કૌશલ બારડ જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

એય પટણા! હું તારા ભાવનગરનો છું, થોડાક રૂપિયા આપતો જા!”

રાજાશાહીમાં ભાવનગર રાજ્ય તેમની પ્રગતિ, પ્રજા પ્રત્યેની ઉદાર ભાવના અને સુશાસનયુક્ત વહીવટના કારણે વખણાતું. આઝાદી કાળના ભાવનગરના બે મોભી રાજપુરુષોનું નામ આજે પણ લોકો આદરપૂર્વક લે છે. એક તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અને બીજા ભાવનગરના દિવાન(પ્રધાન) સર પ્રભાશંકર પટ્ટણી!

સર પ્રભાશંકર પટ્ટણી જેવો પ્રજાની ખેવના કરનાર, રાજકાજમાં અદ્ભુત કુશળતા ધરાવનાર વિદ્વાન રાજપુરુષ ગુજરાતના આધુનિક ઇતિહાસમાં બીજો થયો નથી! મોરબીના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ પ્રભાશંકર પટ્ટણી રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષક હતા અને સાથે ત્યાં ભણતા ભાવનગરના રાજકુમાર ભાવસિંહજી બીજાના ટ્યુટર પણ હતા. ૧૯૦૩થી ભાવનગરનું દિવાન પદ તેમણે સંભાળ્યું હતું. ગોહિલવાડની સામાન્ય જનતા માટે તેમના દિલમાં હંમેશા જગ્યા રહેતી.

Image Source

એય પટણા! ઊભો રહે:
વાત એ વખતની છે જ્યારે પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના દિવાન હતા. એક વખત તેઓ મુંબઈ ગયા. તેમના એક મિત્ર સાથે મુંબઈની સડક પર ચાલતા જઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ પાછળથી એક ઉધ્ધતાઈભર્યો તોછડો અવાજ આવ્યો,

“એય પટણા! ઊભો રહે!”

પાછળ ફરીને જોયું તો એક ચીંથરેહાલ ભિખારી જેવો માણસ ઊભો હતો! સર પટ્ટણીનો મિત્ર મનમાંને મનમાં સમસમી ગયો. આ ભિખારી જેવા માણસને ભાન પણ છે કે તે કોની સાથે વાત કરી રહ્યો છે? જેની સામે અંગ્રેજ લાટસાહેબોથી માંડીને ગાંધીજી સુધીના ખેરખાંઓ અદબથી પેશ આવે છે એ પ્રભાશંકર પટ્ટણીને આ માણસ ‘પટણા’ કહી રહ્યો છે!

પણ પ્રભાશંકર પટ્ટણી તો પેલા માણસની પાસે ગયા અને વિનયપૂર્વક પૂછ્યું,

“બોલ ભાઈ!”

“પટણા! હું તારા ભાવનગરનો છું. અહીં મુંબઈમાં આવીને બહુ દુ:ખી થઈ ગયો છું. મને કંઈક પૈસા આપ, પટણા!” ફરીવાર એટલી જ ઉધ્ધતાઈ વાપરીને એણે પ્રભાશંકર પટ્ટણી પાસે માંગણી કરી.

Image Source

પણ પ્રભાશંકર પટ્ટણીએ એની તોછડાઈને જરા પણ ધ્યાનમાં લીધા વગર ખીસ્સામાંથી ૧૦૦ રૂપિયાની બે નોટ કાઢીને આપી. વધારામાં કહ્યું પણ ખરું કે,

” આ લે ભાઈ! હમણાં તો મારી પાસે આનાથી વધારે નથી.”

“ઠીક છે.” કહીને પેલો માણસ તો ચાલતો થયો!

એના ગયા પછી પેલા મિત્રએ પટ્ટણીસાહેબને મીઠો ઠપકો આપ્યો,

“સર! જેને બોલવામાં ભાન નથી એ માણસને તમે ૨૦૦ રૂપિયા આપી દીધા?”

પ્રભાશંકર પટ્ટણીએ જવાબ આપ્યો, “ભાઈ! મારી પ્રજા મને ગમે તે નામે બોલાવે પણ એને મદદ કરવી એ મારી ફરજ છે.”

આવી અક્ષુણ્ણ વિનમ્રતા આ માણસમાં હતી! આજે દેખાય છે ભારતભરમાં આવો કોઈ રાજપુરુષ? ના! પ્રભાશંકર પટ્ટણી તો થઈ ગયા, એ હવે ના થાય! ૧૯૩૮માં હરિપુરાના કોંગ્રેસ અધિવેશનમાં જતા પ્રભાશંકર સાહેબનું ટ્રેનમાં અવસાન થયું અને એમના નિધનના સમાચાર સાંભળીને દુલા ભાયા કાગની કલમ રોઈ પડી:

Image Source

કોઇ રો’શો મા માવડીને રો’શો મા બેનડી,
એ દાઢીવાળાને મેં જીવતો દી’ઠો….!

દુ:ખિયાના બેલી પ્રભાશંકર:
સર પ્રભાશંકર પટ્ટણી તેમની દાનવીરતા માટે પણ જાણીતા હતા. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની આગળ આવે અને માંગણી કરે ત્યારે ખિસ્સામાં હાથ નાખીને જે હાથ લાગે એ આપી દેતા! દેવામાં એમણે કદી પાછી પાની કરી નહોતી. આ સ્વભાવને કારણે એમને ઘણી વાર ઠપકો પણ મળતો પણ છેવટ સુધી તેઓએ ‘આપી દેવાની’ ભાવના ન છોડી. ભાવનગર પ્રજા માથે જ્યારે પણ સંકટ મંડરાય ત્યારે પટ્ટણી પ્રભાશંકર ફના થઈ જવાની તમન્ના સાથે હાજર જ હોય!

રાજીનામું ખિસ્સામાં રાખીને ચાલનારો માણસ:
પ્રભાશંકર પટ્ટણની ખાસિયત એ હતી કે, તેઓ પ્રજાહિત માટે રાજાને પણ ઠપકો આપવો પડે તો જરાય સંકોચ ના રાખતા. પ્રજાનું કલ્યાણ થાય એ જ એની પ્રથમ પ્રવૃત્તિ રહેતી. અને એ માટે ગમે તેવા આકરા નિર્ણયો લેવામાં તેમણે કદી પાછીપાની નહોતી કરી. ભાવસિંહજીએ ઘણી વાર તેમનો ઠપકો પ્રેમથી-આદરથી સાંભળ્યો હતો. પટ્ટણીસાહેબ પોતાના એક ખિસ્સામાં રાજીનામાનો પત્ર કાયમ માટે રાખતા. ગમે ત્યારે કાઢીને આપી દેવાનું, નથી કરવી નોકરી! તેઓ કોઈના પસાયતા બનવા માટે તૈયાર નહોતા. ભાવસિંહજીના મૃત્યુ બાદ કૃષ્ણકુમારસિંહજી ગાદી પર આવ્યા. રાજની સ્ત્રીઓએ કૃષ્ણકુમારસિંહજીની કાનભંભેરણી કરી. પટ્ટણીસાહેબનું સ્વમાન ઘવાયું અને તરત જ રાજીનામું ધરીને નીકળી ગયા!

Image Source

વધામણી લઈને રાજા વાટ જોતા ઊભા!:
ભાવસિંહજીને પુત્રસુખ નહોતું ત્યાળે પ્રભાશંકર પટ્ટણીએ માનતા માની હતી. જ્યારે ભાવસિંહજીને ઘરે પારણું બંધાયું, કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો રાજનો દીપક જન્મયો ત્યારે સૌપ્રથમ વધામણી આપવા માટે ખુદ ભાવસિંહજી દોડીને પ્રભાશંકર પટ્ટણી પાસે ગયા. પટ્ટણીસાહેબ ત્યારે સૂતા હતા. ભાવસિંહજી તેમની ઊંઘમાં ખલેલ ના પહોંચે એ માટે સારી એવી વાર સુધી ચૂપચાપ ઊભા રહ્યા. આખળે પટ્ટણીસાહેબ ઉઠ્યા અને પછી રાજાસાહેબે વધામણી આપી.

ગાંધીજીને પણ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી!:
૧૯૨૫ની વાત છે જ્યારે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ભાવનગરમાં ભરાવાનું હતું. ભાવનગર અંગ્રેજોની હકુમત નીચે રહેલું રજવાડું હતું. આથી પટ્ટણીસાહેબ પણ અંગ્રેજરાજને વફાદાર રહે એ જરૂરી હતું. ગાંધીજી આ અધિવેશનમાં આવવાના હતા. પરિષદમાં રજવાડાંઓ વિરૂધ્ધ કોઈ ઠરાવ પસાર ના થાય એનું ધ્યાન પટ્ટણીસાહેબે રાખ્યું અને ગાંધીજી સામે બે શરત રાખી કે, અધિવેશનનું પ્રમુખપદ તમારે લેવાનું અને પરિષદમાં રજવાડાંઓ વિરૂધ્ધ કોઈ ઠરાવ પસાર થવો જોઈએ નહી!

Image Source

ગાંધીજીએ મજાકમાં કહ્યું કે ધારો કે અધિવેશનનો પ્રમુખ હું જ હોઉં અને રજવાડાંઓ વિરૂધ્ધ કોઈ ઠરાવ થાય તો?

પ્રભાશંકર પટ્ટણીએ જવાબ વાળ્યો, “તો પછી બાપુ! હું ભાવનગરની જેલને દૂધે ધોવડાવું અને પછી એમાં તમારી પધરામણી કરીને હું જાતે આપની સેવામાં હાજર રહું!”

પ્રભાશંકરના વિધાનમાં ગાંધીજી પોતાના પ્રત્યેનો આદર અને રાજપુરુષ તરીકેની ફરજપાલનની અડગતા સમજી ગયા!

ભાવનગરના દિવાન તરીકે અંગ્રેજ સરકાર પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેવાનું જરૂરી હતું. છતાં પણ અંદરખાને પ્રભાશંકર પટ્ટણી આઝાદીના આંદોલનને ટેકો કરતા. ગાંધીજીને જરૂર પડે રૂપિયાની થેલીઓ છોડી દેતા પણ અચકાતા નહી. બહુ ઓછા લોકો જાણે છે, કે અંગ્રેજ સરકારે જેના નામે વોરન્ટો જારી કર્યા હતા એ ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદને પટ્ટણીસાહેબે ૧૨ વર્ષ ભાવનગરમાં રાખ્યા હતા!

Image Source

અંતે તો એટલું જ કહેવાનું કે આઝાદીકાળના એ સમયમાં ગાંધીજીના ઓછાયા તળે ઢંકાઈ ગયેલ ગુજરાતની આ એક વિરલ વિભૂતિ હતી. આજની યુવાપેઢી આ માણસ વિશે વાંચીને અભિભૂત બની જવાની. પ્રભાશંકર પટ્ટણીનો એક ફોટો ઘરમાં રાખીને કાયમ એકવાર વંદન કરી લ્યો તો પણ બસ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.