ઓ હોહોહો કરનાર અને ક્યાં ગામ ના ગૌરી, ફેમસ ડાયલોગ બોલનાર રમેશ મહેતાની ક્યારેય ન જોયેલી તસવીરો જુઓ
ગુજરાતી ફિલ્મોના કોમેડી સુપરસ્ટાર અભિનેતા રમેશ મહેતા તેમના દમદાર અભિનય માટે જાણિતા છે. તેમનો જન્મ 23 જૂન, 1934ના રોજ રાજકોટ જિલ્લાના ગોદાનલ તાલુકાના નવાગામ ખાતે થયો હતો. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં તેમણે છ મહિના નોકરી પણ કરી હતી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી.
નોકરીએ લાગ્યા બાદ પોતાની 17 વર્ષની ઉંમરે 1949માં વિજયાબહેન સાથે લગ્ન બાદ તેઓ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા અને પછી મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા.
નાટકોના લેખન, મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનુયોગ તેમના દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા.
તેમણે ‘ગાજરની પિપૂડી’ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી. તેમણે વર્ષ 1969માં હસ્તમેળાપ નામની ફિલ્મ લખી હતી. તેમણે 50થી વધારે ફિલ્મો લખી અને ઘણા ગીતો પણ લખ્યા. 70ના દાયકામાં તેમને જેસલ તોરલના સંવાદો લખ્યા અને જેસલના ભાઈબંધનુ પાત્ર ભજવીને લોકોને ખુબ હસાવ્યા. રમેશ મહેતાએ ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે દમદાર અભિનય કર્યો છે અને ઘણી લોકપ્રિયતા મેળવી છે.
લોકો રમેશ મહેતાની કોઈપણ ફિલ્મોમાં એન્ટ્રી જોવા હંમેશા ઉત્સાહિત રહેતા હતા. તેઓ એટલા લોકપ્રિય બની ગયા હતા કે તેઓ દિવસ રાત શૂટિંગ કરતા હતા અને તેમની પાસે ફિલ્મોની પણ લાંબી લાઈનો લાગેલી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું છે અને તેમનો ફોટો પોસ્ટર પર લોકો જોવે તો જ ફિલ્મ જોવા જતા એવી સ્થિતિ હતી. રમેશ મહેતાની ફિલ્મોમાં એન્ટ્રી થતાં જ થિયેટરોમાં સીટીઓ વાગવા લાગતી.
તેમણે 200થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ફિલ્મ કરિયર દરમિયાન તેમને ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેઓ સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહેતા હતા. ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકાદમી એવોર્ડ તેમને એનાયત પણ કરવામાં આવ્યો હતો. ત્યારે 11 મે 2012ના રોજ લાંબી બીમારી પછી 78 વર્ષની ઉંમરે તેઓનું નિધન થયુ.