આ ધુરંધર IPL ક્રિકેટરની વધશે મુશ્કેલી: સપના ગિલ મામલે કોર્ટે આપ્યો તપાસનો આદેશ.. વચ્ચે છોડવી પડશે IPL ?

ફરી મુશ્કેલીમાં પૃથ્વી શો, કોર્ટે પોલિસને સપના ગિલ સાથે જોડાયેલા મામલામાં આપ્યા તપાસના આદેશ

મુંબઈની એક કોર્ટે બુધવારે (3 એપ્રિલ) ગત વર્ષે ક્રિકેટર પૃથ્વી શો સામે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે નોંધાવેલી છેડતીની ફરિયાદની તપાસ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ સી તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. જો કે, કોર્ટે શૉ અને અન્યો સામે એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસ સામે પગલાં લેવાની ગિલની અરજીને ફગાવી દીધી હતી. ગિલે આરોપ લગાવ્યો હતો કે શોએ અંધેરીના એક પબમાં તેની છેડતી કરી હતી.

શો પરના હુમલા બદલ ફેબ્રુઆરી 2023માં અન્યો સાથે ગિલની ધરપકડ કરવામાં આવી હતી. સેલ્ફી લેવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગિલ હાલ જામીન પર છે. જામીન મળ્યા બાદ તે શો, તેના મિત્ર આશિષ યાદવ અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અંધેરી એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી. જ્યારે પોલીસે કેસ નોંધ્યો નહિ ત્યારે તેણે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, ગિલના આરોપોને પૃથ્વી શોએ નકારી કાઢ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સપના ગિલે પૃથ્વી શૉ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેના વકીલ કાશિફ દેશમુખના જણાવ્યા અનુસાર, સપનાએ ભારતીય દંડ સંહિતાની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ ફરિયાદ કરી હતી. પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને કહ્યું હતું કે ક્રિકેટર વિરુદ્ધ તમામ આરોપો ખોટા હતા. CISF અધિકારીઓએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે સપના ગીલે દાવો કર્યો છે તેવી કોઈ ઘટના બની નથી. પોલીસે કોર્ટને કહ્યું કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જોવા મળે છે કે સપના અને મિત્ર શોભિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરતા હતા.

જ્યારે પૃથ્વી ત્યાં પહોંચ્યો ત્યારે શોભિત પોતાના મોબાઈલમાંથી ક્રિકેટરને રેકોર્ડ કરવા માંગતો હતો. પરંતુ શોએ તેને આમ કરતા અટકાવ્યો. ત્યાં હાજર લોકોની પૂછપરછ અને ફૂટેજ જોયા પછી પોલીસને જાણવા મળ્યું કે સપનાને કોઈએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો નહોતો. પોલીસે કોર્ટને એ પણ જણાવ્યું કે તેઓએ ઘટના સ્થળની નજીકના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ટાવરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી. વીડિયો જોયા પછી ખબર પડી કે સપના ગિલ હાથમાં બેઝબોલ બેટ લઈને પૃથ્વી શોની કારનો પીછો કરી રહી હતી.

સપનાએ તેના મિત્રો સાથે મળીને ક્રિકેટરની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. પૃથ્વી શો વિશે વાત કરીએ તો, તે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. શૉ આ સિઝનમાં અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે. જેમાં તેના નામે 26.50ની એવરેજથી કુલ 53 રન છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 155.88 રહ્યો છે.

Shah Jina