરોહી ગયો. એના બનેવીને અર્થાત્ સિરોહીના રાજાને પૃથ્વીરાજની તાકાતની ખબર હતી. એણે વાતને વાળવાનો પ્રયાસ કરીને માફી માંગી લીધી. પણ પૃથ્વીરાજને એટલાથી સંતોષ ન થયો. પોતાની બહેન પર આ માણસે કરેલો અત્યાચાર તેનાં મગજમાં ઘૂમતો હતો. પૃથ્વીરાજે તેને માથે ખાસડાં લેવાનું કહ્યું! ડરના માર્યા પેલાએ એ પણ કર્યું!
આવી ઘનઘોર બેઇજ્જતી સિરોહીના રાજાને હાડોહાડ લાગી ગઈ. પૃથ્વીરાજને તે સામી છાતીએ તો પહોંચી વળે તેમ હતો નહી. આથી તેણે પાપી પ્રપંચ કર્યું. મેવાડ જઈ રહેલા પૃથ્વીરાજને ભાતામાં તેણે ઝેર નાખેલા લાડુ બંધાવી આપ્યા! પાછા ફરી રહેલા પૃથ્વીરાજને ભરબપોરે ભૂખ લાગી. વગડામાં એક મંદિરને ઓટલે બેસીને તેણે લાડુ ખાધા. અંગેઅંગમાં ઝેર પ્રસરવા માંડ્યું. બનેવીનું કૂળું કપટ પૃથ્વીરાજ પારખી ગયો. સાથે રહેલા સૈનિકો મેવાડ ખબર આપવા દોડ્યા. તારાબાઈ ઝડપથી તેની સાથે આવી પહોંચ્યા. પણ ત્યાં સુધીમાં તો પૃથ્વીરાજનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું!
તારાબાઈએ આક્રંદ કર્યું, “સ્વામી! મને તો એમ હતું કે રણમેદાનમાં તમારી સાથે લડતાં-લડતાં હું મરીશ. દુશ્મનની છાતીઓ ચીરતા તમે વીંધાશો ત્યારે તમારા દેહની માથે રહીને હું પણ ખપી જઈશ. પણ પરમેશ્વરે તમને આવું મોત આપ્યું? હે દાદા એકલિંગ! મેં અભાગણીએ વળી એવાં તો શું પાપ કર્યાં કે મારા પતિને આવું કમોત મળ્યું?”
પૃથ્વીજનું માથું ખોળામાં લઈને તારાબાઈએ એ જ સ્થાને ચિતા સળગાવી. બંને પવિત્ર આત્માઓના દેહ અગ્નિમાં વિલીન થઈ ગયા!
આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે, ફેસબુક-વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો, ધન્યવાદ!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.